Get The App

CIF ઈમ્પોર્ટ ઉપર રિવર્સ ચાર્જની જોગવાઈ ગેરબંધારણીય

Updated: May 22nd, 2022

GS TEAM

Google News
Google News
CIF ઈમ્પોર્ટ ઉપર રિવર્સ ચાર્જની જોગવાઈ ગેરબંધારણીય 1 - image

- વેચાણવેરો : સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ તાનાશાહી ખૂબ જ છે. અવાર-નવાર જોગવાઈ બદલી નાખવી અને વેપારીની કમર ભાંગી નાખવી એ જાણે સાવ સાધારણ થઈ ગયું છે. વેપારીથી ભૂલ થાય તો તે સુધારવાની તક આપવાની કોઈ જોગવાઈ છે જ નહી પણ જો GST પોર્ટલ ડચકા ખાય તેવા કિસ્સામાં સરકાર મુદત લંબાવી આપે. આવું તો વળી કેવું ? ખેર GST કાયદામાં જડબેસલાક જોગવાઈનો આકરો અમલ કરવો એમ થતું જ હોય છે. GST કાયદામાં અમુક વિશિષ્ટ સેવા-માલના સપ્લાય ઉપર સેવા કે માલ પ્રાપ્ત કરનાર ઉપર રિવર્સ ચાર્જ હેઠળ વેરો ભરવાની જવાબદારી લાદવામાં આવી છે. CIF આયાત બાબતે ખૂબ જ તકલીફ હતી અને પ્રવર્તમાન GST ઓડિટ એસેસમેન્ટમાં પણ અધિકારીઓનો આ બાબતે વેરો આંચકી લેવાની વૃત્તિ હતી અને સપ્લાયને શો કોઝ આપવામાં આવતી. તાજેતરમાં માન. સર્વોચ્ચ અદાલત દ્વારા મોહિત મિનરલ્સ પ્રા. લી.ના કેસમાં CIF આયાત ઉપર રિવર્સ ચાર્જ ભરવો કે કેમ તે બાબતે સરકારની અપીલ ફગાવી કાઢી અને ખૂબ જ રસપ્રદ ચૂકાદો આપ્યો છે (સિવિલ અપીલ નં. ૧૩૯૦ ઓફ ૨૦૨૨ તારીખ ૧૯-૫-૨૦૨૨) જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકત

નોટીફીકેશન નં. ૮/૨૦૧૭- ઈન્ટીગ્રેટેડ ટેક્ષ (રેટ) તારીખ ૨૮-૬-૨૦૧૭ ની એન્ટ્રી નં. ૯ પ્રમાણે એમ સૂચવવામાં આવેલ કે જ્યારે નોનટેક્ષેબલ ટેરીટરીમાં સ્થિત વ્યક્તિ ઓશન ફેટની સેવાનો સપ્લાય ઉપર આયાત કરનારને ૫ % GST ભરવાનો થાય. નોટીફીકેશન નં. ૧૦/૨૦૧૭- ઈન્ટીગ્રેટેડ ટેક્ષ (રેટ) તારીખ ૨૮-૬-૧૭ મુજબ જે કિસ્સામાં CIF આયાત કરવામાં આવે છે તેવા કિસ્સામાં એમ માની લેવામાં આવશે કે આયાતની રકમના ૧૦ % ઉપર રિવર્સ ચાર્જ ભરવાનો રહેશે. આ નોટીફીકેશન અને રિવર્સ ચાર્જની જોગવાઈ ગેંરબંધાર્ણીય છે એમ ગુજરાત હાઈ કોર્ટમાં પડકારવામાં આવી હતી. મોહિત મિનરલ્સ પ્રા. લી. દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ નોટીફીકેશનને ગેંરબંધાર્ણીય ઠરાવવામાં આવેલ જેનાથી નારાજ થઈને સરકાર દ્વારા માન. સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે ખૂબ જ અગત્યના સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે અને ઉમદા ચૂકાદો આપવામાં આવેલ છે.

સર્વોચ્ચ અદાલતનો ચૂકાદો

સર્વોચ્ચ અદાલતે સરકારની અરજી ફગાવી કાઢી અને જોગવાઈને ગેંરબંધારણીય ઠરાવી તથા ચૂકાદાનો સારાંશ નીચે પ્રમાણે છે ઃ-

(૧) GST કાઉન્સીલની ભલામણ સરકાર જ્યારે નિયમની રચના કરતી હોય તે વખતે બંધન કરતા છે.

(૨) બંધારણના આર્ટીકલ ૨૭૯બીની કમી કરવાથી અને જે પ્રમાણે આર્ટીકલ ૨૭૯(૧) ની રચના કરવામાં આવી છે તેથી એમ સ્પષ્ટ થાય છે કે GST કાઉન્સીલની ભલામણોની માત્ર પર્સુયેસીવ વેલ્યુ છે અને કોઈ કાયદો નથી. વધુમાં એમ બિલકુલ માની ના શકાય કે જ્યારે કાયદો ઘડવાનો હોય તે વખતે બંધારણના આર્ટીકલ ૨૭૯એ પ્રમાણે આ તમામ ભલામણો બંધનકરતા છે.

(૩) IGST કાયદાની કલમ ૨(૧૧) તથા કલમ ૧૩(૯) તથા CGST કાયદાની કલમ ૨(૯૩) વાચતા એમ સ્પષ્ટ થાય છે કે CIF કોન્ટ્રેક્ટ હેઠળ આયાત કરેલ માલ 'ઈન્ટરસ્ટેટ' સપ્લાય ગણાશે જેમાં આયાત કરનાર શિપિંગની સેવાના પ્રાપ્ત કરનાર થાય. એટલે કે રેસિપિયન્ટ ઓફ સર્વિસ.

(૪) જે પ્રમાણે સરકારે નોટીફીકેશન નં. ૧૦/૨૦૧૭ ની રચના કરવામાં આવી છે તે માત્ર ક્લેરીફીકેટરી છે અને કોઈ વેરો લાદવાની સત્તા આપતું નથી. કોઈ વ્યક્તિ ઉપર તે કલમ ૫(૩) હેઠળ રેસિપિયન્ટ કરતા અલગ હોય.

(૫) જ્યારે આયાત કરનાર ઈન્ડયન ઈમ્પોર્ટર માલ વિદેશથી મંગાવે છે તે વખતે આ વ્યવહાર કોમ્પોઝીટ સપ્લાય થાય અને આમા રહેલ સેવા ઉપર જો રિવર્સ ચાર્જ ભરવાનો થાય તો તે કલમ ૨(૩૦) તથા CGST  કાયદાની કલમ ૮ ના સિદ્ધાંતની વિરૂદ્ધ થાય. આમ, સરકારની અપીલ ફગાવી કાઢી.