Get The App

સ્ટીલ- લોખંડ-પોલાદ બજારમાં માગ વધવા સાથે ભાવ ઉંચા જવાની શક્યતા

Updated: Jan 8th, 2023

GS TEAM


Google News
Google News
સ્ટીલ- લોખંડ-પોલાદ બજારમાં માગ વધવા સાથે ભાવ ઉંચા જવાની શક્યતા 1 - image


ઉભી બજારે - દિલીપ શાહ

કાચા સ્ટીલની ઉત્પાદન ક્ષમતા બમણી કરવાનું લક્ષ્યાંકઃ સ્પેશીયલ ગ્રેડ પ્રકારના સ્ટીલનું ઉત્પાદન વધારવા શરૂ થયેલા પ્રયત્નો

દેશમાં સ્ટીલ (લોખંડ-પોલાદ) બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે  તાજેતરમાં  સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે.  ઘરઆંગણે સ્ટીલના ઉત્પાદનમાં વૃદ્ધી નોંધાઈ છે અને હવે  ૨૦૨૩ના નવા વર્ષમાં  સ્ટીલ ઉત્પાદનમાં વપરાતા કાચા માલોની સપ્લાય  વધારવા  પર તથા  સ્પેશીયલ ગ્રેડ  પ્રકારના  સ્ટીલનું ઉત્પાદન વધારવા તરફ લક્ષ કેન્દ્રીત કરવામાં આવનાર  હોવાના  સંકેતો બજાર તથા ઉદ્યોગ જગતમાંથી  મળ્યા છે.  દેશમાં સ્ટીલનું ઉત્પાદન જાન્યુઆરીથી નવેમ્બર ૨૦૨૨માં  ૧૧ મહિનાના ગાળામાં આશરે દસ ટકા વધી  ૧૧૩૪થી  ૧૧૩૫ લાખ ટનની  સપાટીએ પહોંચ્યાના  વાવડ મળ્યા છે.  દેશમાં  કાચા સ્ટીલની ઉત્પાદન  ક્ષમતા વાર્ષિક ધોરણે ૧૫૦૦ લાખ ટનની રહી છે  અને આવી ઉત્પાદન ક્ષમતા વધારી બમણી કરવાનો  ટાર્ગેટ સરકારે બનાવ્યો  હોવાનું  સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. આ માટે  નવા વર્ષમાં  સ્ટીલ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે સરકાર વિવિધ પગલાંઓ પર વિચારણા કરી રહી છે. તથા મોટાભાગે હવે પછી ટૂંકમાં  બહાર પડનારા  બજેટમાં  પણ આ દિશામાં  પ્રયત્નો કરાશે એવી શક્યતા જાણકારો  બતાવી રહ્યા  છે. હાઈ એન્ડ એલોયનું  ઉત્પાદન વધારવા સરકારે સ્પેશીયાલીટી સ્ટીલ માટે  પ્રોડકશન લીન્કડ ઈન્સેટીવ  પીએલઆઈ યોજના ૨૦૨૧માં  શરૂ કરી હતી અને  તેની એસર ૨૦૨૨ના વિદાય લીધેલા વર્ષમાં જોવા મળી હતી.  દેશમાં  પાવર, શિપિંગ. રેલવે, ઓટો વિ. ક્ષેત્રે સ્પેશીયલ ગ્રેડ સ્ટીલનો વપરાશ વિશેષ રૂપે  થાય છે  અને આ માટે  આયાત પર  પણ આધાર રાખવો પડે છે.  હવે નવા વર્ષમાં  આવા સ્ટીલનું  ઉત્પાદન ઘરઆંગણે  વધારવા તથા આયાત પર  આધાર ઘટાડવા તરફ સરકાર તથા  ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ દ્વારા વિશેષ લક્ષ અપાશે  એવી ગણતરી  બજારના સૂત્રો બતાવી રહ્યા છે.

દરમિયાન, સ્ટીલ ઉત્પાદનના કાચા માલોનો પુરવઠો વધારવા તરફ પણ લક્ષ  અપાઈ રહ્યું છે. સ્ટીલના  ઉત્પાદનમાં  કોકીંગ-કોલ (કોલસા)નો વિશેષ ઉપયોગ થાય છે. આવા કોકીંગ-કોલની દેશમાં આયાત થતી રહી છે. આવા કોકીંગ કોલની આયાત ઘટાડવી  જરૂરી છે. દેશમાં  ૧૨૦૦ લાખ ટન કાચા સ્ટીલનું  ઉત્પાદન કરવા નાણાં વર્ષ  ૨૦૨૧-૨૨માં  આશરે ૫૭૦ લાખ ટન જેટલા કોકીંગ-કોલની આયાત કરવી પડી હતી.  દેશમાં હવે  કોકીંગ-કોલનો  જથ્થો  જમીનની અંદર  ધરાવતા વિવિધ વિસ્તારો ગોતી કાઢવામાં આવ્યા  છે. દેશમાં જમીનના પેટાળમાં  આશરે ૩૪થી ૩૫ અબજ ટન જેટલો કોકીંગ-કોલનો જથ્થો મનાય છે જે  પૈકી  આશરે ૧૭થી ૧૮ અબજ ટનનો  જથ્થો ગોતી કાઢવામાં આવ્યો છે.

દરમિયાન, ૨૦૨૨માં  સરકારે  સ્ટીલની આઈટમો પર નિકાસ ડયુટી લાદી હતી તે ત્યારબાદ તાજેતરમાં  દૂર કરવામાં આવી હતી. ઉપરાંત નિકાસ લાભો  પણ આપવામાં  આવ્યા હતા.  રેમિશન ઓફ ડયુટીઝ એન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટઝ પ્રોડકટસ (આરઓડીટીઈપી) યોજના હેઠળ આવા નિકાસ પ્રોત્સાહનો આપવામાં આવ્યા હતા.  સ્ટીલના વિશ્વ બજારમાં  ભારતનો હિસ્સો  વધારવા  માટે આ પ્રકારના પ્રયત્નો  હાથ ધરાતા  જોવા મળ્યા  હતા. દરમિયાન, ભારતમાં સ્ટીલ ઉત્પાદકો દ્વારા જાન્યુઆરી  ૨૦૨૩માં આ મહિનામાં  ભાવમાં વૃદ્ધી કરવા વિચારી  રહ્યાના વાવડ પણ મળ્યા  છે. ફલેટ-કોટેડ સ્ટીલના ભાવ  તાજેતરમાં  ટનના  રૂ.૫૦૦ વધ્યા  છે. વિશ્વ બજારમાં    ચીનના સ્ટીલના નિકાસ ભાવ વધ્યા છે.  ભારતના સ્ટીલ ઉત્પાદકોએ  તાજેતરમાં  નિકાસ ઓફરો  પાછી ખેંચી હવે જાન્યુઆરીમાં ઉંચા ભાવથી નિકાસ ઓફરો સ્ટીલ ઉત્પાદકો વિશ્વ બજારમાં   મૂકશે એવી  શક્યતા ચર્ચાઈ  રહી છે.  દરમિયાન, ચીનમાં  તાજેતરમાં  કોરોનાના કેસો ફરી વધ્યા છે અને  તેના પગલે સ્ટીલ બજારમાં  અજંપો પણ જોવા મળ્યો છે. 

હોટ-રોલ્ડ  કોઈલ્સના ભાવ એક્સ-મુંબઈ ટનના રૂ.૫૩૪૦૦થી ૫૩૫૦૦ હતા તે હવે વધવાની શક્યતા બતાવાઈ રહી  છે. દરમિયાન, ઈન્ડિયન સ્ટીલ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા  મુજબ નિકાસ ડયુટીના પગલે  દેશમાંથી  સ્ટીલની  નિકાસ એપ્રિલથી  ઓકટોબર ૨૦૨૨ના સાત મહિનાના ગાળામાં  આશરે ૫૪થી ૫૫ ટકા જેટલી ઘટી છે તથા આ ગાળામાં ફિનિશ્ડ સ્ટીલની આયાત ૧૪થી ૧૫ ટકા  વધી ૩૧થી ૩૨  લાખ ટન થઈ છે. એકલા ઓકટોબરમાં  આવી આયાત ૭૭થી ૭૮ ટકા વધી છે. ૨૦૨૨માં  રશિયા-યુક્રેન વોરના કારણે વિશ્વ બજારમાં  કોલસાના ભાવમાં વિશેષ વૃદ્ધી દેખાઈ છે. દરમિયાન, નવા વર્ષમાં સ્ટીલની માંગ ૭થી ૮ ટકા વધવાની શક્યતા છે. એકંદરે ૨૦૨૨ કરતાં ૨૦૨૩નું  નવું વર્ષ સ્ટીલ બજાર તથા ઉદ્યોગ માટે સારું નિવડવાની આશા જાણકારો બતાવી રહ્યા છે.


Tags :