- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
- વિશ્વમાં વસતી વધારાનો દર એક ટકાથી નીચો જ્યારે આર્થિક વૃદ્ધિ દર 3 ટકા
અત્યારે જગતના રાજકારણ અને અર્થકારણમાં ક્રૂડ ઓઇલની અછત એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે જેને આપણે આર્થિક જ નહીં પરંતુ જીઓપોલીટીકલ પ્રશ્ન ગણીએ છે. આ પ્રશ્ન ટૂંકાગાળાનો છે કારણ કે ભૂતકાળમાં ગંભીર આર્થિક કટોકટીઓનું કાળક્રમે સમાધાન થઈ ગયું છે. અહીં આપણે ભારતના અર્થકારણની લાંબાગાળાની સમસ્યાઓની ચર્ચા કરીશું. અર્થશાસ્ત્રીઓ હંમેશા ટૂંકાગાળા (શોર્ટ ટર્મ) અને લાંબાગાળા (લોંગ ટર્મ)ના આર્થિક પ્રશ્નોની ચર્ચા કરતા હોય છે.
ભારત ભલે ૬ થી ૭ ટકાના આર્થિક વૃદ્ધિદરે સડસડાટ પ્રગતિ કરી રહ્યું હોય તેમ છતાં ભારતનો સરાસરી માથાદીઠ વાર્ષિક આવક માત્ર ૩૦૦૦ ડોલર્સ છે જે અમેરિકાની લગભગ ૯૦,૦૦૦ ડોલર્સ અને ચીનની ૧૩,૦૦૦ ડોલર્સ અને રશિયાની લગભગ ૧૫,૦૦૦ ડોલર્સની સરખામણીમાં કીડી જેટલી ગણાય. અત્યારની ચીનની ૧૪૧ કરોડથી ૧૪૨ કરોડ વચ્ચેની વસતીની સરખામણીમાં ભારત આગળ નીકળી ગયું છે. અત્યારે જગતમાં ૮૪ વર્ષનો સરાસરી આવરદા ધરાવતો દેશ જાપાન છે. યાદ રહે કે જગત ખાડે નથી ગયું. જગતમાં વસતી વધારાનો દર એક ટકાથી નીચો છે. જ્યારે જગતના અર્થકારણનો આર્થિક વૃદ્ધિદર ૩ ટકા છે. જગતની વસતી ૮૨૦ કરોડ પર પહોંચી ગઈ છે અને દર વર્ષે જગતની વસતીમાં ૮ કરોડ લોકોનો વધારો થાય છે.
ભારતનું અર્થકારણ :
ભારતમાં કુલ જીડીપીમાં માત્ર ૧૮ ટકા ખેતીક્ષેત્રને આભારી છે જ્યારે ભારતમાં ખેતીક્ષેત્રમાં કામ કરનારા વર્કફોર્સની ટકાવારી કુલ વર્કફોર્સના ૪૫ ટકાથી ૪૬ ટકા વચ્ચે છે. ટૂંકમાં વર્કફોર્સની દ્રષ્ટિએ ભારત હજી ખેતીપ્રધાન દેશ છે. જ્યારે જગતના સમૃદ્ધ દેશો માત્ર ઉદ્યોગપ્રધાનમાંથી પણ નીકળીને સેવાપ્રધાન બની ગયા છે. અહીં સેવા એટલે કોર્મશીયલ સર્વીસીઝ જેમકે બેંકીંગ, વ્યાપાર (છૂટક અને જથ્થાબંધ) ઈન્સ્યુરન્સ, ટ્રાવેલ અને ટુરીઝમ, અને મુખ્યત્વે શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ.
જગતના મોટાભાગના દેશો - ખાસ કરીને પશ્ચિમ યુરોપના દેશો અને અમેરીકા - કલ્યાણ રાજ્યોની દીશામાં આગળ વધી રહ્યા છે. કલ્યાણ રાજ્યનો કન્સેપ્ટ સામ્યવાદ અને મૂડીવાદની વચ્ચેનો છે. જગતના ઘણા દેશોએ શોષણખોર મૂડીવાદ અને ક્રૂર સરમુખત્યારશાહી શાસન વચ્ચેનો માર્ગ પસંદ કર્યો છે. ભારત પણ કલ્યાણવાદી રાષ્ટ્રની દીશામાં આગળ વધી રહ્યું છે. પરંતુ આ દીશામાં ભારતે હજી ઘણી પ્રગતિ કરવાની છે. ભારત હજી ગ્રામ્યપ્રધાન દેશ છે. ૨૦૧૧ના સેન્સસ પ્રમાણે ભારતની બે તૃતીયાંશ વસતી તેના ગામોમાં અને એક તૃતીયાંશ વસતી જ તેના શહેરો અને નગરો (સીટીઝ એન્ડ ટાઉન્સ)માં રહેતી હતી. ભારતની વસતી જે ૧૯૫૧માં લગભગ ૩૫ કરોડ હતી તે પર સ્થિર થઈ ગઈ હોત તો ભારતીયજનની માથાદીઠ આવક ૧૨,૦૦૦ ડોલર્સની ઉપર પહોંચી ગઈ હોત. ૨૦૨૧નો સેન્સસ હજી શરૂ થયો નથી એટલે ભારતમાં કેટલું શહેરીકરણ થયું છે તેની ચોક્કસ માહિતી આપણને પ્રાપ્ત નથી. છેલ્લે ૨૦૨૬ના સ્ટેટીસ્ટીક્સ પ્રમાણે ભારતીયજનની સરેરાશ માથાદીઠ આવક ૩૦૫૧ ડોલર્સ થઈ ગઈ છે. જ્યારે અમેરીકાની ૯૨,૮૮૩ ડોલર્સ જેટલી પ્રચંડ થઈ ગઈ છે. જાપાનની ૨૦૨૬માં સરાસરી માથાદીઠ આવક ૩૬,૩૮૧ ડોલર્સ, ચીનની ૧૪,૭૩૦ ડોલર્સ, રશિયાની ૧૭,૨૮૭ ડોલર્સ, યુ.કે.ની ૬૦,૦૧૧ ડોલર્સ પર પહોંચી ગઈ છે.
ટૂંકમાં સરાસરી માથાદીઠ આવકની બાબતમાં જગતના દેશો વચ્ચે પ્રચંડ અસમાનતા જોવા મળે છે. જગતના સમૃદ્ધ મૂડીવાદી દેશો (અમેરીકા અને પશ્ચિમ યુરોપ) સામ્યવાદી દેશો (ચીન અને રશિયા)ની માથાદીઠ આવક ખૂબ જ ઓછી ગણાય તેથી ચીન અને રશિયા ભલે બ્રીકસના સભ્યો બનીને જગતને ભય પમાડતા હોય પરંતુ પશ્ચિમ જગત આગળ તેઓ 'બચ્ચુ' છે. ભારતના બજેટ પર દ્રષ્ટિપાત કરતા જણાય છે કે તે કલ્યાણરાજ્યની દીશામાં આગળ વધવા પ્રયત્નશીલ છે.


