Get The App

કિંમતમાં ઘટાડા સાથે વીજ વાહનો માટે સુવિધા આસાનીથી ઉપલબ્ધ બને તે જરૂરી

- લથિઅમ-આયોન બેટરીઝ માટે ભારતે જાપાન તથા ચીન પર નિર્ભર

Updated: Aug 24th, 2020

GS TEAM

Google News
Google News
કિંમતમાં ઘટાડા સાથે વીજ વાહનો માટે સુવિધા આસાનીથી ઉપલબ્ધ બને તે જરૂરી 1 - image


- ચાર્જિંગ સ્ટેશનોના વિકાસમાં ઢીલ તથા છાશવારે બદલાતી નીતિઓ રુકાવટરૂપ બની રહ્યા છે

દેશમાં વીજથી ચાલતા વાહનોને દોડતા કરવામાં સરકાર પોતે જ મુંઝવણો ઊભી કરી રહ્યાનું તાજેતરના એક નિર્ણય પરથી જોવા મળી રહ્યું છે. તાજેતરમાં લીધેલા એક નિર્ણયમાં સરકારે વીજ સંચાલિત ટુ વ્હીલર્સ તથા થ્રી વ્હીલર્સને અગાઉથી ફીટ કરેલી બેટરીઝ વગર વેચવા દેવાની પરવાનગી આપી છે.  વીજ વાહનોની કિંમતમાં ઘટાડો કરવાના ઈરાદા સાથે સરકારનું આ પગલું આવી પડયું હોવાનું મનાય છે, પરંતુ તેનો અમલ કેવી રીતે થશે તે હજુ અસ્પષ્ટ છે. વીજ વાહનની કુલ કિંમતમાં ૩૫થી ૩૮ ટકા ખર્ચ બેટરીનો રહે છે. પરિવહન મંત્રાલયના નિર્ણય પ્રમાણે, વીજ સંચાલિત વાહન ઉત્પાદકો બેટરીને અલગથી પૂરી પાડી શકે છે અથવા તો એનર્જી સર્વિસ પ્રોવાઈડરો પાસેથી તે ખરીદી શકાશે. વીજ વાહન ક્ષેત્રના નિષ્ણાતોનું માનીએ તો સરકારનો આ નિર્ણય વ્યવહારુ છે પરંતુ તેને પ્રેકટિકલી  અમલમાં મૂકતા પહેલા ઘણી સ્પષ્ટતા થવી જરૂરી છે. આ નિર્ણય બીટુબી  (બિઝનેસ ટુ બિઝનેસ) વેપારમાં કદાચ બંધ બેસી શકશે પરંતુ બીટુસી (બિઝનેસ ટુ કસ્ટમર- એન્ડ યુઝર)માં કઈ રીતે કામ કરે છે તે જોવાનું રહેશે. બીટુબીમાં બેટરીઝનો બિઝનેસ મોડેલ્સ હોઈ શકે છે, પણ એન્ડ યુઝર્સ માટે તે એક કવાયત બની રહેશે. 

વિશ્વના મોટાભાગના દેશોમાં બેટરીઝ વગરના વાહનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું નથી. સામાન્ય રીતે એક નવા વાહનનું  જ્યારે વેચાણ કરવામાં આવે છે ત્યારે તેના ઉત્પાદક દરેક પાર્ટસ માટે તેની ચોક્કસ વર્ષ સુધી ગેરન્ટી આપતા હોય છે. વાહનના ઉત્પાદન બાદ તેનું ટેસ્ટિંગ કરીને જ વેચાણ કરવામાં આવે છે. વાહનના વેચાણને પ્રોત્સાહન પૂરા પાડવા બેટરીઝનું કદ પણ મોટી ભૂમિકા ભજવતું હોય છે.  સરકારે બેટરીઝ વગરના વાહનના રજિસ્ટ્રેશનને છૂટ આપી છે પરંતુ વાહનમાં માત્ર માન્ય એજન્સીઓ દ્વારા ટેસ્ટ થયેલી બેટરીઝ બેસાડી શકાશે. વાહનોની કિંમત નીચી રહે તે આવકાર્ય છે પરંતુ વીજ વાહનની ખરીદી કર્યા બાદ તેની માટે આવશ્યક સુવિધાઓનો દેશમાં જોઈએ તેવો વિકાસ થયો નથી. 

દેશમાં  વીજ  વાહનોને માર્ગો પર દોડતા કરવા સરકાર તથા વાહન ઉદ્યોગ  છેલ્લા કેટલાક સમયથી સાથે મળીને કામ કરી રહ્યા છે. ૨૦૩૦ સુધીમાં દેશમાં વીજથી ચાલતા વાહનોને  જ  માર્ગો પર દોડતા રાખવા સરકાર યોજના ધરાવે છે, પરંતુ વિશ્વમાં વીજ વાહનોની  બજાર પર  ચીનનો કબજો રહેલો છે. જેમાં  અર્થ મિનરલ્સથી લઈને બેટરી સેલ્સ અથવા મોડયૂલ્સના ઉત્પાદનથી લઈને  તેના  પૂરવઠાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત  વીજ વાહનના  મુખ્ય પાર્ટસ જેમ કે ડીસી મોટર્સ, ઈન્વર્ટર્સ, કન્વર્ટર્સ તથા કન્ટ્રોલ સિસ્ટમ પર ચીને બાજી મારેલી છે. આ સંદર્ભમાં ભારત હજુ આત્મનિર્ભર બન્યું નથી. 

 જે દેશોમાં વીજ વાહનો દોડતા થયા છે તે માટેના મુખ્ય કારણોમાં  સ્થાનિક  સરકારો દ્વારા પૂરી પડાતી વ્યાપક પ્રોત્સાહન સ્કીમ્સ અથવા તો  પ્રદૂષણ વિરોધી  સખત ધોરણોનો સમાવેશ થાય છે. આપણા દેશમાં  વીજ વાહનોના ઉત્પાદન તથા વપરાશ માટે હિસ્સેદારોનો ઉત્સાહ  વધારવા સરકારના અત્યારસુધીના પગલાં આ ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટમાં વધારો કરવા માટે  અપૂરતા જોવાઈ રહ્યા છે ત્યારે હવે બેટરીસ અલગથી પૂરી પાડવાનો વ્યૂહ  કેટલો કામ લાગે છે તે જોવાનું રહેશે. જીએસટીના દરમાં કરાયેલો ઘટાડો પણ પૂરતો જોવા મળતો નથી.  દેશમાં  સૌથી વધુ પ્રદૂષણ વાહનોથી ફેલાતું હોવા છતાં તેને  અટકાવવા માટેના ધોરણો અહીં એટલા સખત નથી જેને કારણે વાહન ચાલકો પણ મનેકમને વીજ વાહનો તરફ વળવા લાગે. 

કોવિડ-૧૯ના ફેલાવા પહેલા ભારતમાં  વીજથી ચાલતા વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો  થશે તેવી અપેક્ષા રખાતી હતી પરંતુ  હાલમાં વાહનો માટેના કાચા માલના પૂરવઠા પર અસર પડી છે ત્યારે તેમાં  તાત્કાલિક વધારો જોવા મળવાની સંભાવના ઘટી ગઈ છે.  જ્યાં  સુધી ભારત  આત્મનિર્ભર ન બને ત્યાં સુધી  ચીનના ટેકા વગર વીજ વાહનોનો કાફલો વધારવાનું શકય નથી.   બીજી બાજુ  ભારતીય સૈનિકો પર ચીન દ્વારા કરાયેલા હુમલા બાદ ભારતના વાહન ઉદ્યોગો, નાગરિકો તથા સરકાર પોતે ચીન સાથે કોઈ વેપાર વ્યવહાર કરવાના હાલમાં મૂડમાં નથી. 

આપણા દેશમાં વાહનની મોટી માર્કેટ હોવા છતાં  ઈ-વાહન  માર્કેટનું વિસ્તરણ નીચું છે. આ માટેના અનેક કારણો રહેલા છે. જેમાં બેટરીસની અછત, તેના ચાર્જિંગ સ્ટેશનોના વિકાસમાં ઢીલ તથા છાશવારે બદલાતી સરકારી નીતિ -ધોરણો રહેલા હોવાનું કહેવાય છે. ૨૦૩૦ સુધીમાં દરેક નવા વાહનો વીજથી ચાલતા વાહનો હશે 

બેટરીઝ એ વીજ વાહનનું એક મહત્વનું અંગ હોવાથી દેશના નીતિવિષયકો સસ્તી બેટરીઝ પર ભાર આપી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે. વીજ વાહનોમાં બેટરીઝ પાછળનો ખર્ચ ઘણો જ ઊંચો આવે છે, તેને ધ્યાનમાં રાખીને જ તેને વાહનના સંકલિત ભાગમાંથી બાકાત રાખવાનો વ્યૂહ અપનાવાયો છે ખરો પણ વીજ વાહનની ખરીદી કરવામાં ખરીદદારો તેનો કેટલો સ્વીકાર કરે છે તેનો ઉદ્યોગોએ કયાસ મેળવવાનો રહેશે. બેટરીઝની વાત કરીએ તો લિથિઅમ અને કોબાલ્ટનો ભારત પાસે  ખાસ જથ્થો નથી. લથિઅમ-આયોન બેટરીઝ માટે ભારતે જાપાન તથા ચીન પર નિર્ભર રહેવું પડે છે. જે વીજ વાહનોની એકંદર કિંમતમાં વધારો કરાવે છે.  મોટી સંખ્યાના વાહનોને જો  બેટરીઝ વગર પૂરા પાડવા હશે તો  બેટરીઝના ઉત્પાદન પ્લાન્ટસમાં જંગી ઈન્વેસ્ટમેન્ટ આવશ્યક બની રહે છે.  ઈ-વાહનોની  નીતિ સંદર્ભમાં  અનિશ્ચિતતાને જોતા  ઈ-વાહન અને બેટરીઝના ઉત્પાદન એકમો ઊભા કરવામાં  કંપનીઓમાં કોઈ આકર્ષણ જણાતું નથી. 

વાહનો દ્વારા ઓકાતા પ્રદૂષણને રોકવા વીજ વાહનોને  પ્રોત્સાહન અપાઈ રહ્યા  છે. પરંતુ આ ત્યારે જ શકય બનશે જ્યારે તેના મુખ્ય સાધનોનો પૂરવઠો ભારત પાસે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાશે. પછી કિંમતમાં ઘટાડો ભલે કરવામાં આવે પરંતુ આવશ્યક સાધનોની અછત ઉત્પાદકો તથા વાહન ખરીદનારા બન્નેમાં આકર્ષણ ઊભું કરવા સામે મોટી રુકાવટ બની શકે છે.

Tags :