- બુધવારે ગુરૂપૂર્ણિમાઃ આપણે ત્યાં કમનસીબી એ છે કે દરેક પોતાને ગુરૂ સમજે છે. બિઝનેસ પાછળ રહેલી ટેકનીકાલીટીની સમજ બિઝનેસ ગુરૂ આપતા આવ્યા છે...
- અમુક સમાજ સાથે બિઝનેસ ના થાય એવી લોકવાયકાઓ પાયા વિનાની હોય છે. જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તે બિઝનેસ ડીલીંગની ટર્મ સાથે સંકળાયેલા હોય છે
- બિઝનેસમાં લાંબો કૂદકો મારવાનો કોઇ અર્થ નથી. દરેક એ પણ જાણે છે કે લાલચમાં ફસાવનારા હજારો લોકો બિઝનેસમાં ફસાવીને મોટો આર્થિક ફટકો મારતા હોય છે...
બે દિવસ પછી ગુરૂ પૂર્ણિમા છે. દરેક બિઝનેસમેન પોતાનો એક આદર્શ બિઝનેસમેન નજર સામે રાખતા હોય છે. દરેક જાણે છે કે અંબાણી, એમેઝોન કે ઇલોન મસ્કની ટક્કર લઇ શકાય એમ નથી. દરેક એ પણ જાણે છે કે બિઝનેસમાં લાંબો કૂદકો મારવાનો કોઇ અર્થ નથી. દરેક એ પણ જાણે છે કે લાલચમાં ફસાવનારા હજારો લોકો બિઝનેસમાં ફસાવીને મોટો આર્થિક ફટકો મારતા હોય છે. દરેકને ક્યાં રેડ સિગ્નલ છે તેની પણ ખબર હોય છે છતાં વારંવાર છેતરપીંડી કરનારા બહુરૂપીની જેમ આવે છે અને છેતરી જાય છે. બિઝનેસ કેવી રીતે કરવો અને કેવી રીતે હતાશા ખંખેરીને આગળ વધવું તેવી સલાહ આપતા બિઝનેસ ગુરૂઓની બોલબાલા છે. વિશ્વના ટોપ ટેન બિઝનેસ ગુરૂઓમાં અમદાવાદના શૈલેષ ઠાકરનો પણ સમાવેશ થાય છે. આપણે ત્યાં કમનસીબી એ છે કે દરેક પોતાને ગુરૂ સમજે છે. બિઝનેસ પાછળ રહેલી ટેકનીકાલીટીની સમજ બિઝનેસ ગુરૂ આપતા આવ્યા છે. આ બિઝનેસ ગુરૂઓ છેતરપીંડી કરતા લોકોના માનસને સમજે છે અને તેમનાથી કેવી રીતે ચેતતા રહેવું તે શીખવે છે.
આપણે ત્યાં બીજી એક સલાહ એવી અપાય છે કે હોંશિયારને સલાહની જરૂર નથી હોતી અને ઠોઠીયો સલાહ લેતો નથી. બિઝનેસમેન વિવિધ સલાહો વચ્ચે ગુંચવાતો આવ્યો છે. અન્યો કરતાં વધુ કમાવવાનો ક્રેઝ તેને સતત મેંાઘો પડતો હોય છે. છતાં તે હાર્યો જુગારી બમણું રમે તેમ કરતો હોય છે. અનેક લોકો એવી ડંફાસો મારતા હોય છે કે અમે ચપ્પલ પરથી માણસને ઓળખી શકીયે છીયે. આવા લોકો વધુ છેતરાતા હોય છે. ઓનલાઇન લાલચ આપીને છેતરનારાના ચપ્પલ તો ઠીક પણ તેનું મ્હોં પણ જોવા નથી મળતું અને લાખોનો ચૂનો લગાડી જાય છે. નવો બિઝનેસ કરનારા અને પેઢીગત ચાલ્યા આવતા બિઝનેસને એક્સપાન્ડ કરવા દરેક મથામણ કરતા હોય છે. બિઝનેસ કરતાં કરતાં દરેક અનેક સમસ્યાઓ અને મુશ્કેેલીમાંથી પસાર થઇને તૈયાર થતા હોય છે. પોતાની ભૂલોમાંથી શીખીને તૈયાર થયેલો બિઝનેસમેન તેના ફાયનાન્સ મેનેજર કરતાં પણ વધુ બુધ્ધિશાળી અને સજાગ હોય છે. બિઝનેસમાં વ્યક્તિ અનુભવે તૈયાર થતો હોય છે.
એટલેજ આપણા વડવાઓ કહી ગયા છે કે બિઝનેસમાં ભગવાનનો પણ ભાગ રાખો. જે તમને છેતરાતા બચાવી શકે છે. એટલેજ કેટલાક સંપ્રદાયોમાં બહાર સૂચના લખી હોય છે કે તમારી આવકના દશ ટકાનું દાન કરો. દશ ટકા એ ફિક્સ રકમ નથી તે બે ટકા પણ હોઇ શકે પરંતુ તે રાખવી જરૂરી છે. કેમકે તેનાથી સમાજ પ્રત્યેની કેટલીક જવાબદારી પુરી કરવાનો સંતોષ મળે છે તેમજ તમારો ભાગીદાર ભગવાન તમને છેતરનારા સામે સિક્સથ સેન્સ ઉભી કરી આપીને ચેતવે છે. એટલેજ બે દિવસ બાદ બુઘવારે આવતી ગુરપુર્ણિમાને અહીં યાદ કરી છે.બિઝનેસમાં આઘ્યાત્મિક ગુરૂના આશિર્વાદ કામ કરતા હોય છે. આધ્યાત્મિક ગુરૂ એટલે તમારા ઇષ્ટદેવ. તમારા કારખાના કે કંપનીમાં જે ઇષ્ટદેવની પૂજા થતી હોય તેનેજ તમારા આઘ્યાત્મિક ગુરૂ ગણવા જોઇએ.
છેતરપિંડી કરતા લોકોને સરકાર તરફથી કોઇ સુરક્ષા કવચ નથી મળતું. આવું કોઇ સુરક્ષા કવચ હોઇ શકે નહીં. એકવાર પૈસો બહાર પગ કરી ગયા પછી પાછો આવવો મુશ્કેલ હોય છે. બિઝનેસમાં છેતરપીંડી કરનાર એટલો ચાલાક હોય છે કે જે ક્યારેય તમારી તિજોરીમાંથી ( બેંકના ખાતામાંથી) પૈસા નથી આચંકી લેતો. પરંતુ લાલચમાં ફસાનાર સામે ચાલીને પૈસા તેના ખાતામાં જમા કરાવતો આવે છે. જ્યારે તેને છેતરાયાનું ભાન થાય છે ત્યારે પોલીસની મદદ લે છે અને પોતાના નજીકનાઓને જણાવે છે. તાજેતરમાં બિઝનેસ પર હેકર્સનો આતંક વઘ્યો છે. સાયબર નિષ્ણાતો કહે છે કે ઇન્ટરનેટના ઉપયોગમાં સતત જાગૃતિ એક માત્ર અસરકારક ઉપાય છે. ખરેખર તો હું કેવી રીતે છેતરાયો એવા અનુભવની પુસ્તક દરેક કંપનીએ પોતાના અનુભવ સાથેની બહાર પાડવી જોઇએ. જેથી તેના કુટુંબીજનો કે આગામી પેઢીને તેનું ભાન થઇ શકે.
વ્યકિતગત સ્તરે નોકર કે ડ્રાઇવર પૈસા લઇને જતો રહે અને છેતરી જાય તો પાંચ- પંદર હજારની ઉઠે છે પરંતુ બિઝનેસમાં લાખો રુપિયાનો ચૂનો લાગી જાય છે. મોટી અને ખમતીધર મનાતી કંપનીઓ છેતરાયતો તે ફટકો સહન કરી શકે છે પરંતુ કોઇ નવોદિત વેપારી કે વધારાની આવક રળવા ઇચ્છતો પગારદાર ભાગ્યેજ આર્થિક ફટકો સહન કરી શકે છે. તેની મર્યાદિત મૂડી ધોવાઇ જાય છે અને બિઝનેસ કરવો આસાન નથી એમ કહેતો થઇ જાય છે. હકિકત એ છે કે ચોક્કસ સમાજના લોકોજ બિઝનેસ કરી શકે એવી લોકવાયકાને સ્ટાર્ટઅપના બિઝનેસે ખોટી પાડી છે. બે પાંચ મિત્રો ભેગા થઇને એવું ઉદ્યોગ સાહસ કરે છે કે જે દેશભરમાં નામના મેળવી લે છે. અમુક સમાજ સાથે બિઝનેસ ના થાય એવી લોકવાયકાઓ પાયા વિનાની હોય છે. જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના વ્યવાય સાથે જોડાયેલા હોય છે તે બિઝનેસ ડીલીંગની ટર્મસ સાથે સંકળાયેલા હોય છે. ખરીદનાર તે વેચનારને ભાગ્યેજ મળી શકતો હોય છે. ગુરૂપુર્ણિમાએ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોએ પોતાના અનુભવોને પોતાનો ગુરૂ બનાવવો જોઇએ. આપણા મૂરધન્ય કવિ અખો ૩૦૦ વર્ષ પહેલા કહી ગયા છે કે તુંજ તારો ગુરૂ થા...
સ્ટાર્ટઅપની બોલબાલા
બિઝનેસ ક્ષેત્ર વિશાળ છે. સ્ટાર્ટ અપ ક્ષેત્રએ યુવાનોને બિઝનેસમાં ઝંપલાવતા શીખવ્યું છે. યુનિકોર્ન સ્ટાર્ટઅપની સંખ્યા વધતી જાય છે. નવા કોન્સેપ્ટને ફંડ પણ મળતું થયું છે. ટૂંકમાં બિઝનેસ હવે માત્ર સંપત્તિવાન લોકો માટેનું ક્ષેત્ર નથી રહ્યું. સાથે સાથે બિઝનેસ આસાન પણ નથી. બિઝનેસ ગુરૂઓ અને સલાહકારોને સાંભળવાની જરૂર છે. વારંવાર ઓનલાઇન સેમિનારો યોજાતા હોય છે. બિઝનેસ સાઇટો પણ ઢગલો માહિતી આપતી હોય છે જેનો ઉપયોગ પણ કરવો જોઇએ. બધું જ આપણને આવડે છે તે માન્યતામાંથી મુક્ત થઇને ક્ષેત્રમાં આગળ આવેલા તેમજ સફળ થયેલાઓને અનુસરવા જોઇએ અને તેમને ગુરૂ સમજવા જોઇએ.


