- AI કોર્નર
- યોગ્ય સુરક્ષાકવચની ગેરહાજરીમાં એઆઈ ટેકનોલોજી નુકસાનકારક સાબિત થવાનો મત
દેશની નાણાં સંસ્થાઓ ડિજિટાઈઝેશનમાં વધારો કરવાના માર્ગે છે અને આ મારફત મેન્યુઅલ અને કંટાળાજનક કામગીરીમાં ઘટાડો કરવા ધારે છે. છેલ્લા એક દાયકામાં દેશની ખાનગી બેન્કોએ કર્મચારી પાછળના ખર્ચમાં તેમની આવકના બે ટકા જેટલો ઘટાડો કર્યો છે. જ્યારે ટેકનોલોજી પાછળના ખર્ચમાં ૩થી ૪.૫૦ ટકા વધારો કરાયો છે. આ ટ્રેન્ડ માટે એઆઈ ટેકનોલોજી જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ઈવાય ઈન્ડિયા દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વમાં દેશમાં નાણાંકીય સેવા ક્ષેત્રમાં એઆઈને અગ્રતા અપાઈ રહી હોવાનું જણાવાયું હતું. મોટી નાણાં સંસ્થાઓમાં એઆઈનો ઉપયોગ કોલ સેન્ટરોના નિરીક્ષણ, કલેકશન તથા સરળ નિયમનકારી કામગીરી વગેરેમાં થતો હોવાનું જોવા મળી રહ્યું છે. નાણાં સંસ્થાઓમાં જે રીતે ટેકનિકલ માળખા તૈયાર કરવામાં આવી રહ્યા છે તેના પરથી કહી શકાય એમ છે કે એક-બે વર્ષમાં ગ્રાહકો સાથે સંદેશવ્યવહાર, ફરજપાલન જેવી કામગીરીમાં પણ એઆઈનો માટેપાયે સ્વીકાર જોવા મળવાની શકયતા જોવા મળશે.
નાણાં સંસ્થા હોય કે અન્ય કોઈપણ ક્ષેત્ર એઆઈનો સ્વીકાર સરળ નથી અને તેમાં અનેક પડકારો રહેલા હોવાનું એઆઈ ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો જણાવી રહ્યા છે. નાણાંકીય ક્ષેત્રની વાત કરીએ તો આ ક્ષેત્ર ફરજપાલન તથા ગ્રાહકોના વિશ્વાસ પર વધુ ચાલતુ હોય છે. યોગ્ય ટેલેન્ટનો અભાવ નાણાંકીય ક્ષેત્રમાં એઆઈના ઉપયોગ સામે મોટો પડકાર બની રહ્યો છે. નાણાંકીય ક્ષેત્રે એઆઈ ટેલેન્ટની માગ સામે ઉપલબ્ધતા પચાસ ટકા જેટલી જ જોવા મળી રહે છે.
ભારતમાં અંદાજે ૧૭૦૦ જેટલા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કાર્યરત છે, જેમાં હાલમાં ૨૧ લાખથી વધુ કર્મચારીઓ સંકળાયેલા છે. ૨૦૩૦ સુધીમાં આ સંખ્યા વધી ૩૦ લાખ પહોંચવા અપેક્ષા છે. દેશમાં એઆઈ ટેલેન્ટ ભરતીમાંથી ૩૦થી ૩૨ ટકા આ સેન્ટરોમાં થાય છે. એઆઈ ટેલેન્ટની અછત માત્ર આઈટી સેવા ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત નથી પરંતુ બેન્કિંગ, આરોગ્યસંભાળ, રિટેલ તથા ઉત્પાદન ક્ષેત્રમાં પણ એઆઈ ટેલેન્ટની આવશ્યકતા ઊભી થઈ રહી છે અને ડિજિટલ ભૂમિકા માટે આ ક્ષેત્રોમાં જોરદાર ભરતી થઈ રહ્યાનું એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું. માગમાં થઈ રહેલા વધારાને જોઈને નોન-ટેક વ્યવસાયીકો પોતાની કારકિર્દીને એઆઈ ટેકનોલોજી તરફ વાળી રહ્યા છે અને તેમાં માહિર થવા ખાસ તાલીમ મેળવી રહ્યાનું જોવા મળી રહ્યું છે. એઆઈમાં અપસ્કીલિંગ કરવાથી આવક વધવાની નોન-ટેક વ્યવસાયીકો અપેક્ષા રાખી રહ્યા છે. ભારતનું ડિજિટલ અર્થતંત્ર હાલમાં દેશના જીડીપીમાં ૧૫ ટકા હિસ્સો ધરાવે છે અને ૨૦૩૦ સુધીમાં ડિજિટલ ઈકોનોમીનું કદ ૧.૨૦ ટ્રિલિયન ડોલર પહોંચવા અંદાજ છે. જો કે આ કદ ટકી રહેવાનો આધાર યોગ્ય સ્કીલ સાથેની એઆઈ ટેલેન્ટની ઉપલબ્ધતા પર રહેલો છે.
બેન્કિંગ કામગીરીમાં એઆઈના ઉપયોગના અનેક ફાયદા રહેલા છે ત્યારે તેની સાથે કેટલાક જોખમો પણ જોડાયેલા છે. એઆઈના ઉપયોગમાં ખાસ કરીને પ્રોગ્રામિંગ, વહીવટ તથા સાઈબરસિક્યુરિટી સંદર્ભના પડકારો તોળાઈ રહ્યા છે. ઓટોમેટેડ ડિસિસન મેકિંગ પ્રક્રિયામાં પારદર્શીતાનો અભાવ રહે છે. નિષ્ણાતોની વાત માનીએ તો એઆઈના ડેવલપરો આ બાબતે કેટલીક મર્યાદાઓ ધરાવે છે. બેન્કિંગ ક્ષેત્રમાં ખાસ કરીને લોનના વહીવટમાં એઆઈના ઉપયોગ દરમિયાન કોઈપણ ભૂલના કિસ્સામાં જવાબદારીનો સ્વીકાર એક વિવાદ બની જાય છે. અપાતી તાલીમ પ્રમાણે સ્વતંત્ર રીતે કામ કરવાની એઆઈની પ્રકૃત્તિ જોતા કોઈપણ ક્ષતિના કિસ્સામાં નિયમનકારી માળખાના અભાવે જવાબદારી નિશ્ચિત કરવાનું જટિલ બની શકે છે.
નાણાંકીય ક્ષેત્રમાં રહેલા જોખમોને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા જોખમ સંચાલન બાબતે ભલામણ કરવા ખાસ સમિતિની રચના કરવામાં આવી હતી. નાણાંકીય ક્ષેત્રમાં એઆઈના જવાબદારીપૂર્ણ અને નીતિમતા સાથેના સ્વીકારને પ્રોત્સાહન આપવા આ સમિતિની રચના કરવામાં આવી હતી.
નાણાંકીય ક્ષેત્રે એઆઈના સ્વીકારમાં કેવા પ્રકારના મુદ્દાને ધ્યાનમાં રાખવાના રહે છે તેના પર સમિતિએ પ્રકાશ પાડયો છે. આ મુદ્દાઓમાં જવાબદારી, વિશ્વાસ, યોગ્યતા અને સમાનતા, સલામતિ, સ્થિતિસ્થાપકતા તથા સ્થિરતાનો સમાવેશ થાય છે. ગ્રાહકો સાથેના સંપર્કના નવા સ્વરૂપ, ક્રેડિટ એસેસમેન્ટ માટે વૈકલ્પિક અભિગમો, જોખમ નિરીક્ષણ તથા ફ્રોડને ઓળખી કાઢવા તથા દેખરેખના નવા સાધનો પૂરા પાડવાની એઆઈ ક્ષમતા ધરાવે છે, એમ સમિતિએ નિરીક્ષણ કર્યું છે. જોકે એઆઈના સ્વીકાર સાથે જોખમો પણ સંકળાયેલા છે. આ જોખમોમાં પૂર્વગ્રહ, સ્પષ્ટતા કરવાની ક્ષમતાનો અભાવ તથા ડેટા પ્રોટેકશન અને સાઈબર સિક્યુરિટી જેવા વર્તમાન પડકારોને વધારી શકે છે એમ સમિતિએ ચેતવણી સાથે નોંધ કરી છે.
એઆઈના ઉપયોગમાં નવીનતા અને જોખમ સંચાલનના બેવડા હેતુ સિદ્ધ કરવા માટે છ મુખ્ય પિલરો જેમ કે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર, પોલિસી, ક્ષમતા, વહીવટ, સલામતિ અને ખાતરી આવશ્યક છે. નાણાંકીય ક્ષેત્રે એઆઈના સલામત ઉપયોગ માટે નિયમનકારી ધોરણો પૂરા પાડી શકે તેવી એઆઈ પોલિસીની રચના કરવા પર સમિતિએ ભાર આપ્યો છે.
ભારત જેવા ઊભરતા દેશમાં એઆઈ ટેકનોલોજી વિકાસ સામે આડે આવતા પડકારોને પહોંચી વળવા નવા માર્ગો પૂરા પાડે છે અને એઆઈ દેશના લાખો લોકોને નાણાંકીય સેવા મેળવવાનો માર્ગ કરી આપવાની શક્તિ ધરાવે છે એમ પણ સમિતિ માની રહી છે. એઆઈનો ઉપયોગ જવાબદારીપૂર્ણ રીતે કરવામાં આવે તો તેના ભરપૂર લાભો હોવાનો પણ મત વ્યકત કરવામાં આવ્યો છે. જો કે સાથોસાથ એવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે કે, યોગ્ય સુરક્ષાકવચની ગેરહાજરીમાં એઆઈ હાલના જોખમોને વધુ વધારી શકે છે અને નવા સ્વરૂપના નુકસાન ઊભા કરી શકે છે જેને બેધ્યાન કરી શકાય એમ નથી.


