ખાંડમાં નવી મોસમમાં સપ્લાય સરપ્લસ રહેશેઃ વિશ્વ બજાર દાયકાની ટોચથી નીચી ઉતરી

- દેશમાં  ઓકટોબરથી  શરૂ થનારી ખાંડની નવી મોસમમાં  ઉત્પાદન  ૩૫૦ લાખ ટન થવાની બતાવાતી શક્યતા

દેશમાં ખાંડ બજાર  તથા ઉદ્યોગ  ક્ષેત્રે  સમીકરણો  તાજેતરમાં  ઝડપથી બદલાતા  જોવા મળ્યા છે.  આ પૂર્વે  કોરોના કાળ તથા  લોકડાઉનના પગલે પાછલા  બે વર્ષ વિવિધ તહેવારોની   ઉજવણી પાંખી  રહ્યા પછી   હવે આ વર્ષે  લોકો કોરોના  તથા  લોકડાઉનને ભૂલીને   વિવિધ તહેવારોની  બમણા ઉમંગથી   ઉજવણી કરતા  જોવા મળ્યા છે.   રક્ષાબંધન, જન્માષ્ટમી તથા  ગણેશ ઉત્સવમાં   તાજેતરમાં આવો   ઉત્સાહ લોકોમાં  જોવા મળ્યો  હતો અને   હવે નવરાત્રી,  દશેરા  તથા દિવાળીના તહેવારો પણ નજીક  આવી રહ્યા છે.  આવા માહોલમાં   દેશમાં  ખાંડ બજારમાં   મોસમી માગ  તથા પૂછપરછો  વધી  હોવાનું બજારના  સૂત્રોએ જણાવ્યું  હતું.  કોરોના કાળ   તથા લોકડાઉન વખતે  ખાંડ બજારમાં  બલ્ક  વપરાશકારોની માગને ફટકો  પડયો હતો ઉપરાંત  એ ગાળામાં  તહેવારોની  મોસમી  માગ પણ અપેક્ષાથી  ધીમી રહી હતી.   એ ગાળામાં  હોટલ્સ, રેસ્ટોરન્ટસ,  જાહેર સમારંભો  વિ. તરફથી   ખાંડ  બજારમાં  આવતી માગ  પાંખી રહી હતી. જો કે હવે  પરિસ્થિતિ  બદલાઈ ગઈ  છે. હવે ખાંડ બજારમાં  રિટેલ માગ ઉપરાંત બલ્ક વપરાશકારોની માગ પણ વધી  હોવાના નિર્દેશો મળ્યા છે.  જો કે હવે  નવરાત્રી, દશેરા, દિવાળી વિ. તહેવારોમાં   મીઠાઈનું  ચલણ  પ્રતિ વર્ષ ઘટતું જોવા   મળ્યું છે.   તથા તેના બદલે સુકોમેવો, ચોકલેટ વિ.નું  ચલણ વધ્યું  છે એ જોતાં   આગળ  ઉપર ખાંડ બજારમાં તહેવારોની માગમાં હવે કેટલી વધઘટ  થાય છે તેના  પર બજારના ખેલાડીઓની નજર રહી છે.

દરમિયાન, ખાંડની  નિકાસ ક્ષેત્રે  પણ પ્રવાહો  ઝડપથી  પલ્ટાતા જોવા  મળ્યા છે.  રશિયા-યુક્રેન યુદ્ધના પગલે   આ વર્ષે વૈશ્વિક  બજારોમાં  પ્રવાહો   ઝડપથી પલ્ટાતા   રહ્યા છે.   વિશ્વ બજારમાં  શોર્ટ સ્પલાયના  પગલે ભારતની  ખાંડ, ઘઉં તથા  ચોખાની  માગ  વિશ્વ બજારમાં   વધી જતાં  ઘરઆંગણે   અછત ના સર્જાય એ માટે  ભારત  સરકારે  આ ચીજોની નિકાસ ઘટાડવાના પ્રયત્નો   તાજેતરમાં  કરવા પડયા  છે!  દેશમાં ખાંડની નવી મોસમ  ટૂંકમાં શરૂ  થવાની છે ત્યારે  હવે  નવી મોસમમાં  સરકાર નવી નિકાસ નીતિ નક્કી કરે છે કે  નહિં તેના  પર પણ બજારના ખેલાડીઓની  નજર  આ લખાય છે ત્યારે  રહી છે. દરમિયાન,  વિશ્વ બજારમાં  ફૂડ એન્ડ  એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન એફએઓના સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે ૨૦૨૧-૨૨ની  ખાંડ  મોસમમાં  ખાંડનું  કુલ વૈશ્વિક  ઉત્પાદન   આશરે   ૧૭૪૫થી   ૧૭૫૦ લાખ ટન  આસપાસ થયું છ.ે  ૨૦૨૦-૨૧ની   પાછલી મોસમમાં    વૈશ્વિક  ઉત્પાદન   જેટલું થયું  હતું તેની  સરખામણીએ  ૨૦૨૧-૨૨માં વૈશ્વિક  ઉત્પાદન  આશરે ૫૦  થી ૫૫ લાખ ટન જેટલું  વધુ નોંધાયું છે.  વૈશ્વિક  સ્તરે ૨૦૨૧-૨૨માં ખાંડનું ઉત્પાદન   ભારત, થાઈલેન્ડ તથા  યુરોપમાં  વધ્યં છે   સામે બ્રાઝીલ તથા ચીનમાં   ઉત્પાદન  ઘટયું હોવાનું આ સૂત્રોએ જણાવ્યું  હતું.   ૨૦૨૧-૨૨માં   ખાંડનો વૈશ્વિક વેપાર  આશરે ૫૯૦ લાખ  ટન જેટલો  થયો છે.   આ ગાળામાં  વિશ્વ બજારમાં   ભારત તથા  થાઈલેન્ડથી  ખાંડની નિકાસ  વધી છે સામે બ્રાઝીલથી   આવી નિકાસ ઓછી  રહી છે.  વિશ્વ બજારમાં   વ્હાઈટ  સુગરના ભાવ   લંડન બજારમાં  તાજેતરમાં  વધી  ૧૦ વર્ષની  ટોચે પહોંચ્યા પછી  નીચા  ઉતરતાં  જોવા મળ્યા  છે.  આવી ખાંડના  ભાવ વધી  તાજેતરમાં  ઉંચામાં ટનના ૬૨૦થી  ૬૨૧ ડોલર  સુધી પહોંચતા  દસ વર્ષનો  રેકોર્ડ તૂટયો  હતો. ભારતથી  ખાંડની  નિકાસ તાજેતરમાં  વિશ્વ બજારમાં  ઘટી છે. બ્રાઝીલમાં  ખાંડનું  ઉત્પાદન   ઓગસ્ટમાં  ૫થી ૬ ટકા વધ્યું છે. ભારતમાં ખાંડની નવી  મોસમ ઓકટોબરથી  શરૂ થવાની છે. સરકાર નવી મોસમમાં  ખાંડની નિકાસ માટે કેવી  છૂટ આપે છે  તેના પર બજારની નજર  આ લખાય છે  ત્યારે રહી છે.  એક અંદાજ મુજબ ભારત સરકાર નવી મોસમમાં  આશરે ૭૦થી ૮૦  લાખ ટન ખાંડની  નિકાસ કરવાની  છૂટ આપે એવી શક્યતા  બજારમાં  ચર્ચાઈ રહી હતી.  જોકે આવી  નિકાસ છૂટ  એક સાથે આપવાને બદલે   સરકારે  બે તબક્કામાં   આવી નિકાસછૂટ   આપશે એવી શક્યતા   પણ બજારના  જાણકારો બતાવી  રહ્યા હતા. પ્રથમ  તબક્કે આવી નિકાસછૂટ ૪૦થી ૫૦ લાખ ટનની આપવામાં  આવશે એવી ગણતરી   ચર્ચાઈ રહી  હતી ત્યારે   આ લખાય  છે ત્યારે  બજારની નજર   દિલ્હી તરફ  રહી  હતી. જો કે  આવી નિકાસ છૂટ  આપવામાં  આવે એ  પૂર્વે જ  દેશના ખાંડના અમુક   નિકાસકારોએ  ખાંડની નિકાસ  માટેના  સોદા શરૂ કરી દીધાની ચર્ચા પણ  બજારમાં સંભળાઈ છે.  પ્રથમ તબક્કે  આવા  ૩થી ૪ લાખ ટનના નિકાસ સોદા  થઈ ગયાની  વાતો બજારમાં   સંભળાઈ છે.  ભારતમાં  નવી મોસમમાં  ખાંડનું  ઉત્પાદન વધી આશરે ૩૫૦ લાખ ટન જેટલું  થવાની શક્યતા છે સામે  ઘરઆંગણે   વપરાશ  ૨૭૫ લાખ  ટન રહેતાં   નિકાસ માટે  સરપ્લસ  ખાંડનો જથ્થો   દેશમાં  પુરતો   રહેવાનો અંદાજ   જાણકારો  બતાવી રહ્યા  છે. નવી મોસમનો આરંભ  પણ જૂના સિલ્લક  સ્ટોક સાથે થવાનો છે.

City News

Sports

RECENT NEWS