Get The App

ખેડૂતોને તેમના હસ્તકની જમીનના આધારે સબસીડાઈઝ્ડ ફર્ટીલાઈઝર્સ

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
ખેડૂતોને તેમના હસ્તકની જમીનના આધારે સબસીડાઈઝ્ડ ફર્ટીલાઈઝર્સ 1 - image

દેશમાં કૃષી ક્ષેત્રે ખેલાડીઓની નજર રવિ પાક પર રહી છે. કૃષી મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ દેશવ્યાપી ધોરણે જોતાં ખેડૂતોએ રવિ પાક માટે કુલ ટારગેટ સામે અત્યાર સુધીમાં આશરે ૭૪થી ૭૫ ટકા વાવેતર કરી દીધું છે. રવિ મોસમમાં અત્યાર સુધીમાં આશરે ૭૪થી ૭૫ ટકા વાવેતર કરી દીધું છે. 

રવિ મોસમમાં અત્યાર સુધીમાં આવા વાવેતરનો વિસ્તાર આશરે ૪૮૦ લાખ હેકટર્સ આસપાસ થયો છે. જે પાછલા વર્ષે આગાળામાં આશરે ૪૫૧થી ૪૫૨ લાખ હેકટર્સ  જેટલા વિસ્તારમાં નોંધાયો હતો. પાછલા વર્ષે રવિ મોસમમાં કુલ વાવેતરનો વિસ્તાર આશરે ૬૬૩ લાખ હેકટર્સ નોંધાયો હતો. 

દરમિયાન, કેન્દ્રના કૃષી પ્રધાને  તાજેતરમાં દેશના ખેડૂતોને પ્રેકટીકલ વૈજ્ઞાાનિકો તરીકે ઓળખાવ્યા હતા.તાજેતરમાં તેમણે બિહારની મુલાકાત લીધી હતી ત્યારે બિહારમાં લીચી ઉગાડતા ખેડૂતો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે લીચીની ગુણવત્તામાં ટકાઉપણું વધારવા ખેડૂતોએ નવી ટેકનીક શોધી કાઢી હતી. 

આવી ટેકનીકોનો દેશવ્યાપી  ધોરણે વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવામાં આવે તો આગળ ઉપર કૃષી ક્ષેત્રમાં સમીકરણો નોંધપાત્ર બદલાવી શકાય તેમ છે એવું કૃષી બજારોના જાણકારોએ જણાવ્યું હતું.  દેશમાં કૃષી ઉત્પાદનમાં વૃદ્ધી થઈ છે ત્યારે સામે કૃષી ઉત્પાદનના ખર્ચમાં પણ ખાસ્સી વૃદ્ધી થઈ છે. 

ખેડૂતો દ્વારા ફર્ટીલાઈઝર્સ તથા જંતુનાશક દવાઓનો વપરાશ વધતાં કૃષી ઉત્પાદનના ખર્ચમાં ખાસ્સી વૃદ્ધી  તાજેતરના વર્ષોમાં થઈ છે. હકીકતમાં કૃષી ઉત્પાદનનો ખર્ચ ઘટે તો ખેડૂતોને વધુ લાભ થઈ શકે તેમ છે, એવું જાણકારો  જણાવી રહ્યા હતા. નેચરલ તથા ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધે તથા કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સનો વપરાશ ઘટે એ માટે સરકાર પણ પ્રયત્નો કરી રહ્યાના વાવડ મળ્યા હતા. જો કે આ માટે પ્રેકટીકલ વિકલ્પોની ઉપલબ્ધી પણ જરૂરી રહી છે.

દરમિયાન, કેરળથી મળેલા  સમાચાર મુજબ ત્યાંના કૃષી સાહસિકો હાલ યુરીયા તથા પોટાશની અછતનો સામનો  કરી રહ્યા છે. આના પગલે ત્યાં કૃષી પેદાશ-યીલ્ડમાં પીછેહટ થવાની ભીતિ પણ બતાવાતી થઈ છે. 

કેરળમાં આશરે ૨૫થી ૨૬ લાખ હેકટર્સના વાવેતરના વિસ્તારમાં વિવિધકૃષી પાકોની ખેતી કરવામાં આવે છે. આના પગલે ત્યાં કેમિકલ ફર્ટીલાઈઝર્સની માગમાં પણ ખાસ્સી વૃદ્ધી થઈ છે. કેરળમાં આશરે ૩૦ હજાર હેકટર્સ જેટલા વિસ્તારમાં અનાનસ-પાઈનેપલની ખેતી થાય છે. 

આ માટે વાર્ષિક ધોરણે આશરે ૨૨૫૦૦ ટન  યુરીયા તથા આશરે ૧૫ હજાર ટન પોટાશની જરૂર પડે છે. હાલ આની અછત સર્જાતાં આનો પુરવઠો વધારવાની માગ કેરળના પાઈનપેલ ફાર્મર્સ એસોસીએશન દ્વારા કેન્દ્રના કૃષી મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવી હોવાના સમાચાર તાજેતરમાં મળ્યા હતા.  

કેરળમાં યુરીયાની અછતથી  કૃષી ક્ષેત્રને નુકશાન થઈ રહ્યું હોવાનું કેરળના કૃષી પ્રધાને પણ તાજેતરમાં કબૂલ્યું હતું. યુરીયાની અછતના કારણે ખેડૂતોએ મોંઘા ભાવના કમ્પોઝીટ ખાતરોનો વપરાશ કરવો પડે છે એવું કૃષી તજજ્ઞોએ જણાવ્યું હતું.દરમિયાન, પંજાબ કૃષી વિદ્યાપીઠના એક  રિસર્ચમાં જણાવ્યા મુજબ નાનો-યુરીયાના વપરાશથી અનાજના પાકોમાં યીલ્ડ-પેદાશ પર નેગેટીવ ઈમ્પેકટ થાય છે. આની ચકાસણી સરકારે પણ શરૂ કરી છે. 

દરમિયાન, દેશમાં કૃષી ક્ષેત્રમાં સબસીડાઈઝડ ખાતરો માટે ખેડૂતો પાસે કેટલી જમીન છે તેના આધાર પર આવા ખાતરોનો પુરવઠો આપવાની નવી નીતિ અપનાવવા સરકાર તખ્તો ગોઠવી રહી હોવાનું તાજેતરમાં જાણવા મળ્યું છે.