સ્ટીલ-લોખંડના ભાવ બમણા થતા સ્ટીલનો વપરાશ કરતા ઉદ્યોગોને પડેલો ફટકો
- આવા ઉદ્યોગોને રાહત આપવા ગોઠવાતો તખ્તોઃ ચીનમાં બંદરોએ આયર્ન ઓરનો સ્ટોક વધી સાડા ત્રણ વર્ષની ટોચે પહોંચ્યો
સ્ટીલ-લોખંડ પોલાદની બજારમાં તાજેતરમાં સમીકરણો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા છે. આ પૂર્વે કોરોનાનો ઉપદ્રવ તથા લોકડાઉન જેવી સ્થિતિ વચ્ચે બાંધકામ ઉદ્યોગ, વાહન ઉદ્યોગ, વ્હાઈટ ગુડઝ ઉદ્યોગ વિ. ક્ષેત્રે ચહલ પહલ ધીમી પડતાં આ ક્ષેત્રે તરફથી સ્ટીલ બજારમાં આવતી માગને અસર પડી હતી. જોકે હવે કોરોનાનો ઉપદ્રવ ઓસરતાં તથા લોકડાઉનના બદલે હવે વિવિધ શહેરો તથા દેશોમાં રિઓપનિંગની પ્રક્રિયા શરૂ થતા સ્ટીલનો વપરાશ કરતા વિવિધ ઉદ્યોગોમાં ચહલ પહલ વધી છે તથા તેના પગલે સ્ટીલ બજારમાં પણ માગ તથા પૂછપરછો વધ્યાના નિર્દેશો મળ્યા છે. જોકે તાજેતરમાં સ્ટીલ-લોખંડના ભાવ પણ ઉંચા ગયા છે અને તેના પગલે સ્ટીલનો વપરાશ કરતા વિવિધ ઉદ્યોગોને પણ આની અસર પડી છે. આ પ્રશ્ને તાજેતરમાં સરકાર સમક્ષ પણ રજૂઆત થઈ હોવાના વાવડ મળ્યા છે. દરમિયાન, તાજેતરમાં બહાર આવેલા નિર્દેશો મુજબ સ્ટીલનો વપરાશ કરતા તથા વાર્ષિક રૂ.૧૦૦ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા નાના તથા મધ્યમ કદના ઔદ્યોગિક એકમો માટે તેમ જ નિકાસકારો માટે સ્ટીલના ઉત્પાદકો સ્ટીલની ખરીદીમાં ભાવમાં વોલ્યુમ ડિસ્કાઉન્ટ આપવાની તૈયારી બતાવતા થયા છે. સ્ટીલનો વપરાશ કરતા આવા માઈક્રો, સ્મોલ તથા મિડીયમ ઔદ્યોગિક એકમોને સ્ટીલના ઉત્પાદકો ટનદીઠ આશરે રૂ.૩૦૦૦ સુધીનું વોલ્યુમ ડિસ્કાઉન્ટ આપવા અંદર ખાને રાજી થયાની ચર્ચા સ્ટીલ બજારમાં સંભળાઈ રહી છે. આ ઉપરાંત નિકાસકારોને પણ આવા ડિસ્કાઉન્ટ આપવા વિચારણા થઈ રહી છે. એવું સ્ટીલ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું.
સ્ટીલ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ એક વર્ષમાં સ્ટીલના ભાવ આશરે બમણા થઈ ગયા છે. આના પગલે સ્ટીલનો વપરાશ કરતા ઉદ્યોગોને તેમ જ નિકાસકારોને ફટકો પડો છે. જોકે સ્ટીલ ઉત્પાદકોના જણાવ્યા મુજબ કોલસાના ભાવ વધતાં તેના પગલે સ્ટીલના ભાવ ઉંચા ગયા છે. હોટરોલ્ડ સ્ટીલના ભાવ વધી ટનના સરેરાશ રૂ.૬૭થી ૭૦ હજાર આસપાસ તાજેતરમાં બોલાતા થયાના નિર્દેશો મળ્યા હતા. દરમિયાન, સ્ટીલના ઉત્પાદનમાં પ્રમુખ કાચા માલ તરીકે વપરાતા આયર્ન ઓરના ભાવમાં વિશ્વબજારમાં તાજેતરમાં ઉંચા મથાળે બેતરફી વધઘટ જોવા મળી છે. ચીનમાં આયર્ન ઓરનો સપ્લાય વધતાં તાજેતરમાં આયર્ન ઓરના ભાવ ગબડયા હતા પરંતુ ત્યારબાદ ભાવ ફરી ઉછળ્યાના નિર્દેશો મળ્યા હતા. ચીનના બંદરોએ આયાતી આયર્ન ઓરનો સ્ટોક તાજેતરમાં વધીને ૧૫૫૪થી ૧૫૫૫ લાખ ટનની સપાટીએ પહોંચતા આવો સ્ટોક જુલાઈ ૨૦૧૮ પછીની નવી ઉંચી સપાટીએ પહોંચ્યાના સમાચાર હતા. ૨૦૨૨ના અંત સુધીમાં આયર્ન ઓરના ભાવ ટનના ૭૪થી૭૫ ડોલર થઈ જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. તાજેતરમાં ભાવ ૧૦૯થી ૧૧૦ ડોલર જોવા મળ્યા હતા. જોકે ચીનની સરકાર ઉદ્યોગો માટે વધુ સ્ટીમ્યુલસ આપવા વિચારીરહી છે એવા નિર્દેશોએ આયર્ન ઓરના ભાવ ઘટયા પછી ફરી ઉંચકાયાના સમાચાર દરિયાપારથી મળ્યા હતા.
દરમિયાન, જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં સ્ટીલના ભાવ બેતરફી વધઘટ વચ્ચે અથડાયા કરશે એવી ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા છે. સ્ટીલ માટેની સ્ટ્રોન્ગ ડિમાન્ડ જળવાઈ રહેવાની શક્યતા સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સૂત્રો બતાવી રહ્યા હતા. લોંગ સ્ટીલ રીબારના ભાવ ટનદીઠ એકસ મુંબઈ જે ગયા મહિને રૂ.૬૧૮૦૦થી ૬૧૯૦૦ રહ્યા હતા તે તાજેતરમાં રૂ.૫૭૪૦૦થી ૫૭૫૦૦ આસપાસ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. હોટરોલ્ડ કોઈલ એચઆરસીના ભાવ પણ તાજેતરમાં ઉંચા મથાળેથી આશરે ૬થી ૭ ટકા નીચા ઉતર્યા છે. આગામી સમયમાં પ્રદૂષણ ઘટાડવા તથા રિન્યુએબલ એનર્જીનો વપરાશ વધારવા તરફ સરકાર લક્ષ આપી રહી છે તે જોતાં આગળ ઉપર સ્ટીલની માગ ઉંચી રહેવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. તાજેતરમાં ચીન તરફ સ્ટીલની નિકાસ કરતા નેટ એસ્કપોર્ટર દેશ તરીકે ભારત ઉભરી આવ્યું હોવાના પણ નિર્દેશો મલ્યા છે. વર્તમાન નાણાંવર્ષમાં સ્ટીલની નિકાસ આ સંદર્ભમાં આશરે રૂ.૧૯ હજાર ૨૦૦થી ૩૦૦ કરોડની આસપાસ નોંધાઈ છે. ભારતથી ચીન ઉપરાંત અમેરિકા તરફ પણ સ્ટીલની નિકાસ વધી છે.
જોકે દેશમાંથી ચીન તરફ સ્ટીલની નિકાસ વધી છે સામે આપણે ચીન ખાતેથી સ્ટીલની આયાત પણ કરતા રહ્યા છીએ એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દેશમાંથી ૨૦૨૦-૨૧ના વર્ષમાં સ્ટીલની જેટલી નિકાસ થઈ હતી તેના ૭૦ ટકા જેટલી નિકાસ વર્તમાન ૨૦૨૧-૨૨ના વર્ષમાં અત્યાર સુધીના ગાળામાં થઈ ગઈ છે. ચીન તરફ નિકાસ જળવાઈ રહેવાની આશા બતાવાઈ રહી છે. ભારતમાં સ્ટીલ ઉત્પાદનની કુલ ક્ષમતા વાર્ષિક આશરે ૧૪૦૦ લાખ ટનની ઊભી થઈ છે, તથા આપણો દેશ સ્ટીલ ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમાંકે આવ્યો છે.