Updated: Mar 12th, 2023
- કોમોડિટી કરંટ - જયવદન ગાંધી
ગયા અઠવાડિયામાં થયેલા માવઠાના લીધે કૃષિ પેદાશોના ઉત્પાદન બાબતે અનેક તર્ક-વિતર્ક સાથે સમગ્ર મામલો ચર્ચાસ્પદ રહ્યો હતો. રવિ પાકોની આવકોનો દોર કૃષિ બજારોમાં શરૂ થતા સીઝન પકડાઈ રહી છે. જો કે સરકારે રવી પાક બગાડના સર્વે અંગેની કામગીરી શરૂ કરી છે પરંતુ કૃષિ ક્ષેત્રે કાર્યરત વિવિધ એજન્સીઓને રવિ પાકની ઉત્પાદકતા અંગે તેઓના પર્સનલ સર્વેના આંકડાઓ બહાર આવી રહ્યા છે જેના ઉપરથી બજારમાં તેજી મંદીના વિવિધ અનુમાનો ચાલી રહ્યા છે. ખાસ કરીને જીરા ઉત્પાદનના વિવિધ અંદાજો ખૂબ ચર્ચાસ્પદ બન્યા છે. ગવાર બાદ જીરૂના અંદાજીત ઉત્પાદન બાબતે કૃષિ બજારો તથા ખેડૂત વર્ગમાં પણ આશંકાઓ પ્રવર્તી રહી છે. ચાલુ વર્ષે જીરાનું ૫૫ લાખ બોરીથી માંડીને ૮૦ લાખ બોરી સુધીના ઉત્પાદનના વિવિધ અંદાજો ખૂબ ચર્ચાસ્પદ બન્યા છે. ગવાર બાદ જીરૂના અંદાજીત ઉત્પાદન બાબતે કૃષિ બજારો તથા ખેડૂત વર્ગમાં પણ આશંકાઓ પ્રવર્તી રહી છે. ચાલુ વર્ષે જીરાનું ૫૫ લાખ બોરીથી માંડીને ૮૦ લાખ બોરી સુધીના ઉત્પાદન વિવિધ અંદાજો બહાર આવતા વેપારી તથા ખેડૂત વર્ગની મુંઝવણનો પાર રહ્યો નથી. ચાલુ વર્ષે ઓલ ઇન્ડિયા સ્પાઇસીસ એક્સપોર્ટસ ફોરમ(AISEF) તરફથી જીરાનું ૭૭ લાખ બોરી ઉત્પાદનનું અનુમાન જાહેર કરેલ છે જ્યારે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ સ્ટોક હોલ્ડર્સ (ફીસ) તરફથી તાજેતરમાં ગુજરાતમાં ૨૫ તથા રાજસ્થાનમાં ૪૫ લાખ બોરીના ઉત્પાદનનો સર્વે જાહેર કર્યો છે. જ્યારે RAS તરફથી ૮૦ લાખ બોરી જીરાના ઉત્પાદનના અંદાજો મુક્યા છે. જો કે, સરેરાશ ૫૫થી ૫૬ લાખ બોરીની આસપાસનું ઉત્પાદન થવાની ગણત્રીઓ વેપારી વર્ગમાં સર્વસામાન્ય બની છે. સમગ્ર વિશ્વમાં હાલમાં ભારત એકમાત્ર જીરાનું સપ્લાયર હોવાથી વર્ષે દહાડે ૮૦ લાખ બોરીની ખપત મુકવામાં આવે તો પણ જીરામાં તેજીનો માહોલ સરેરાશ રહે તેવી વકી છે. હાલમાં રમજાનની લોકલ ઘરાકીની સાથે સાથે ચીન તથા બાંગ્લાદેશની પણ ડિમાન્ડ યથાવત્ છે. જીરા વાયદો પણ છેલ્લા એક માસથી પ્રતિ કિલોએ ૨૯૫થી ૩૨૦ રૂપિયાની રેન્જમાં ચાલી રહ્યો છે. જાન્યુઆરીમાં જીરા વાયદો પ્રતિ કિલોએ ૩૬૮ રૂપિયાની આસપાસ ઓલટાઇમ હાઇ રહ્યો હતો. જીરાના ઉત્પાદનના વિવિધ અંદાજોથી ખેડૂત વર્ગની ઉંચા ભાવો મળવાની અપેક્ષા વધી ગઈ છે જેના લીધે આ વર્ષે જીરાની બાજી ખેડૂતોના હાથમાં રહેશે તેવો માહોલ ઉભો થયો છે. જીરામાં ગત વર્ષ કરતા આ વર્ષે વાવેતર કપાયું અને અને ઉત્પાદન થાય તે દરમ્યાનના ગાળામાં માવઠા તથા ગરમીની અસરો થવા છતાં ઉત્પાદનમાં મોટા અંદાજો કેમ મુકવામાં આવ્યા તે બાબતો પ્રશ્નાર્થ સાથે ચર્ચાસ્પદ બની છે.
આ જ પ્રમાણે વરીયાળીમાં પણ આ વર્ષે ૨૧થી ૨૨ લાખ બોરીના ઉત્પાદનના અંદાજો મુકાયા છે. છેલ્લા બે વર્ષથી વરીયાળીમાં કેરી ફોરવર્ડ સ્ટોક લગભગ નહિવત છે. ગત વર્ષે વરીયાળીના પંદરેક લાખ બોરીના ઉત્પાદન સામે આ વર્ષે છથી સાત લાખ બોરી વધુ ઉત્પાદનની ગણત્રી છતાં ડિમાન્ડ વધુ હોવાને ભાવો દોઢા ચાલી રહ્યા છે. હાલમાં પણ વરીયાળીના સીંગપોર ક્વોલીટીના માલોની અછત હોવાથી પચાસ ટકા બજાર ઉંચી ચાલી રહી છે. મેથીમાં પણ ગઈસાલ ૨૬ લાખ બોરીના ઉત્પાદન સામે આ વર્ષે ૧૭થી ૧૮ લાખ બોરી સીમીત રહેવાનો અંદાજ છે. ગત વર્ષે વધુ ઉત્પાદનને કારણે મેથીમાં મંદી રહેતા વાવેતર પણ કપાયું હતું. મંદીના કારણે મેથીના ભાવો ગત વર્ષે તૂટીને પ્રતિ કિલોએ ૪૫થી ૫૦ રૂપિયા થયા હતા જે હાલમાં ૬૫થી ૭૦ રૂપિયાની આસપાસ છે. જો ડિમાન્ડ વધશે તો ૮૦ રૂપિયા સુધી બજાર ઉંચી જઈ શકે તેવી શક્યતા છે. ધાણામાં આ વર્ષે ૧.૬૨ કરોડ બોરી ઉપરાંતના ઉત્પાદનના અંદાજ બહાર આવતા બજારો મંદી તરફી આગળ વધી રહ્યા છે