- યુદ્ધ શરૂ થતાં અગાઉ ભારતે ઈરાન તરફ :રૂ.6000 કરોડનાં બાસમતી ચોખાની નિકાસ કરી
દેશમાં અનાજ બજારોમાં વિશેષરૂપે ચોખાની બજારોમાં તાજેતરમાં સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. ઈરાન યુદ્ધના પગલે ચોખાની નિકાસ પર અસર પડી છે. ભારતના બાસમતી ચોખાની નિકાસ આ પૂર્વે ઈરાન તરફ વિશેષ થતી હતી પરંતુ હવે યુદ્ધના માહોલમાં આવી નિકાસને ફટકો પડયો છે. ભારતમાં બાસમતી ચોખાનું ઉત્પાદન મુખ્યત્વે પંજાબ તથા હરિયાણા તરફ થાય છે. ભારતના બાસમતી ચોખા ખાસ કરીને ઈરાન ઉપરાંત ગલ્ફના દેશો તથા સાઉદી અરેબિયામાં નોંધપાત્ર પ્રમાણમાં ખવાય છે. રમઝાન મહિનો શરૂ થાય એ અગાઉ ભારતના બાસમતી ચોખાની આ દેશોમાં ખાસ્સા પ્રમાણમાં નિકાસ થતી હોય છે. જો કે આ વર્ષે યુદ્ધના માહોલમાં આવી નિકાસ રુંધાતી જોવા મળી છે. પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન વચ્ચે પણ તાજેતરમાં ધર્ષણ વધતાં ભારતના ચોખાની અફઘાનિસ્તાન તરફ થતી નિકાસને પણ ફટકો પડયો છે.ભારતથી બાસમતી ચોખાની જે કુલ નિકાસ થાય છે એ પૈકી આશરે ૫૦ ટકા નિકાસ સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, યમન તથા ગલ્ફ આરબ દેશો તરફ થાય છે. તાજેતરમાં યુદ્ધના પગલે આ દેશો તરફ જતી રવાનગી રુંધાઈ છે. જહાજી માર્ગો પર ભાડા પણ વધી ગયા છે તથા ઈન્સ્યોરન્સના ખર્ચાઓ પણ વધ્યા છે. કોસ્ટ, ઈન્સ્યોરન્સ એન્ડ ફ્રેઈટ (સીઆઈએફ)ના ધોરણે નિકાસ સોદા કરવાના બદલે ફ્રી-ઓન-બોર્ડ (એફઓબી)ના ધોરણે નિકાસના સોદા કરવા તરફ ઝુકાવ વધ્યો છે. ઈન્ડિયન રાઈસ એક્સપોર્ટર્સ ફેડરેશને પણ આ માટે જાગૃતિ વિકસાવવામાં વિશેષ પ્રયત્નો શરૂ કર્યા છે.
વિશ્વ વેપારમાં ઈન્સ્યોરન્સ પ્રીમિયમો ઉંચા ગયા છે. દરમિયાન, અપેડાના સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વમાં બાસમતી ચોખાનું જે કુલ ઉત્પાદન થાય છે એ પૈકી આશરે ૭૦ ટકા ઉત્પાદન ભારતમાં થાય છે. ૨૦૨૪-૨૫ના વર્ષમાં ભારત ખાતેથી બાસમતીની નિકાસ આશરે ૬૦ લાખ ટન થઈ હતી તથા આવી નિકાસનું મુલ્ય આશરે રૂ.૫૦ હજાર કરોડ નોંધાયું હતું. જો કે ભારતના બાસમતીની નિકાસ ઘટશે તો ઘરઆંગણાના બજારોમાં બાસમતી ચોખાની સપ્લાય વધુ આવવાની ગણતરી પણ અનાજ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, યુદ્ધ પૂર્વે ભારતથી નિકાસ માટે રવાના થયેલા ઘણા જહાજો યુદ્ધના પગલે અધવચ્ચે અટવાઈ ગયાના વાવડ પણ મળ્યા છે. દરમિયાન, સરકાર હસ્તકના એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટસ એક્સપોર્ટ ડેવલપમેન્ટ એજન્સી અપેડાના જણાવ્યા મુજબ યુદ્ધગ્રસ્ત પશ્ચિમ એશિયાના દેશોમાં ભારતના બાસમતી ચોખાની નિકાસ ૨૦૨૫માં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન આશરે રૂ.૨૭૨૦૦ કરોડની થઈ હતી તથા આ ગાળામાં ભારતથી ઈરાન તરફ બાસમતી ચોખાની નિકાસ આશરે ૬૦૦૦ કરોડ રૂપિયાની થઈ હતી.
દરમિયાન, ઈરાન યુદ્ધના પગલે વિશ્વ બજારમાં તાજેતરમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં તથા સપ્લાય પણ રુંધાતા ભારતમાં ઈથેનોલનું ઉત્પાદન તથા સપ્લાય વધારવા પ્રયત્નો શરૂ થયા છે. ઈથેનોલનું ઉત્પાદન વિશેષરૂડપે ખાંડ ઉદ્યોગમાં વિશેષ થાય છે તથા ચોખામાંથી પણ ઈથેનોલ મળે છે. સરકારના ગોદામોમાં પડેલા આશરે ૯૦ લાખ ટન બ્રોકન ચોખા ઈથેનોલના ઉત્પાદન તરફ વાળવા સરકારે વિચારણા શરૂ કર્યાના વાવડ તાજેતરમાં મળ્યા હતા.જાહેર વિતરણમાં રેશનિંગમાં આવા ચોખા આપવાના બદલે ઈથેનોલના ઉત્પાદનમાં આવા ચોખાનો ઉપયોગ કરવા વિચારણા શરૂ થઈ છે. ભારતમાં પેટ્રોલમાં ઈથેનોલના બ્લેન્ડીંગની ટકાવારી વધી ૨૦ ટકાના સ્તરે પહોંચી છે. ઈથેનોલનું ઉત્પાદન તથા બ્લેન્ડીંગ વધશે તો દેશમાં ક્રૂડતેલની ઈમ્પોર્ટ ઘટાડી શકાશે એવું જાણકારો જણાવી રહ્યા હતા.દરમિયાન ભારતથી ચીન તરફ નિકાસ માટે મોકલવામાં આવેલા ચોખાનો વિવિધ જથ્થો તાજેતરમાં ચીન ગુણવત્તાનું કારણ બતાવી રિજેકટ કર્યાના વાવડ પણ મળ્યા હતા.


