તહેવારો પહેલા ગિગ વર્કર્સની ભરતીમાં વધારો થશે
ટૂંક સમયમાં તહેવારોની મોસમ શરૂ થવાની સાથે, થર્ડ-પાર્ટી લોજિસ્ટિક્સ પ્લેયર્સ તરફથી વધતી માંગને કારણે નાણાકીય વર્ષ ૨૬માં પાર્ટ-ટાઇમ ભરતીમાં વધારો થવાની ધારણા છે. ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૫ માં પાર્ટ-ટાઇમ કર્મચારીઓની સંખ્યા લગભગ ૧ કરોડ હતી તે વધીને આ વર્ષે ૧.૧૯ કરોડ થવાનો અંદાજ છે, જે ૧૯ ટકાનો વધારો દર્શાવે છે. ક્વિક કોમર્સ સેક્ટરમાં જ પાર્ટ-ટાઇમ ભરતીમાં ૬૦ ટકાનો વધારો થવાની ધારણા છે, જેમાં ૧૫-૨૦ લાખ નવા રોજગાર ઉમેરવામાં આવશે. ઈ-કોમર્સ સાથે જોડાયેલ લોજિસ્ટિક્સ-સંબંધિત ભૂમિકાઓ પણ સતત વિસ્તરણ થવાની ધારણા છે, જે હાલમાં તમામ પાર્ટ-ટાઇમ નોકરીઓમાં ૩૫થી ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. લોજિસ્ટિક્સ અને ડિલિવરી જેવા પરંપરાગત પાર્ટ-ટાઇમ ક્ષેત્રોમાં ભરતીમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ ૨૧માં કુલ પાર્ટ-ટાઇમ વર્કફોર્સમાં લોજિસ્ટિક્સ અને ડિલિવરીનો હિસ્સો ૩૫ ટકા હતો અને નાણાકીય વર્ષ ૨૬ માં કુલ વર્કફોર્સમાં તેનો હિસ્સો ૪૧.૪ ટકા રહેવાની ધારણા છે. મહાનગરો સિવાયના શહેરોમાં ૧૦-મિનિટની કરિયાણાની ડિલિવરી સેવાઓના વિસ્તરણ સાથે, દૂરના વિસ્તારોમાં માલ પહોંચાડનારા રાઇડર્સ અને બાઇકર્સની સંખ્યામાં લગભગ ૨૫ ટકાનો વધારો થશે.
ગ્રીન સ્ટીલ તરફ આગળ વધવામાં દાયકાઓ લાગશે
ભારતનો સ્ટીલ ઉદ્યોગ ગ્રીન સ્ટીલ તરફ આગળ વધવા માટે તૈયારી કરી રહ્યો છે. પરંતુ ઉદ્યોગના દિગ્ગજો અને નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સંપૂર્ણ પરિવર્તન લાવવામાં દાયકાઓ લાગશે. તેમણે સહાયક સરકારી નીતિઓ અને ઉત્સર્જન ઘટાડવા માટે પગલાં લેવાની અપીલ કરી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગ્રીન સ્ટીલ તરફ પરિવર્તન આવી રહ્યું છે અને ઉત્પાદનમાં ઓછા ઉત્સર્જન પ્રક્રિયાઓ અપનાવવી એ યોગ્ય શરૂઆત છે. સહાયક સરકારી નીતિઓને કારણે અન્ય દેશોમાં સફળ પરિવર્તન મોટાભાગે શક્ય બન્યું હતું. ગ્રીન હાઇડ્રોજન મિશન જેવી નીતિઓ પર ભાર મૂકતા, નિષ્ણાતોએ કહ્યું હતું કે આ નિઃશંકપણે આ દિશામાં ઉદ્યોગના પગલાને સમર્થન આપે છે. વિશ્લેષકો પણ માને છે કે ગ્રીન સ્ટીલ તરફ પરિવર્તન માટે તબક્કાવાર પ્રક્રિયા અપનાવવી મહત્વપૂર્ણ છે. સંપૂર્ણ પરિવર્તનમાં દાયકાઓ લાગશે, પરંતુ ભારતીય સ્ટીલ ઉત્પાદકોએ વ્યવહારુ પગલાં લેવા પડશે.