અત્યારથી બજેટની તૈયારી...
આગામી બજેટની તૈયારીમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન લાગી ગયા છે. નાણાપ્રધાન હાલમાં ટેન્શન ફુગાવો, બેરોજગારી, નવી જોબ ઉભી કરવી , આંઠ ટકાથી વધુ ગ્રોથ પ્લાન તૈયાર કરવો, ગ્રોથ બુસ્ટ વગેરે મુદ્દા વચ્ચે અટવાયેલા છે. ભારત ગ્રોથના માર્ગે ચાલી રહ્યું છે તે પણ બતાવવાનું છે. મોદી ૨.૦નું આ પાંચમું બજેટ હશે. ૨૦૨૪ના એપ્રિલ- મે માં આવનારી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનામાં રાખીને બજેટ અપાશે. એટલેકે મોદીની બીજી ટર્મનું આ છેલ્લું બજેટ હશે. વાચકને લાગશે કે અત્યારથી બજેટની તૈયારી? પરંતુ નાણાપ્રધાન માટે આ બજેટ બહુ મહત્વનું બની રહેશે. સરકાર દેશના ભાવિ માટે કેવી ફાળવણી કરે છે તે પર દરેકની નજર છે.
રશ્મિકા મંદાના મેકડોનાલ્ડની બ્રાન્ડ એમ્બેસેડોર
જાહેર ખબરો પર ચાલતી અનેક બ્રાન્ડ પોતાના આગામી વર્ષના જાહેરખબરોના ઝીંગલ્સ અને મોડલો સેટ કરવામાં વ્યસ્ત છે. સમસ્યા એ છે કે બોલિવૂડના વિરોધના પગલે તેમજ તેમની ફિલ્મો સતત ફ્લોપ જવાના કારણે બોલિવૂડના ચહેરાની પસંદગી ઓછી થઇ રહી છે. લોકોમાં બોલિવૂડી ચહેરાઓનો ક્રેઝ ધટયો હોઇ સાઉથની ફિલ્મોના ચહેરા પર પસંદગી ઉતારાઇ રહી છે.
ભારતમાં તેલુગુ એક્ટર અલ્લુ અર્જુન સૌથી વધુ ચાર્જ લેતો એક્ટર છે. અનેક બ્રાન્ડ તેનો ચહેરો એડમાં સમાવવા તલપાપડ હોય છે. કહે છે કે કેએફસીના નવા કેમ્પેઇનમાં અલ્લુ અર્જુન જોવા મળશે. એવીજ રીતે મેકડોનાલ્ડમાં ગીત ગોવિંદમ ફેઇમ અને પુષ્પા ફેઇમ રશ્મિકા મંદાના બ્રાન્ડ એમ્બેેસેડોર તરીકે જોવા મળશે. રામ ચરન પાર્લેમાં અને ફ્રૂટી તેમજ ફિઝમાં જુનિયર એનટીઆર જોવા મળશે. ફિલ્મી ચહેરાના જોરે અનેક બ્રાન્ડ ચાલતી હોય છે. બોલિવૂડના ચહેરાની બાદબાકીએ લોકોને હવે જાહેરાતોમાં સાઉથની ફિલ્મોના ચહેરા વધુ જોવા મળશે. બોલિવૂડી ચહેરામાં અમિતાભ બચ્ચનની સૌથી વધુ ડિમાન્ડ છે તો સલમાન ખાન, શાહરૂખાનના બદલે અલ્લુ અર્જનને લેવામાં આવે છે. બોયકોટ બોલાવૂડ ઝુંબેશની પણ અસર થઇ હોવાનું મનાય છે. બૂોલિવૂડની ફિલ્મો જ્યારે ઉપારાછાપરી ફ્લોપ જતી હતી ત્યારે સાઉથની ફિલ્મો સુપરહીટ જતી હતી.
AI ક્ષેત્રે ભારતની પહેલ
NASSCOMના અહેવાલ અનુસાર ભારતમાં આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સની વધતી ક્ષમતાના કારણે ભારતના AI ક્ષેત્રે ૩૦.૮ ટકા જેટલું રોકાણ વધશે. એટલેકે ૨૦૨૩ સુધીમાં તે અંદાજે ૮૮૧ મિલીયન ડોલર પર પહોંચશે. AI ક્ષેત્રે વૈશ્વિક રોકાણ બમણું થયું છે જોકે ભારતમાં તે ૧.૫ ટકા જેટલુંજ આવે છે. AI ક્ષેત્રે ભારતે પાયામાંથી શરૂઆત કરેલી હોઇ વૈશ્વિક રોકાણકારોની નજરમાં નહોતું આવતું. એક અંદાજ પ્રમાણે ૨૦૨૩માં AI ક્ષેત્રે ભારતમાં કુલ રોકાણના અઢી ટકા જેટલું રોકાણ આવી શકે છે. ભારતની અનેક પ્રોડક્ટમાં ખાસ કરીને આઇટી ક્ષેત્રે AIનો મોટા પાયે ઉપયોગ થઇ રહ્યો છે.
મર્સિડીસમાં ફરનારાઓએ ટ્રેેકટરમાં ફરવું પડયું
બેંગલુરૂમાં વરસાદના ભરાયેલા પાણીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ખાંટુઓની ઉંધ હરામ કરી નાખી હતી. જે લોકો બીએમડબલ્યુ અને મર્સીડીસમાં ફરતા હતા તેમને ટ્રેક્ટરમાં ફરવાનો વારો આવ્યો હતો. તેમનો ડ્રાઇવર તેમના માટે પાછલી સીટનો દરવાજો ખોલી આપતો અને તે બેસતા સાથેજ લેપટોપ ચાલુ કરી દેતા હતા. પરંતુ મેધરાજાએ બતાવી દીધું છે કે ખરો રાજા તો કુદરત છે. સતત ચાર દિવસ સુધી બેંલગુરૂના પૈસાદાર લોકો ખાસ કરીને આઇટી ઉદ્યોગ સાથે જોડાયેલાઓ લાચાર બનીને ફરતા હતા. પંદર દિવસ અગાઉ ઇન્ફોસિસે સાડા ત્રણ કરોડના માસિક ભાડાથી જે ઓફિસ લીધી હતી તે પાણીમાં ડૂબેલી રહી હતી. ભારતની સિલિકોન વેલીમાં ભરાયેલા પાણીએ હાહાકાર સર્જ્યો હતો. એપસિલોન નામની હાઇફાઇ વસાહત કે જ્યાં ટોચની કંપનીઓની સીઇઓે રહે છે તે આખી પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. રીશાદ પ્રેમજી, સ્ટાર્ટઅપ બાયજુના રવિન્દ્રન, બિદ બાસ્કેટના કો ફાઉન્ડર અભિનય ચૌધરી, પેજ ઇન્ડસ્ટ્રીના (જોકી) એમડી અશોક જીનોમલ સહિતના ૧૫૦ ટોપના સીઇઓ ત્યાં રહે છે. અનએકેડમીના સીઈઓ ગૌરવ મુંજાલના ઘરમાં તો પાણી જ પાણી હતું તેથી આખા પરિવારને સામાન્ય મજૂરોની સાથે ટ્રેક્ટરમાં બહાર કાઢવો પડયો. અતિ સમૃધ્ધ વિસ્તારોમાં કરોડોના ફ્લેટોમાં ત્રણ દિવસ પાણી નહોતું આવ્યું અને દરેક ગોડ ઇઝ ગ્રેટ કહેતા થઇ ગયા હતા.
બાંગ્લાદેશ વેપાર વધવાની ઉજળી તકો
બાંગ્લાદેશ સાથેે દ્વીપક્ષીય સર્વગ્રાહી પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (CEPA) માટેની ચર્ચા શરૂ થઇ છે. ૨૦૧૮થી તે માટેની પીચ તૈયાર થઇ હતી પરંતુ ગઇ ૧૮ ઓગષ્ટે બાંગ્લાદેશના વડાપ્રધાને તે માટેનું ગ્ર્રીન સિગ્નલ આપ્યું હતું. બાગ્લાદેશ વડાપ્રધાન ભારત મુલાકાતે આવવાના હતા તે અગાઉ ગ્રીન સિગ્નલ આપ્યું હતું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વેપાર છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યો છે પરંતુ ચીન બાંગ્લાદેશ સાથે વેપાર કરવામાં ભારત કરતાં આગળ છે તે હકીકત સ્વિકારવી જોઇએ. જોકે હવે જ્યારે CEPA કરાર થશે ત્યારે બાંગ્લાદેશ સાથેના વેપારની ગેપ પુરાઇ જશે એમ મનાય છે. અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૨૧-૨૨માં ભારતની નિકાસમાં ચોથા નંબરે બાંગ્લાદેશ આવતું હતું. ભારતના વેપારીઓ ૪૨૨ અબજ ડોલરની નિકાસ બાંગ્લાદેશમાં કરે છે.


