ખેડૂત ખાતેદારનો દરજ્જો જાળવવા માટે કાયદા / નિયમોની જોગવાઈઓ
- લોકાભિમુખ માર્ગદર્શન- - એચ.એસ. પટેલ IAS (નિ.)
- ગણોતધારાની કલમ-63 મુજબ બિનખેડૂત વ્યક્તિ ખેતીની જમીન કાયદેસર રીતે ધારણ કરી શકતો નથી
ગુજરાત રાજ્યમાં ખેતીની જમીનના નિયમન માટે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૮ અસ્તિત્વમાં છે. આ કાયદો જમીન સુધારાના ભાગરૂપે (Land Reform) મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં હતું ત્યારે ઘડવામાં આવેલ, ગુજરાત રાજ્ય મુંબઈ રાજ્યમાંથી અલગ થવાથી આ કાયદો પણ અન્ય કાયદાઓની માફક અમલમાં છે. આ કાયદામાં ગણોતધારાની કલમ-૬૩ મુજબ કોઈપણ બિનખેડુત વ્યક્તિ, કલેક્ટરની પરવાનગી સિવાય ખેતીની જમીન ધારણ કરી શક્તો નથી. હવે શિક્ષણનો વ્યાપ વધવાથી મોટાભાગના ખેડુતો શિક્ષિત થયા છે. પરંતુ આજે પણ ઘણા ખેડુતોને કાયદાની જાણકારી ન હોવાથી કોઈ અસાધારણ સંજોગોમાં ધારણ કરેલ જમીન એટલે કે ખાતાની જમીન વેચી દે તો તે વ્યક્તિ બિનખેડુત બની જાય અને તે બીજી જમીન ધારણ ન કરી શકે. આજ રીતે મારા રાજકોટ કલેક્ટરના કાર્યકાળ દરમ્યાન ઘણા કેસ એવા આવતા કે ખેતીની જમીન મુખ્ય વડીલના નામે ચાલતી હોય અને અન્ય કાકાભાઈઓનો હિસ્સો હોય અને મૂળ જમીન ધારણકર્તા જમીન વેચી દે તો અન્ય વારસાગત કાયદેસરના હિસ્સેદારોને ખેડુતનો દરજ્જો પ્રાપ્ત થતો નથી. આજ રીતે રાજ્યમાં જાહેર હેતુ માટે જે જમીનો સંપાદન થાય જેમ કે મોટી સિંચાઈ યોજનાઓ, હાઈવે, સરદાર સરોવર અથવા તો સરકારના કોઈપણ જાહેર હેતુ માટે જમીન સંપાદન કરવામાં આવે અને તમામ ખાતાની જમીન સંપાદન થાય તો સબંધિત વ્યક્તિ કાયદાની પરિભાષામાં ખેડુતનો દરજ્જો ચાલુ રહેતો નથી.
એટલે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સાચા ખેડુત ખાતેદાર છે અને ખેતી ઉપર નિર્ભર છે તેવા ખેતીની જમીન ધારકની જમીન એક જગ્યાએથી પુરેપુરી વેચી દે અને રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવી હોય અને જાહેર હેતુ માટે જમીન સંપાદન થવાથી બિનખાતેદાર થાય અને જે વળતરની રકમમાંથી બીજી જગ્યાએ જમીન ખરીદવી હોય તો તે માટે સરકારના મહેસૂલ વિભાગના તા.૨૪-૧-૨૦૦૩ના ઠરાવ ક્રમાંક: - ગણત-૨૬૯૯/૪૩૪૩/ઝ અન્વયે નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યારે ખેડુતે તમામ જમીનનું વેચાણ કરી દીધું હોય અને ખેડુતનો દરજ્જો ચાલુ ન રહે તેવી સ્થિતિ હોય તે સંજોગોમાં 'ખેડુત પ્રમાણપત્ર' મેળવવા માટે જમીન વેચાણ થયા તારીખથી કલેક્ટરને ૬૦ દિવસની મર્યાદામાં અરજી કરી દેવાની છે તેજ રીતે જે ખેડુત ખાતેદારની તમામ જમીન સંપાદન થવાથી બિનખેડુત થાય ત્યારે સંપાદન થતી જમીનનો એવોર્ડ થાય ત્યારથી નહી પરંતુ જમીનનો કબજો સોંપ્યાની તારીખથી ૬૦ દિવસમાં કલેક્ટરને અરજી કરવાની છે અને કલેક્ટરએ તમામ સાધનિક દસ્તાવેજો / હકિક્ત ચકાસીને ૬૦ દિવસની મર્યાદામાં ખેડુત પ્રમાણપત્ર આપી દેવાનું છે અને ખેડુતે ૧૮૦ દિવસમાં એટલે કે છ માસના સમયગાળામાં બીજી ખેતીની જમીન ખરીદી લેવાની થાય છે. જેથી મૂળ ખેડુત ખાતેદાર તરીકેનો દરજ્જો ચાલુ રહી શકે. આ જાણકારી અજ્ઞાાન / અભણ ખેડુત માટે ખાસ જરૂરી છે કારણ કે તેઓને ખેતીની તમામ જમીન વેચી દેવામાં આવે તો તે બિનખેડુત થાય અને આ નિયમોમાં એવી જોગવાઈ કરવી જરૂરી છે કે આવા ખેડુતો / બિનખેડુત થતા હોય તો ખેડુત તરીકેનો દરજ્જો ચાલુ રહે તે માટે બિનખેડુત થવાના પ્રસંગે સરકારની આ જોગવાઈઓની લેખિતમાં જાણ કરવી જોઈએ અને પુરેપુરી સમજ આપ્યા બદલની મહેસૂલી રેકર્ડમાં નોંધ રાખવી જોઈએ.
ખેડુત ખાતેદાર તરફથી ખેડુત પ્રમાણપત્ર મેળવવા માટે કલેક્ટરને અરજી કરવામાં આવે ત્યારે તેની સાથે દસ્તાવેજી પુરાવા રજુ કરવા જરૂરી છે જેમાં પ્રાથમિક રીતે જે ગામની જમીન હોય તેના ૭/૧૨ના ઉતારા સાથે ૮અ ના ઉતારાની નકલ, જો ખાતેદારની જમીન સંપાદન કરવામાં આવી હોય અને બિનખેડુત થતા હોય એટલે કે ખાતેદારની તમામ જમીન સંપાદન થતી હોય તો જમીન સંપાદન હેઠળ જો વાંધો રજુ કરેલ હોય તો તેની નકલ, સંપાદિત થતી જમીનના વળતર અંગેની નોટીસ, એવોર્ડ કર્યાનો હુકમ તેમજ કબજાપાવતી આમ તો હવે સુધારો કર્યા મુજબ ખાતેદારે ઉક્ત પાંચ પૈકીના કોઈપણ ત્રણ આધારપુરાવા રજૂ કરવાના થાય છે. આમ તો આ બધા જ આધારપુરાવા હવે રેકર્ડ કમ્પ્યુટરાઈઝ થવાથી ઓનલાઈન ઉપલબ્ધ હોય છે એટલે સબંધિત મામલતદાર કચેરી જ્યારે અરજદારની અરજીને આધારે રેકર્ડ આધારિત પુરાવા રજૂ કરી શકે છે. ખરેખર તો ઉપર જણાવ્યું તેમ જો ખાતેદાર તેના ખાતાની જમીન પુરેપુરી વેચી દેતો હોય અથવા તો પુરેપુરી જમીન સંપાદન થતી હોય તો તેના આધારે Suomoto મહેસૂલી તંત્રએ ખેડુત પ્રમાણપત્ર આપી દેવુ જોઈએ અને જે સમયમર્યાદા ૧૮૦ દિવસની નક્કી કરી છે તે મર્યાદામાં જમીન ખરીદી લેવી જોઈએ અને વિશિષ્ઠ સંજોગોમાં કલેક્ટરને મુદ્દત લંબાવવાના અધિકાર આપવા જોઈએ અને આવી છુટછાટ વધુમાં વધુ ૬૦ દિવસની આપવી જોઈએ.
ગણોતધારામાં જે ખેડુતની વ્યાખ્યા આપી છે તે કલમ ૨ (૨) મુજબ ખેડુત એટલે જમીનની જાતે ખેતી કરતી વ્યક્તિ જેથી જો કોઈ ખેડુત પોતાની સમગ્ર ખેતીની જમીન વેચી નાખે તો તે બિનખેડુત બની જાય છે જેથી ઉક્ત જોગવાઈઓ તમામ ખેડુત ખાતેદારોએ જાણવી જરૂરી છે.
આ ઉપરાંત જે ખેડુતોની જમીન વંશપરંપરાગત રીતે કુટુંબના વરિષ્ઠ કર્તાના નામે ચાલતી હોય અને તેઓ દ્વારા જો અન્ય કાયદેસરના હિત ધરાવતા એટલે કે ખેડુતનો દરજ્જો વારસાઈ ધોરણે રાખવાપાત્ર હોય તેવા ખેડુત કુટુંમ્બના સભ્યોએ ખેતીની જમીનનું કૌટુંમ્બિક વહેંચણ કરાવી ખેતીની જમીનમાં હયાતીમાં સહભાગીદાર / સંયુક્ત ખાતેદાર તરીકે દાખલ કરાવવું જોઈએ. જેથી ઘણા ખેડુત કુટુંમ્બો આવી જાણકારીના અભાવે ખેડુતનો દરજ્જો ગુમાવે છે તેવા પ્રસંગો ઉપસ્થિત થાય નહીં.
કૌટુંમ્બિક વહેંચણીમાં કે સહભાગીદારીમાં / સંયુક્તપણામાં નામ દાખલ કરવા માટે મહેસૂલ વિભાગના ૨૦૧૬ના પરિપત્ર મુજબ રજીસ્ટર્ડ દસ્તાવેજ કરાવવાની જરૂર નથી. સાદી અરજીથી એફીડેવીટ કરીને નામો દાખલ કરાવી શકાય છે.