જમીનોનું સર્વે / રીસર્વે સેટલમેંટ, પ્રમોલગેશન અંગે જમીન મહેસૂલ અધિનિયમની જોગવાઈઓ
- જમીન મહેસૂલ રકોર્ડ અધતન રાખવાની જવાબદારી રાજ્ય સરકારની
- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
બ્રિટિશ સાશન વ્યવસ્થા દરમિયાન સૌ પ્રથમ અંગ્રેજોએ બિહાર, બંગાળ અને ઓરિસ્સાની જમાબંધીના અધિકારો મેળવેલ, જેને Settlement તરીકે મહેસૂલી પરિભાષામાં ઓળખવામાં આવે છે અને તેનો અર્થ જમીન મહેસૂલ ઉઘરાવવાનો હક (Right to Collect Revenue) ગણવામાં આવે છે. આપણા મુંબઈ પ્રાંતમાં એટલે કે હાલના ગુજરાત સહિત રૈયતવારી મહેસૂલી પદ્ધતિ હતી જેમાં સીધા ખેડૂત પાસેથી જમીન મહેસૂલ ઉઘરાવવાનો હક્ક હતો. અને જેને અન્ય જમીન મહેસૂલ પદ્ધતિથી સારી પદ્ધતિ ગણવામાં આવે છે.
જમીન મહેસૂલ વહીવટમાં પાયાનો સિધ્ધાંત જમીન ઉપરનું મહેસૂલ વસુલ કરવાનો અને રેકર્ડ અદ્યતન રાખવાનો પાયાનો સિધ્ધાંત છે એટલે જમીન મહેસૂલ ક્યા ધોરણે અને કેટલું વસુલ કરવું તે માટે જમીનની મોંજણી -માપણી સાથે જમીનની પ્રત નક્કી કરી આકાર (Assessement) નક્કી કરવો એટલે કે વસુલ કરવાપાત્ર મહેસૂલી રકમ નક્કી કરવી તે છે. જમીનનો સર્વે કરવા માટે જમીન મહેસૂલ અધિનિયમના ચેપ્ટર આઠમાં કલમ ૯૫ થી શરૂકરીને ૧૧૭ સુધી આ અંગેની જોગવાઈઓ છે આ જ પ્રકરણમાં રાજ્ય સરકારને જમીનોના રીસર્વે કરવા માટેની પણ જોગવાઈઓ છે.આપણા રાજ્યમાં મોટા ભાગના ગામોમાં ૧૯૫૬ની આસપાસ સર્વે કરવામાં આવેલ અને ત્યારબાદ ગામનું મહેસૂલ રેકોર્ડ લખવામાં આવેલ અને પ્રમાણિત કરવામાં આવેલ જે તે સમયે શંકુ -સાંકળ પદ્ધતિથી માપણી કરવામાં આવેલ અને તે મુજબ દરેક સર્વે નંબરની ગુણાકાર બુક પણ રાખવામાં આવેલ અને તે આધારે ક્ષેત્રફળની નોંધ નમુના નં-૭ માં ગામના નમુના નં ૧ કે જે કાયમી ખરડો તરીકે ઓળખાય છે તે પ્રમાણે દર્શાવામાં આવેલ આપણા રાજ્યમાં જમીનની માપણી અને ક્ષેત્રફળના મોટા પ્રમાણમાં વિસંગતતા હોય તેવા પ્રશ્નો જે તે સમયે ન હતા પરંતુ સમગ્ર દેશના પરિક્ષેપમાં જોઇએ તો અમુક રાજ્યોમાં મહેસૂલી રેકર્ડ અને ક્ષેત્રફળમાં મોટા પાયે વિસંગતતા હતી અને મહેસુલી રેકર્ડ અદ્યતન હોવુ જરૂરી હોવાથી ભારત સરકારે દરેક રાજ્યમાં જમીન રેકર્ડ અદ્યતન કરવાના ભાગરૂપે તેમજ પ્રવર્તમાન ટેકનોલોજીના માધ્યમથી જમીનની માપણી તેમજ ક્ષેત્રફળની ચોકસાઈ તેમજ ખરાપણાને ધ્યાનમાં લેતાં પ્રોગ્રામ આપેલ આપણા રાજ્યમાં સૌપ્રથમ પ્રાયોગિક ધોરણે મહેસાણા અને જામનગર જીલ્લાઓમાં રીસર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ.
આ રીસર્વેની કામગીરી માટે ખાનગી એજન્સીઓ રોકવામાં આવેલ, ઉક્ત બે જીલ્લાઓની પ્રાથમિક કામગીરી બાદ તબક્કાવાર રાજ્યના તમામ જીલ્લાઓને આવરી લેવાનો પ્રોગ્રામ આપવામાં આવેલ આ એજન્સીઓએ સબંધિત ગામની રીસર્વેની કામગીરી માટે નોટીસ આપી ગામના ખાતેદારોને જાણ કરવાની હતી તેમજ તેમની પ્રત્યક્ષ હાજરીમાં માપણી કરવાની હતી પરંતુ આ એજન્સીઓએ મોટાભાગે ગુગલ સેટેલાઈટ ઇમેજના આધારે સર્વે નંબરોની માપણી કરેલ જેથી ઘણી જગ્યાએ કબ્જેદાર અને ક્ષેત્રફળમાં ફેરફાર આવ્યા સાથોસાથ એ પણ બન્યુ કે રાજ્ય સરકારના મહેસુલ વિભાગે રીસર્વે પ્રમાણે લખાયેલ એટલે કે કામ્પયુટરાઇઝ પ્રિન્ટ કરેલ રેકર્ડ અને ૭-૧૨ પ્રમાણિત કરવાની પ્રક્રિયામાં જે સ્વરૂપે મૂળ રેકર્ડ સાથે ખાત્રી કરવામાં જે ચોકસાઈ રાખવાની થાય તેના બદલે ઝુંબેશ સ્વરૂપે પ્રક્રિયાના ભાગરૂપે નોટીસ આપી સબંધિત ગામને રેકર્ડ પ્રમાણિત જાહેર કરવામાં આવ્યું અને આવું પ્રમાણિત કરેલ રેકર્ડમાં ક્ષેત્રફળમાં મોટા પાયે ફેરફારો/વિસંગતતા જણાતાં મોટાપાયે ખેડૂત ખાતેદારો દ્વારા વિરોધ થયા એટલે શરૂઆતના તબક્કે મહેસૂલી અધિકારીઓએ એવુ વલણ અપનાવેલ કે જે ખાતેદારોને ક્ષેત્રફળમાં વિસંગતતા હોય તેઓએ અપીલ ફાઈલ કરી દાદ મેળવવી, પરંતુ રાજ્ય સરકારની સમક્ષ એવી રજૂઆતો થઈ કે આ ક્ષેત્રફળની કે માપણીની ભૂલો મહેસૂલી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલ એજન્સી દ્વારા થઈ હોવાથી તંત્રએ આવી વિસંગતતા દૂર કરવી જોઇએ એટલે છેલ્લા ત્રણ વર્ષથી સંબધિત ખાતેદારો ડી.આઇ.એલ.આર તેમજ પ્રાન્ત અધિકારી સમક્ષ અરજી કરવાથી સ્વમેળે ર્જીેર્ર્સા-સબંધિત અરજદારની અરજીઓનો નિકાલ કરવો તેમ છતાં છેલ્લા અહેવાલ મુજબ હજુ રાજ્યમાં એક લાખ જેટલા કિસ્સાઓમાં ક્ષેત્રફળ ફેરફારની અરજીઓ/કેસો પડતર છે એટલે સરકારે તાજેતરમાં લેવાયેલ નિર્ણય મુજબ-ડિસેમ્બર-૨૦૨૨ સુધી સરકારે સ્વમેળે ખાતેદારોની ક્ષેત્રફળ/માપણીમાં ફેરફાર વિસંગતતાની અરજીઓ ઉપર નિર્ણય લેવાનો છે.
રીસર્વે બાદના પાયાના મૂળમાં જઇએ તો રીસર્વેની જે એજન્સીઓને કામગીરી સુપ્રત કરવામાં આવેલ તેઓ ઉપર કોઇ મોનીટરિંગ મિકેનિઝમના અભાવે આ એજન્સીઓએ મનસ્વીપણે ગુગલ સેટેલાઈટ મેપ આધારીત માપણી કરેલ છે.
જો વાસ્તવિક રીતે દરેક ગામના ખાતેદારની હાજરીમાં અને તે ખાતેદાર સર્વે નંબરના હદ નિશાન બતાવે અને માપણી કર્યા બાદ તેઓના ક્ષેત્રફળનું કન્ફરમેશન મેળવેલ હોત તો આટલી મોટી સંખ્યામાં ક્ષેત્રફળના ફેરફારના કેસો ઉપસ્થિત ન થાત તે ઉપરાંત માપણી એજન્સી દ્વારા માપણી થયા બાદ જે કોમ્પ્યુટરાઇઝડ રેકર્ડ આપવામાં આવ્યા તે મૂળ રેકર્ડ સાથે મહેસૂલી ખાતાના અધિકારીઓએ ૧૦૦ ટકા ખાત્રી કર્યા બાદ પ્રમાણિત જાહેર કર્યુ હોત તો પાછળથી આ પ્રશ્નો આ કક્ષાએ ઉદભવ્યા ન હોત, જમીનનું રીસર્વે અને રેકર્ડનું કોમ્પ્યુટરાઇઝેશન તેમજ ખાતેદારની જમીનના નકશા સાથે રેકોર્ડ તૈયાર કરવું એ સારી બાબત છે. પરંતુ અસરકારક અમલીકરણમાં કાર્યક્ષેત્ર નક્કી કર્યા સિવાય દિશાનિર્દેષ્ટ સિવાયની કામગીરીના કારણે પ્રશ્નો ઉદ્દભવ્યા છે.
સાથોસાથ વાસ્તવિકતા એ પણ સ્વીકારવી રહી કે સરકારના સેટલમેન્ટ અને સર્વે વિભાગ પાસે પર્યાપ્ત સ્ટાફ નથી આ વિભાગને સક્ષમ બનાવવુ જરૂર છે હવે જે કેસો બાકી છે તેમાં મહેસૂલ વિભાગના માપણી અને કલેકટર હસ્તકના સ્ટાફની ટીમો બનાવી. સરકારે ચોક્કસ માર્ગદર્શક સુચનાઓ બહાર પાડી ઝુંબેશ સ્વરૂપે ખાતેદારોમાં વિશ્વસનીયતા પેદા થાય તે મુજબ કામગીરી હાથ ધરાય તોજ લોક્ભોગે વહીવટનો અહેસાસ થશે. કારણ કે અત્યારે સરકારે મહેસૂલ વસુલ કરવાની બાબત ગૌણ બની છે. પરંતુ ખાતેદારોના જમીન ઉપરના હક્ક બાબતે દસ્તાવેજી પુરાવા તરીકે કબજેદારની જમીનનું પ્રમાણભુત ક્ષેત્રફળ અગત્યનું છે.