જમીનનું મૂલ્યાંકન તેમજ વળતર નક્કી કરવાની જોગવાઈઓ

- જમીન સંપાદન અધિનિયમ-2013માં

- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

- ૨૦૧૩ના કાયદામાં લેન્ડ રેફરન્સ કોર્ટના બદલે અલગ સત્તાતંત્ર (Authority) સમક્ષ કરવાની જોગવાઈ છે

(ગતાંકથી ચાલુ)

આપણે ગત લેખમાં જમીન સંપાદન અધિનિયમ-૧૮૯૪ અને નવીન ૨૦૧૩ના કાયદાની જમીન સંપાદન પ્રક્રિયાની જોગવાઈઓની માહિતી રજૂ કરવામાં આવેલ, આજકાલ બુલેટ ટ્રેન, નેશનલ હાઈવે, મેટ્રો ટ્રેન કે અન્ય મોટા પ્રોજેક્ટો હેઠળ સંપાદન થતી જમીનોના ખાતેદારો દ્વારા ઉગ્ર સ્વરૂપે રજૂઆતો / વિરોધ જોવા મળે છે, જેમ જણાવ્યું તેમ જાહેર હેતુ માટે કાનુની પ્રક્રિયા અનુસરીને કોઈપણની જમીન / મિલકત સંપાદીત કરવાનો બંધારણની જોગવાઈઓ પ્રમાણે રાજ્યને અધિકાર છે, હા, તેમાં ચોક્કસ પારદર્શક પ્રક્રિયા અનુસરવી તેમજ પ્રવર્તમાન માર્કેટ દર મુજબ વળતર નક્કી કરવું, નવીન કાયદામાં જમીન ગુમાવવા બદલ દિલાસા વળતર (Solatium Compensation) ની જોગવાઈઓ જાણવી જરૂરી છે. જમીન સંપાદન, પુનઃવસન અને પુનઃસ્થાપન, વ્યાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ ૨૦૧૩ મુજબ કલમ-૨૬ હેઠળ સંપાદિત થતી જમીનનું વળતર નક્કી કરવા માટે સિધ્ધાંતો નક્કી કરવામાં આવેલ છે. જેમાં સૌ પ્રથમ વળતરની બજાર કિંમતને કયા આધાર વર્ષ તરીકે નક્કી કરવી. તો તે અંગે કલમ-૧૧ મુજબનું પ્રસિધ્ધ થાય તે તારીખે જે બજાર કિંમત થાય તે વિચારણામાં નિર્ણાયક તરીકે લેવાની છે. આ અંગે કલમ-૧૧ પ્રાથમિક જાહેરનામાની તારીખે તે સમયે થયેલા ખરેખર વેચાણ અથવા સંપાદન હેઠળની જમીનના જ સ્વરૂપની અને બધી રીતે તેના જેવા જ સંજોગોવાળી જમીનના થયેલા વેચાણનો પુરાવો વિચારણામાં લઈ યોગ્ય બજાર કિંમત નક્કી કરવાનું એક માપદંડ છે અને સંપાદિત થતી જમીનના જ વિસ્તારની સરખા મુલ્યાંકનની જમીનનો વેચાણ પુરાવો મળે તો બજારકિંમત આવા વેચાણમાં જણાવેલ કિંમતને અનુલક્ષીને વળતરની રકમ નક્કી કરી શકાય. ખાસ કરીને શહેરી વિસ્તારની જમીનો માટે મહાનગરપાલિકા / નગરપાલિકા / વિકાસ સત્તા મંડળ / જીલ્લા / તાલુકા મથક તેમજ ઔદ્યોગિક રીતે વિકાસ પામતા વિસ્તારોનું મૂલ્યાંકન વૈજ્ઞાાનિક ઢબે થઈ શકે તે માટે આવી જમીનોનું મૂલ્યાંકન રાજ્ય સરકારના ટાઉન પ્લાનીંગ અને મૂલ્યાંકન ખાતાના અધિકારીઓ મારફત કરાવવામાં આવે છેે. 

જમીન સંપાદન કરતી વખતે કલમ-૨૬ અન્વયે ઉપરોક્ત માપદંડ જમીનનું વળતર નક્કી કરવાના છે. હવે કલમ-૨૭ હેઠળ વળતરની ગણતરી કઈ રીતે કરવાની છે તે પણ નક્કી કરવામાં આવ્યું છે અને તે અનુસાર જમીન સાથે જોડાયેલ તમામ મિલકતોને (મકાન, ઝાડ સહિત) સમાવિષ્ટ રાખીને નક્કી કરવામાં આવે છે અને તેમાં રાજ્ય સરકાર પોતાના જુદા જુદા વિભાગોના ઉપયોગ માટે, જાહેર સાહસો (Public undertaking) માટે જેમાં રાજ્ય સરકાર હેઠળની કંપનીઓ / બોર્ડ / કોર્પોરેશનનો સમાવેશ થાય છે અને જેમાં રાજ્ય સરકાર અને ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ જેને PPP (Public Private Partnership) તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં સંપાદિત થતી જમીનની માલિકી સંપૂર્ણપણે રાજ્ય સરકારની રહેલી હોય અને રાજ્ય સરકાર ખાસ કિસ્સામાં ખાનગી કંપનીઓ માટે જાહેર હેતુ માટે ગણી સંપાદન કરે ત્યારે કાયદાથી નક્કી કરેલ માપદંડો મુજબ વળતરની રકમની ગણતરી કરવાની હોય છે અને તે અનુસાર બજાર કિંમત જે નક્કી કરવામાં આવે તે જો જમીન ગ્રામ્ય વિસ્તારની હોય તો બે (૨)નો ગુણાંક અને શહેરી વિસ્તાર માટે એક (૧) નો ગુણાંક નક્કી કરવામાં આવેલ છે અને આ વળતર નક્કી કરવામાં જમીન સાથે જોડાયેલ અન્ય મિલકતોનો પણ સમાવેશ થાય છે અને જે જમીનની બજાર કિંમત નક્કી કરવામાં આવે તેમાં ૧૦૦% Solatium દિલાસા વળતર ચૂકવવાનું હોય છે. અગાઉના કાયદામાં વળતરની રકમ નક્કી કરવામાં આવે તેમાં ફક્ત ૩૦% Solatium હતું. જે નવીન ૨૦૧૩ના કાયદામાં ૧૦૦% કરવામાં આવ્યું છે. આમ જેની શહેરી વિસ્તારમાં જમીન સંપાદન થાય તેમાં ઉપરોક્ત માપદંડ મુજબ સોલેશ્યમની રકમ ઉમેરતાં બે ગણી વળતરની રકમ અને ગ્રામ્ય વિસ્તારની જમીન માટે સોલેસ્યમની રકમ ઉમેરતાં ચાર ગણા વળતરની રકમ નક્કી કરવાની થાય છે. જમીન સાથે અન્ય અસ્કમાયતો અંગે વળતર નક્કી કરવા માટે જમીનમાં જો પાક ઉભો હોય તો તે અંગે ખેતીવાડી ખાતાનો અભિપ્રાય મેળવી ઉભા પાકની કિંમત નક્કી કરવાની થાય અને જો જમીનમાં ઝાડ હોય તો તે અંગે વન અને પર્યાવરણ વિભાગનો અભિપ્રાય મેળવવાનો થાય, આ ઉપરાંત ઘણીવાર જે જમીન સંપાદન થાય તે પુરેપુરી સંપાદન થવાને બદલે અંશતઃ સંપાદન થાય અને તેના કારણે જમીનના ટુકડા કે મહત્વની ન રહે ત્યારે હિત ધરાવતી વ્યક્તિને જે નુકશાન થાય તે, તેજ રીતે સ્થાવર અને જંગમ મિલકતને જે નુકશાન થાય તે, તેજ રીતે રહેઠાણનું મકાન અથવા ધંધા / વ્યપારનું સ્થળ બદલવાની સ્થિતિ ઉભી થાય તેના કારણે જે ખર્ચ થાય તે, તેમજ અસરગ્રસ્ત કુટુંમ્બોને સમન્યાય અને લાભના હિતમાં બીજું જે કારણ હોય તેનો સમાવેશ વળતર ચૂકવવાના એવોર્ડમાં સમાવેશ કરવાનો થાય છે.

અગાઉના કાયદામાં જે એવોર્ડમાં વળતરની રકમ નક્કી કરવામાં આવી હોય તેમાં Land Reference સિવિલ કોર્ટમાં કરવાની જોગવાઈ હતી. ૨૦૧૩ના કાયદતામાં આમ તો પારદર્શક સ્વરૂપે વ્યાજબી વળતરની રકમ નક્કી કરવાની જોગવાઈ છે, તેમ છતાં એવોર્ડની સામે ઝડપથી નિર્ણયો થાય તે માટે લેન્ડ રેફરન્સના બદલે અલગ સત્તાતંત્ર રચના કરવાની જોગવાઈ અધિનિયમના પ્રકરણ-૮માં કરવામાં આવી છે અને તે મુજબ કલમ-૫૧ થી ૭૪ સુધી સંલગ્ન જોગવાઈઓ કરવામાં આવી છે. 

જે પક્ષકાર એવોર્ડથી નારાજ હોય તે કલેક્ટરશ્રી / જમીન સંપાદન અધિકારીના હુકમ ઉપર મળેલ અરજીથી ૩૦ દિવસમાં સબંધિત સત્તાતંત્રને રેફરન્સ કરશે. પરંતુ સબંધિત પક્ષકાર એવોર્ડની તારીખથી કલેક્ટર સમક્ષ હાજર હોય ત્યારે છ અઠવાડિયામાં એવોર્ડની તારીખથી અરજી કરી શકશે. કોઈ કાબુ બહારના સંજોગોમાં અથવા ખાસ કિસ્સામાં સત્તાતંત્રને આ સમયમર્યાદામાં છૂટછાટ મૂકવાની સત્તા છે. આ સત્તાતંત્રમાં જીલ્લા ન્યાયાધીશ કક્ષાના અધિકારીની નિમણૂંક કરવાની હોય છે અને આ સત્તાતંત્ર દ્વારા જે વળતર અંગે નિર્ણય આપવામાં આવે તે સંપાદક અધિકારી અને સબંધિત પક્ષકારોને બંધનકર્તા છે અને આ અંગે અન્ય ન્યાયાલયોને હકુમતનો બાધ છે. (Bar of Jurisdiction) સિવાય કે હાઈકોર્ટને આમ ૨૦૧૩ના કાયદામાં જમીન સંપાદન ક્ષેત્રે અસરગ્રસ્તોને વ્યાજબી વળતર મળે તે માટેની પારદર્શક જોગવાઈઓ કરવામાં આવી છે.

City News

Sports

RECENT NEWS