- લોકાભિમુખ માર્ગદર્શન - - એચ.એસ. પટેલ IAS (નિ.)
- જાહેર જગ્યા ઉપરના દબાણો દૂર કરવાની જવાબદારી વહિવટી તંત્રની
તાજેતરમાં 'દાદા'ના બુલડોઝર્સથી દબાણો દુર કરવાના મીડીયાના માધ્યમોથી સમાચાર પ્રસિધ્ધ થાય છે. જેમાં થોડા સમય પહેલાં ઓખા, વેરાવળ, પોરબંદર, સોમનાથ અને નખત્રાણાના દબાણો દુર કરવાના સમાચારો હાઈલાઈટ સ્વરૂપે આપવામાં આવે છે. સરકારી જમીનો ઉપરના દબાણ અંગે અગ્રેેજોના સમયમાં ઘડાયેલ જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯માં જોગવાઈ કરેલ છે. એનો મતલબ એ થયો કે ૧૫૦ વર્ષ પહેલાં બ્રિટીશ શાશન વ્યવસ્થા દરમ્યાન ધ્યાન ઉપર આવેલ હશે કે ભારતીય સ્થિતિમાં જમીન ઉપર પેશકદમી - દબાણ (Encroachment) કરનારાઓ હશે. કાયદાકીય જોગવાઈઓનું વર્ણન કરીશું પરંતુ જે 'દાદા'ના બુલડોઝરનો નિર્દેષ્ઠ હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપર છે. એટલે કે રાજકીય ઈચ્છાશક્તિથી (Political will) કામગીરી થાય છે. શાસન વ્યવસ્થાના અંગો છે તેમાં Legislature (ધારાસભા) અને Executives (કારોબારી) છે. એટલે કામગીરી વહિવટી તંત્રના માધ્યમથી થવું જોઈએ અને સરકારી / ગૌચરની જમીનો ઉપરના દબાણો ન થાય અને થયા હોય તો દુર કરાવવાની જવાબદારી જમીન મહેસુલ અધિનિયમ હેઠળ પાયાના અધિકારી તરીકે તાલુકા મામલતદારની છે. પરંતું આ કામગીરીમાં ઉદાસીનતા છે અને તે માટે વહિવટી તંત્ર જવાબદાર છે. (મહેસુલ વિભાગ) હવે મુખ્ય વિષય અંગે કાયદાકીય વિશ્લેષણ કરીએ તો જમીન મહેસુલ અધિનિયમમાં કલમ-૬૧ હેઠળ કોઈપણ સરકારી જમીન ઉપર દબાણ થાય તો દબાણકારને તાલુકા મામલતદારે નોટીસ આપવાની છે અને જે ઉપયોગ કર્યો હોય તેનો ઉપજદંડ વસુલ કરતો હુકમ કરવાનો છે અને દબાણવાળી જગ્યા ખુલ્લી કરવાની છે. અને કાયદાની કલમ-૨૦૨ હેઠળ દબાણ ખુલ્લુ ન કરે તો દબાણદારને સરકારી જમીન ઉપરથી હાંકી કાઢવાનો (Summary Eviction) અધિકાર છે. પાયાની બાબત તરીકે ગામવાર / વિસ્તાર પ્રમાણે સરકારી જમીનોનું રજીસ્ટર મહેસુલી ગામના તલાટીવાર રાખવાનું છે. સાથોસાથ સબંધિત વિસ્તારના સર્કલ ઓફિસરે પણ તેમના કાર્યક્ષેત્રના તમામ સર્વેનંબરોનું પ્રત્યક્ષ નિરિક્ષણ કરી, અહેવાલ રજુ કરવાનો છે. પરંતું આ જણાવ્યું તેમ વાસ્તવિક કામગીરી થતી નથી જેથી દબાણકારોને મોકળું મેદાન મળી જાય છે અને તેના કારણે સ્થાપિત હિતો પેદા થાય છે અને કોઈપણ કાર્યવાહી કરવામાં આવે તો રાજકીય હસ્તક્ષેપ લાવવામાં આવે છે અને વહિવટીતંત્રની નબળાઈને કારણે સરકારી જમીનો ઉપરના દબાણો દિનપ્રતિદિન વધતા જાય છે. હમણાંજ રાજકોટના મફતપુરાવિસ્તારમાં કોર્પોરેટરના પ્રતિ દ્વારા ઝુંપડાં વસાવીને દબાણ કરીને સરકારી આવાસ યોજના હેઠળ સંખ્યાબંધ મકાનો મેળવી લીધેલ છે આ બધી બાબતોનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવે છે કે જમીન મહેસુલ અધિનિયમ હેઠળ કલમ-૬૧ને ૨૦૨ હેઠળ દબાણ ન થવા દેવા અંગે અને દુર કરવાની સત્તા તાલકા મામલતદારને આપેલ છે પણ તેની અસરકારકતા નથી. આ જ રીતે શહેર વિસ્તારોમાં જ્યાં સીટી સર્વે દાખલ કરવામાં આવેલ છે તે વિસ્તારમાં સમાવિષ્ઠ સરકારી જમીન ઉપરના દબાણો દુર કરવાની સત્તા સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટને આપવામાં આવેલ છે.
જમીન મહેસુલ અધિનિયમની જોગવાઈઓ પ્રમાણે જે જમીન ખાનગી હોય તે સિવાયની તમામ જમીન સરકારી છે. તેવું કાયદાકીય પ્રાવધાન છે. આઝાદી બાદ જુદા જુદા કાયદા હેઠળ સતાતંત્રો ઉપસ્થિત કરવામાં આવ્યા છે જેમ કે ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ગ્રામપંચાયતો, ગુજરાત મ્યુનિસીપાલીટી અધિનિયમ હેઠળ નગરપાલીકાઓ, ગુજરાત મ્યુનિસીપલ કોર્પોરેશન અધિનિયમ હેઠળ મહાનગરપાલીકાઓ આ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને પણ શહેરો / ગ્રામપંચાયત વિસ્તારોમાં સરકારી જમીન નીમ (Vest) કરવામાં આવે છે તેમજ તબદીલ પણ કરવામાં આવે છે. દા.ત. ગૌચરની જમીન- ગ્રામપંચાયતને ગૌચરણના હેતુ માટે તબદીલ કરવામાં આવેલ છે. ગૌચરની જમીનની જાળવણી કરવાની જવાબદારી ગામના તલાટી / સરપંચની છે પરંતું સમગ્ર રાજ્યમાં જોઈએ તો ગૌચરો ઉપર મોટાપાયે દબાણો છે અને દુર કરવાની કોઈ ઈચ્છાશક્તિ નથી. કારણ કે ગ્રામપંચાયત કક્ષાએ સ્થાનિક રાજકારણ / ચુંટાયેલ પ્રતિનિધીઓનો એટલો હસ્તક્ષેપ હોય છે કે મોટાભાગે ગૌચરની જમીનો દબાણ હેઠળ છે. આ અંગે તાલુકાપંચાયત / જીલ્લાપંચાયત હસ્તક દબાણ દુર કરવા માટે વ્યવસ્થાતંત્ર છે પરંતું કાર્યદક્ષ સ્ટાફના અભાવે કામગીરી થતી નથી. વધુમાં ગ્રામપંચાયતને જાહેર હેતુ માટે ગામતળ, સ્મશાન, શૈક્ષણિક હેતુ માટે નીમ કરેલ જમીનોમાં પણ દબાણ થાય છે પરંતું દુર કરવાની ઈચ્છા શક્તિ નથી. આ ઉપરાંત ગામ કે શહેરોમાં જે તળાવો Water body આવેલ છે તેમાં પણ સંખ્યાબંધ દબાણો છે પરંતું મોટાભાગની Water body તળાવ, Water course વાંકળા, વહેણ, કોતર વિગેરેમાં દબાણો કરી અવરોધ પેદા થયા છે. આ અંગે સુપ્રિમકોર્ટે પંજાબના અંબાલાના મહત્વપુર્ણ કેસમાં ઠરાવ્યું છે કે કોઈપણ સરકારી ગ્રામપંચાયત, નગરપાલીકા, મહાનગરપાલીકાને સાર્વજનિક હેતુમાટે નીમ કરેલ જમીનમાં દબાણ નિયમબધ્ધ કરવાની કે દબાણો ન થવા દેવાની સુચનાઓ છે. પરંતું ઈચ્છાશક્તિના અભાવે સુપ્રિમકોર્ટના આદેશ મુજબ વહિવટીતંત્રને અમાપ સત્તાઓ આપ્યા છતાં કાર્યવાહી થતી નથી.
બીજા સુપ્રિમ કોર્ટના ૨૦૦૯ના વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનના કિસ્સાઓમાંથી જાહેર સ્થળ ઉપરના ધાર્મિક સ્થળો ઉપરના તમામ ધામક સ્થાન કે જે બિનઅધિકૃત સ્વરૂપે બીલાડીની ટોપની માફક ઉભા કરી દેવામાં આવ્યા છે. તેને ધાર્મિક લાગણી બહેંકાવીને અવરોધ કરવામાં આવે છે. સુપ્રિમકોર્ટે દર ત્રણ માસે ધાર્મિક સ્થળો દુર કરવા માટે Action Taken Report માંગવામાં આવે છે અને નબળી કામગીરી અંગે સુપ્રિમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. પરંતું કોઈ અસરકારકતા દેખાતી નથી. અમો કલેક્ટર રાજકોટ હતા ત્યારે સમગ્ર દેશમાં આ સુપ્રિમકોર્ટના ચુકાદા મુજબ Action Plan બનાવી કામગીરી શરૂ કરાવેલ, આજ રીતે સંખ્યાબંધ સુપ્રિમ કોર્ટના ચુકાદા અનુસાર (એચ. એસ. પટેલ વિરૂધ્ધ સેવકરામ પ્રભુદાસ - વડોદરા કોર્પોરેશન) અનુપમ રેકડી - જામનગર કોર્પોરેશન, ઔલ્ગાટેલીસ - મુંબઈ કોર્પોરેશન. આ ચુકાદાઓથી જાહેર ફુટપાથ / જાહેર જગ્યાઓના દબાણ દુર કરવા નિર્દેષ્ઠ આપેલ છે. સવાલ છે ઈચ્છાશક્તિનો વહિવટી તંત્રની ઉદાસીનતા એટલી હદે છે કે ઉપરથી એટલે કે Political Executives (મુખ્યમંત્રી / મંત્રીશ્રી) તરફથી આદેશ આવે તો કામગીરી કરવી, આ વહિવટીતંત્ર માટે તેઓની ફરજ માટે કુઠરાઘાત છે. ધારાસભાએ ઘડેલ કાયદાઓનું / નિયમોનું પાલન અમલ કરવાની જવાબદારી વહિવટીતંત્રની છે. રાજકીય ઈચ્છાશક્તિ આવકાર્ય છે. પરંતું તે પસંદગીના સ્થળો ઉપર સિમિત ન હોવી જોઈએ. સર્વગ્રાહી હોવી જોઈએ. આ વિષય અંગે વધુ માર્ગદર્શન આવતા અંકે કરીશું. (ક્રમશઃ)


