વિતેલા વર્ષમાં ભારતે અનેક મોટા દેશો સાથે દ્વીપક્ષી વેપાર કરારો સાથે તેની વેપાર પ્રવૃત્તિને ગતિશીલ બનાવી છે. ૨૪ જુલાઈના રોજ યુનાઇટેડ કિંગડમ (યુકે) સાથે એક વ્યાપક આથક અને વેપાર કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. ડિસેમ્બરમાં ન્યુઝીલેન્ડ સાથે પણ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઓમાન સાથે એક વ્યાપક આથક ભાગીદારી કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જોકે, લાંબી વાટાઘાટો છતાં, ભારત-યુએસ વેપાર કરાર હજુ સુધી અંતિમ સ્વરૂપ પામ્યો નથી. આ ઉપરાંત યુરોપિયન યુનિયન સાથેના વેપાર કરાર પણ અંતિમ તબક્કામાં આવીને અટકી ગયા છે ત્યારે તેના પર પણ ૨૦૨૬માં જ કંઈ નિર્ણય આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

સોનામાં તોફાની રેકોર્ડ બ્રેક તેજીથી ઝવેરીઓ સ્તબ્ધઃ ભાવ રૂ.૧૪૨૦૦૦ બોલાતાં નવો ઈતિહાસ સર્જાયો!
દેશના ઝવેરી બજારોમાં વિદાય લેતું ૨૦૨૫નું વર્ષ સુવર્ણ અક્ષરે લખાશે તથા ઐતિહાસિક ગણાશે એવી રેકોર્ડ તેજી સોનાના ભાવમાં દેખાઈ હતી. ચાંદીના ભાવ પણ સ્પ્રિંગની જેમ વર્ષ દરમિયાન રોજેરોજ ઉછળતા રહેતાં જૂના રેકોર્ડ તૂટી નવા રેકોર્ડ સર્જાતા રહ્યા હતા. ઝવેરી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વ બજારમાં આ વર્ષે સોનાના ભાવમાં વિક્રમી તેજી જોવા મળી હતી અને તેના પગલે દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપથી વધી જતાં દેશના ઝવેરી બજારોમાં ૨૦૨૫ના વર્ષમાં જાણે બારે મહિના અને બાવને બાવન સપ્તાહમાં તેજીનો ચરુ ઉકળતો રહ્યો હોય એવી બજારની ચાલ તથા માહોલ જોવા મળ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર જે ૨૦૨૪ના અંતે રૂ.૭૫૮૫૫થી ૭૫૮૬૦ રહ્યા હતા તે ઉછળતા રહી ૨૦૨૫માં પ્રથમ તબક્કે રૂ.૧ લાખની સપાટી પાર કર્યા પછી ભાવ વધુ ઉછળી ૨૦૨૫ના અંતભાગમાં રૂ.૧ લાખ ૩૮ હજારની નવી ટોચે પહોંચી ગયા હતા. આવી આગ ઝરતી તેજી આ પૂર્વે ઝવેરી બજારમાં ક્યારેય જોવા મળી નથી એવું બજારના પીઢ વેપારીઓએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં આ વર્ષે સોનાના ભાવ ઔંસના ૨૬૧૦થી ૨૬૧૫ ડોલરની સપાટી જે ૨૦૨૪ના અંતભાગમાં નોંધાઈ હતી તે સપાટીથી ૨૦૨૫ના વર્ષમાં વૈશ્વિક સોનાના ભાવ એકધારા ઉછળતા રહી પ્રથમ તબક્કે ૩૦૦૦ ડોલર તથા ત્યારબાદ ૩૫૦૦ ડોલર અને ત્યાર પછી ૪૦૦૦ ડોલર સુધી પહોંચ્યા પછી પણ તેજી વણથંભી આગળ વધતાં વૈશ્વિક સોનાના ભાવ વધુ વધી તાજેતરમાં ઉંચામાં ૪૫૦૦ ડોલરની સપાટી પણ વટાવી જતાં બજારના ખેલાડીઓ અવાક બની ગયાં હતા. વિશ્વ બજારમાં રેકોર્ડ તેજી ઉપરાંત મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ પણ ઉછળતાં તથા રૂપિયો નવા નીચા તળિયે ઉતરી જતાં દેશમાં આયાત થતા સોનાની ઈમ્પોર્ટ કોસ્ટમાં ઝડપી વૃદ્ધી થઈ હતી અને તેની ઈમ્પેકટ ઝવેરી બજાર પર દેખાઈ હતી. વિશ્વ બજારમાં ૨૦૨૫માં સોનાના ભાવમાં ૭૦થી ૭૫ ટકાની જંગી વૃદ્ધી નોંધાઈ હતી. વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ ૨૦૨૫માં સોનાની વ્યાપક ખરીદી કરી હતી તથા આ દેશોમાં ગોલ્ડ રિઝર્વ વધતું જોવા મળ્યું હતું. ડોલરનું પ્રભુત્વ ઘટાડવા ઘણાં દેશો ડોલર વેંચી સોનું ખરીદતા દેખાયા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ વધી ૨૦૨૫માં ઉંચામાં રૂ.૧ લાખ ૪૨ હજારની સપાટી પાર કરી ગયા હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની આકરી ટેરીફ નીતિ તથા વિવિધ દેશો વચ્ચે યુદ્ધ અને તંગદિલી ભર્યા વાતાવરણના કારણે વૈશ્વિક સોનામાં ફંડોની સેફ હેવન બાઈંગ પણ આ વર્ષે વધી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

ચાંદીમાં રેપીડ ફાયર ઉછાળાઓઃ ભાવ સવા બે લાખ ઉપર જઈ અઢી લાખ તરફ ધસ્યા!
દેશના ઝવેરી બજારોમાં વિદાય લેતા વર્ષમાં એક તરફ સોનાના ભાવ ઉછળી રહ્યા હતા ત્યારે સાથોસાથ ચાંદીના ભાવમાં પણ ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો. ૨૦૨૪ના અંતભાગમાં મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૮૬ હજાર આસપાસ રહ્યા હતા. તે ૨૦૨૫ના વર્ષમાં એકધારા ઉછળતા રહી પ્રથમ તબક્કે ભાવ રૂ.એક લાખની સપાટી વટાવી ગયા પછી પણ આવી રેકોર્ડ બ્રેક તેજી બ્રેક લીધા વિના સતત આગળ વધતી રહી રૂ.સવા લાખ અને ત્યારબાદ રૂ.દોઢ લાખ અને ત્યાર પછી જોતજોતામાં ભાવ વધુ ઉછળી રૂ.બે લાખની ઉપર બોલાતાં થતા બજારના જૂના અને પીઢ ઝવેરીઓ પણ અચંબામાં પડી ગયા હતા. રૂ. બે લાખની ઉપર પણ તેજી આગળ વધી હતી તથા ભાવ ઉંચામાં રૂપિયા સવા બે લાખની પર ઉપર રૂ.૨ લ ાખ ૩૫ હજાર સુધી ક્વોટ થવા માંડતાં આવી કલ્પના બહારની તોફાની તેજી જોઈને ઝવેરી બજારોમાં ખાસ્સી ચકચાર જાગી હતી. અને બધાની નજર અઢી લાખના ભાવ પર રહી હતી ત્યારે ત્રણ લાખની આગાહી પણ નવા વર્ષ માટે શરૂ થઈ ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
ચાંદી બજારના જાણકારોના જણાવ્યા મુજબ વિશ્વ બજારમાં ૨૦૨૫ના વર્ષમાં ચાંદીમાં અભૂતપૂર્વ તેજી આવી હતી અને તેના પગલે દેશમાં આયાત થતી ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ તીવ્ર ગતિએ વધી જતાં તેમ જ કરન્સી બજારમાં આપણો રૂપિયો પણ નબળો પડતાં સ્થાનિક ઝવેરી બજારોમાં તેજીનું તોફાન ૨૦૨૫માં સતત ચાલુ રહ્યું હતું. તેજીનું આવું વાવાઝોડું બજારના ઈતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું હોવાનો અભિપ્રાય પીઢ એનાલીસ્ટો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ વર્ષ દરમિયાન ઔંસના ૨૮.૯૦ થી ૨૯.૦૦ ડોલરની સપાટી પરથી એકધારા ઉછળતા રહી પ્રથમ તબક્કે ભાવ ૫૦ ડોલરની પાર ગયા પછી પણ વિક્રમી તેજીની દોટ ચાલુ રહેતાં વૈશ્વિક ચાંદીના ભાવ ત્યારબાદ વધુ ઉછળી ઉંચામાં ૭૬ ડોલર નજીક તથા ચીનના બજારોમાં ઉંચામાં ૭૮ ડોલર નજીક જતા રહ્યા હતા. વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ચાંદીમાં ૨૦૨૫ના વર્ષમાં ઔદ્યોગિક વિવિધ ક્ષેત્રોની માગમાં વિશેષ વૃદ્ધી થઈ હતી સામે ચાંદીની સપ્લાયમાં ડેફીસીટ જેવી સ્થિતિ ચાલુ રહેતાં તોફાની તેજીને પીઠબળ મળી ગયું હતું. વર્ષ દરમિયાન, કોપરમાં પણ આગઝરતા ઉછાળાઓ વચ્ચે ભાવ વધી ટનનાઉંચામાં પ્રથમ વાર ૧૨ હજાર ડોલરની ઉપર જતાં તેની પણ ઈમ્પેક્ટ ચાંદી બજારની તેજીને સપોર્ટ આપતી રહી હતી. ચીન દ્વારા ચાંદીની નિકાસ પર અંકુશો આવી રહ્યાના અહેવાલોની પણ બજાર પર મોટી અસર પડી હતી. વિશ્વ બજારમાં હવે પછી ચાંદીના ભાવ ઉંચામાં ઔંસના ૯૦થી ૧૦૦ ડોલર થવાની તથા ભારતમાં કિલોના ભાવ ઉંચામાં રૂ.ત્રણ લાખ થઈ જવાની શક્યતા બજારનો અમુક વર્ગ બતાવતો થતાં અજંપો વધ્યો હતો.

જીએસટીમાં ઘટાડો કરાતા ઓટો ઉદ્યોગ માટે ૨૦૨૫ની નવરાત્રી વિક્રમી વેચાણ સાથે લાભકારક બની રહી
ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડાની પોઝિટિવ અસરથી ૨૦૨૫ની નવરાત્રીના તહેવાર દરમિયાન વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે ૩૪ ટકા વધારો થયો હતો જે કોઈ નવરાત્રીનો અત્યારસુધીનો રેકોર્ડ રહ્યો છે. ૨૨ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર, ૨૦૨૫ના નવરાત્રીના સમયગાળા દરમિયાન એકંદરે ૧૧.૫૦ લાખ વાહનો વેચાયા હતા જે ૨૦૨૪ના વર્ષની નવરાત્રીમાં ૮.૬૩ લાખ વેચાયા હતા.
નવરાત્રીના પ્રારંભ એટલે કે ૨૨ સપ્ટેમ્બરથી જીએસટીમાં કપાત આવવાની હોવાથી સપ્ટેમ્બરના પ્રથમ ત્રણ સપ્તાહમાં વેચાણ મંદ રહ્યું હતું, પરંતુ અંતિમ સપ્તાહમાં ગણિતો બદલાઈ ગયા હતા અને વેચાણમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. માગમાં વધારાને કારણે ડીલરોને તેમનો સ્ટોક ઘટાડવામાં મદદ મળી હતી. વેરામાં કપાત અને તહેવાર બને સાથોસાથ આવતા વાહનો માટે પૂછપરછ અને બુકિંગ્સમાં વધારો થયો હતો. જીએસટીમાં ઘટાડાને કારણે વાહનોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થતા ખરીદીમાં વધારો થયો હતો.

ખાંડ બજારમાં સરપ્લસ સપ્લાયની સ્થિતિ વચ્ચે ભાવ દબાણ હેઠળ રહ્યા
દેશમાં ખાંડ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે વિતેલા વર્ષમાં સિનારીયો બદલાતો જોવા મળ્યો છે. સુગરની નવી મોસમ ઓકટોબરથી શરૂ થઈ ગઈ છે તથા ૨૦૨૫-૨૬ની નવી મોસમમાં ખાંડનું ઉત્પાદન ૩૪૩ લાખ ૫૦ હજાર થવાનો અંદાજ ઈન્ડિયન સુગર એન્ડ બાયોએનર્જી મેન્યુફેકર્ચ્સ એસોસીએશન-ઈસ્મા દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. ખાંડ ઉત્પાદનમાં આશરે ૨૮ ટકાની વૃદ્ધીનો અંદાજ બતાવાયો છે. સુગરનો સ્ટોક સરપ્લસ રહેતાં સુગરના મિનિમમ સપોર્ટ ભાવ એમએસપીમાં વૃદ્ધી કરવાની માગ પણ સપાટીએ આવી હતી, ઈથેનોલનો પ્રાપ્તી ભાવ વધારવાની પણ માગણી ખાંડ ઉદ્યોગમાંથી શરૂ થઈ હતી. ખાંડના સપોર્ટ ભાવ સરકારે છેલ્લા છ વર્ષથી બદલ્યા નથી.
દરમિયાન, દેશમાં ઘરઆંગણે ખાંડની કુલ વાર્ષિક માગ આશરે ૨૮ લાખ ૫૦ હજાર ટન જેટલી નોંધાઈ છે. ઈથેનોલના ઉત્પાદન તરફ ખાંડનો આશરે ૩૪ લાખ ટનનો જથ્થોે વાળવામાં આવે એવો અંદાજ જોતાં તથા૧૫ લાખ ટનની નિકાસનો અંદાજ છતાં ઘરઆંગણે ખાંડમાં સપ્લાય સરપ્લસની સ્થિતિ જણાઈ રહી હતી. આ વર્ષે ખાંડની નવી મોસમમાં ૧૫ ડિસેમ્બર સુધીમાં દેશમાં ખાંડનું ઉત્પાદન ૨૮ ટકા વધી ૭૮ લાખ ૨૫ હજાર ટન આસપાસ થયું છે. દેશમાં ઓકટોબર મહિનાથી ખાંડની નવી મોસમ શરૂ થઈ હતી તથા નવી મોસમના પ્રથમ અઢી મહિનામાં ઉત્પાદનમાં ખાસ્સી વૃદ્ધી જોવા મળતાં આખા વર્ષના ઉત્પાદનનો આશાવાદ વધ્યો હતો તથા દેશના ખાંડ બજારોમાં ઉત્પાદન ખર્ચ કરતા બજાર ભાવ નીચા ઉતરી ગયાના વાવડ વચ્ચે ખાંડ બજાર તથા ઉદ્યોગમાં અજંપો પણ વધ્યો હતો.

દેશમાં સફરજનની આયાતમાં વૃદ્ધીઃ ઈમ્પોર્ટ ડયુટી ઘટતાં ખેડૂતોમાં નારાજગી
દેશમાં એક તરફ વિવિધ ફળોના ઉત્પાદનમાં વિદાય લેતા વર્ષમાં વૃદ્ધી થઈ છે ત્યારે બીજી તરફ દરિયાપારથી ફળોની આયાત પણ વધતાં ફળોની ખેતી કરતાં વર્ગ પર દબાણ વધ્યું હોવાનું ફળ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. સફરજન બજારના જાણકારોના જણાવ્યા મુજબ ભારતમાં સફરજનની ઈમ્પોર્ટ છેલ્લા છ વર્ષમાં નોંધપાત્ર વધી છે. હવે આવી આયાત વધી ૬ લાખ ટને પહોંચી છે. દેશમાં સફરજનનું જે કુલ ઉત્પાદન થાય છે એ સામે સફરજનની ઈમ્પોર્ટની ટકાવારી જે અગાઉ દોઢથી બે ટકા જ રહેતી હતી તે ટકાવારી વધી હવે ૨૨થી ૨૩ ટકાએ પહોંચી છે. આની સામે નિકાસમાં કોઈ ખાસ વૃદ્ધી થઈ નથી. કાશ્મીરમાં સફરજનનું ઉત્પાદન વધી ૨૦ લાખ ટને પહોંચ્યું છે. તથા ત્યાં ૩૫ લાખ લોકો સફરજનની ખેતી પર નભી રહ્યા હતા. હિમાચલ પ્રદેશમાં સફરજનનું ઉત્પાદિન વધી વાર્ષિક ૫થી ૬ લાખ ટને પહોંચ્યું છે. આવા માહોલમાં તાજેતરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેપાર કરાર થતાં તથા ભારત સરકારે ન્યુઝીલેન્ડથી દેશમાં આયાત કરાતા સફરજનની ઈમ્પોર્ટ ડયુટી અડધી કરી ૨૫ ટકા કરતાં દેશમાં ન્યુઝીલેન્ડથી સફરજનની ઈમ્પોર્ટ વેગથી વધવાની ભીતિ ફળ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ઓછી ડયુટીમાં પ્રથમ તબક્કે સરકારે ૩૨ હજાર ૫૦૦ ટન આવા સફરજનની ઈમ્પોર્ટ કરવાની છૂટ આપી છે. જ્યારે ત્યારબાદ આવો ઈમ્પોર્ટ ક્વોટા વધી ૪૫ હજાર ટન સુધી પહોંચવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ઓછી ડયુટીની ઈમ્પોર્ટના પગલે ભારતમાં સફરજનના ભાવ ઘટશે તથા ખેડૂતોની મુંઝવણ વધશે એવી શક્યતા જાણકારો બતાવતા હતા.

વીજ સંચાલિત વાહનોના વેચાણમાં ક્રાંતિઃ 20 લાખને પાર
વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં વીજ સંચાલિત વાહનોના રજિસ્ટ્રેશનનો આંક વીસ લાખને પાર કરી ગયો છે. વીજ સંચાલિત ઊતારૂ વાહનો તથા ટુ વ્હીલર્સના વેચાણમાં વૃદ્ધિને પરિણામે એકંદર વીજ વાહનોનો આંક વીસ લાખથી ઊંચો જોવા મળ્યો છે.
કોઈ એક વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં વીજ વાહનોનો વેચાણ આંક વીસ લાખથી વધુ રહ્યો હોય તેવું આ પ્રથમ જ વખત જોવા મળ્યું છે. વીજ વાહનોના ઉત્પાદન તથા વેચાણ માટે સરકાર દ્વારા પૂરા પડાતા પ્રોત્સાહનોને કારણે વાહન ખરીદનારાઓનું તે તરફ આકર્ષણ વધી રહ્યું છે. વીજ વાહનો માટે માળખાકીય સુવિધા ખાસ કરીને બેટરીઝની ઉપલબ્ધતા ઉપરાંત ચાર્જિંગ સ્ટેશનોમાં વધારાને પરિણામે પણ વીજ વાહનો માટે આકર્ષણ વધી રહ્યું છે.
વર્તમાન વર્ષના જાન્યુઆરીથી નવેમ્બરના ગાળામાં વીજ સંચાલિત ટુ વ્હીલર્સનો આંક ૧૧.૮૧ લાખ રહ્યો છે જે વાર્ષિક ધોરણે ૯.૮૦ ટકા વધુ છે જ્યારે ઈ-થ્રી વ્હીલર્સનું વેચાણ ૧૨.૩૦ ટકા વધી ૭૦૯૫૧૦ રહ્યું છે. ઊતારૂ વાહનોનું વેચાણ ૭૭ ટકાથી વધુ વધી ૧૬૦૮૯૪ રહ્યાનું જોવા મળે છે.

ઊંચા ટેરિફ વચ્ચે ઉદ્યોગોને રાહતઆપવાનો પ્રયાસ
૨૦૧૭ના ૧લી જુલાઈથી દેશમાં લાગુ થયેલી ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) પ્રથા બાદ ૨૦૨૫માં પહેલી જ વખત જીએસટી માળખામાં જોરદાર ફેરબદલ જોવા મળ્યા છે.
અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફને ધ્યાનમાં રાખી દેશમાં ઘરઆંગણે ઉપભોગ વધારી ઉદ્યોગોને ટેકા પૂરો પાડવાના ભાગરૂપ સરકારે જીએસટીમાં ઘટાડો કરી હવે માત્ર બે જ મુખ્ય દર રાખ્યા છે. વર્તમાન વર્ષના ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનની રેલીને સંબોધતા વડા પ્રધાને આ મતલબના સંકેત આપ્યા હતા અને જીએસટી કાઉન્સિલ દ્વારા ૩ સપ્ટેમ્બરના જીએસટી દરને વ્યવહારિક બનાવવા નિર્ણય લેવાયો હતો. કાઉન્સિલના નિર્ણયને પગલે દેશમાં ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫થી માલસામાન તથા સેવા પર જીએસટીના પાંચ ટકા તથા ૧૮ ટકાના બે જ મુખ્ય સ્તર રહ્યા છે. જીએસટીના અમલ બાદ ૨૦૨૫ના એપ્રિલમાં ૨.૩૭ લાખ કરોડની વસૂલી અત્યારસુધીની સૌથી ઊંચી માસિક વસૂલી રહી છે.


