૨૦૩૦ સુધીમાં દર વર્ષે ૫ મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાની ભારતની મહત્વાકાંક્ષા ૧૦૦ બિલિયન ડોલરના રોકાણને આકષત કરશે અને ૬૦૦,૦૦૦ થી વધુ નોકરીઓનું સર્જન કરશે એમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. નવીનીકરણીય ઉર્જામાં ભારતના તાજેતરના વિકાસના આધારે, દેશ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન, ઉપયોગ અને નિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર બનવાનું લક્ષ્ય રાખે છે. આ માટેનો અભિગમ વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરવા અને સમગ્ર મૂલ્ય શૃંખલામાં રોકાણોને જોખમમુક્ત કરવા પર કેન્દ્રિત છે. દેશની બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત વીજ ઉત્પાદન ક્ષમતા પહેલાથી જ ૨૫૦ ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે, જેને સરકાર ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ સુધી વધારવાની યોજના ધરાવે છે. આ ૨૫૦ ગીગાવોટ બિન-અશ્મિભૂત ક્ષમતામાં ૧૨૩.૧૩ ગીગાવોટ સૌર ઊર્જા, ૫૨.૬૮ ગીગાવોટ પવન ઊર્જા, ૫૫.૨૨ ગીગાવોટ જળવિદ્યુત ઊર્જા, ૧૧.૬૦ ગીગાવોટ જૈવઉર્જા અને ૮.૭૮ ગીગાવોટ પરમાણુ ઊર્જાનો સમાવેશ થાય છે.

ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રૂ.1 લાખ કરોડથી વધુનું રોકાણ થશે
'વર્લ્ડ ફૂડ ઇન્ડિયા'ના ચોથા સંસ્કરણમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રૂ.૧ લાખ કરોડથી વધુના રોકાણો આકર્ષાય તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમમાં એફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપનીઓએ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રૂ.૭૫,૦૦૦ કરોડથી વધુના રોકાણ માટે પ્રતિબદ્ધતા દર્શાવતા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. દુનિયા, અને ખાસ કરીને ફૂડ ક્ષેત્રના રોકાણકારો, ભારત તરફ મોટી અપેક્ષાઓ સાથે જોઈ રહ્યા છે. ભારતમાં વિવિધતા, માંગ અને સંયુક્ત તાકાત છે. આ વિવિધતા જ આપણને અલગ પાડે છે. કારણ કે ખાદ્ય ટેવો અને સ્વાદ દર ૧૦૦ મીટરે બદલાય છે, જે વિવિધ ઉત્પાદનોની નવી માંગ બનાવે છે અને ભારતને સ્પર્ધાત્મક ધાર આપે છે. બધી બોટલર્સ કંપનીઓએ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સાથે રૂ. ૨૫,૭૬૦ કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.


