દૂધ ઉત્પાદનમાં વધારો ખેડૂતો માટે લાભદાયી બની રહે તે માટે નીતિવિષયકોએ કમર કસવી રહી
- વિશ્વ બજારમાં સફેદ ક્રાંતિનો લાભ ઊઠાવવામાં ભારત નિષ્ફળ
વર્તમાન નાણાં વર્ષમાં દેશનું દૂધ ઉત્પાદન છ ટકા ઊંચુરહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ચોમાસુ સામાન્ય રહેતા અને કેટલાક વિસ્તારોમાં ધસારાની મોસમ વહેલી બેસી જતા દૂધનું ઉત્પાદન વર્તમાન નાણાં વર્ષમાં ઊંચુ રહેવાનો વરતારો કરાયો છે. કોરોનાની સામાન્ય અસર બાદ, દૂધના વપરાશમાં સ્થિર રિકવરી જોવા મળી રહી છે. આ ઉપરાંત વેક્સિનેશનમાં ઝડપ, આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારો તથા દૂગ્ધપદાર્થોના ઉત્પાદકો તરફથી માગમાં વધારાએ ઘરઆંગણે દૂધ વપરાશને ટેકો પૂરો પાડયો છે. દૂધ ઉત્પાદનમાં વધારા સાથે ડેરી ઉદ્યોગનો પણ વિકાસ દર ઊંચો રહેવા ધારણાં મૂકવામાં આવી છે.
નાણાં વર્ષ ૨૦૨૧માં કોરોનાને કારણે દૂધની સ્થિર ખરીદી અને નીચી માગને કારણે ઉદ્યોગોએ વધારાનું દૂધ સ્કીમ્ડ મિલ્ક પાવડરમાં રૂપાંતર કર્યું હતું. જેને કારણે દૂધ પાવડરની ઈન્વેન્ટરીમાં વધારો થયો છે અને ભાવ દબાણ હેઠળ આવી ગયા હોવાના પણ અહેવાલો છે. વર્તમાન નાણાં વર્ષમાં માગ સુધરવા સાથે પાવડરનું વેચાણ વધવા સંભવ છે. દૂધના માથાદીઠ વપરાશમાં વૃદ્ધિ, શહેરીકરણને પરિણામે આહાર પ્રાધાન્યતામાં ફેરબદલો તથા ડેરી ઉદ્યોગને સરકારી ટેકાથી માગમાં વૃદ્ધિ જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. વિશ્વમાં ભારત દૂધનો મોટો ઉત્પાદક દેશ રહ્યો છે અને પશુપાલકો માટે દૂધ આવકનું મુખ્ય સાધન રહેલું છે.
રીજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ (આરસીઈપી)માં આગળ વધતા પહેલા ભારત સરકાર દ્વારા સ્થાનિક ઉદ્યોગોની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવી છે જે અન્ય ઉદ્યોગો ઉપરાંત ડેરી ઉદ્યોગ માટે મોટી સાંત્વનારૂપ રહી છે. આરસીઈપી ક રાર તેના અગાઉના સ્વરૂપમાં થયા હોત તો ન્યુઝીલેન્ડ તથા ઓસ્ટ્રેલિયા ખાતેથી ભારતમાં દૂગ્ધ પદાર્થોની નદીઓ વહેવાની શરૂ થઈ ગઈ હોત જે દેશના ડેરી ક્ષેત્ર જે ખેડૂતો દ્વારા સહકારી ક્ષેત્ર ધોરણે વિકસાવાયો છે તેને ગંભીર અસર પડવાનો ભય હતો.
નિકાસ મોરચે સ્પર્ધાત્મકતાના અભાવને કારણે વિદેશ વેપાર કરારો મારફત ભારત વિદેશ વેપાર મેળવવામાં અવરોધોનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતને ૨૦૨૪-૨૫ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવું હશે તો અન્ય ઉત્પાદનોની સાથોસાથ દૂગ્ધ પદાર્થોને નિકાસ બજારમાં ટકી શકે તેવા બનાવવા પડશે. આમ થશે તો જ દેશના નાના ખેડૂતોની આવકમાં સ્થિર વધારો કરાવી શકાશે. સફેદ ક્રાંતિને કારણે ભારત આજે વિશ્વમાં દૂધનો મોટો ઉત્પાદક દેશ બની શકયો છે.
દેશમાં ૧.૬૦ કરોડ નાના દૂધ ઉત્પાદકો છે જે દેશભરમાં પથરાયેલી ૧.૮૬ લાખ જેટલી સહકારીઓને દૂધનો પૂરવઠો કરે છે. દૂધના આ વ્યવસાયને કારણે ભારતના લાખો પરિવારોને જીવનનિર્વાહનું માધ્યમ મળી રહે છે. જો કે ભારતના ડેરી ઉદ્યોગનો ૮૦ ટકા હિસ્સો અસંગઠીત રીતે કામ કરે છે. અસગંઠીત રીતે થતા દૂધના વેપારમાં અને બનાવાતા પ્રોડકસની ખાસ ગુણવત્તા જોવા મળતી નથી. નબળ ીગુણવત્તાને કારણે પણ ડેરી પ્રોડકટસની નિકાસમાં ભારતને અપેક્ષિત સફળતા મળતી નથી.
ભારતના ડેરી પ્રોડકટસ, વૈશ્વિક સ્તરે ખાસ કરીને ન્યુઝીલેન્ડ તથા ઓસ્ટ્રેલિયાના ડેરી પ્રોડકટસ સાથે સ્પર્ધા કરી શકે એમ નહીં હોવાને કારણે જ આ આરસીઈપી હેઠળ વેપાર કરાર કરવામાં ન આવે તેવી ડેરી ઉદ્યોગ તરફથી જોરદાર દલીલ કરવામાં આવી હતી. હાલમાં આ દેશો ખાતેથી ડેરી પ્રોડકટસની આયાત ઘણી જ ઓછી છે. ન્યુઝીલેન્ડ તેના ૯૫ ટકા ડેરી પ્રોડકટસની નિકાસ કરે છે. અમેરિકા, યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં દૂધનું જંગી ઉત્પાદન થાય છે અને માગ કરતા પૂરવઠો વધુ રહે છે, ત્યારે આ દેશો પોતાના ડેરી ઉત્પાદનની નિકાસ વધારવા વેપાર કરાર મારફત અન્ય દેશોમાં ડમ્પિંગ કરવાના પ્રયત્નો કરે તે સમજી શકાય એમ છે.
આઝાદી પછીના પ્રથમ એટલે કે ૧૯૫૦ના દાયકામાં ભારત દૂધની અછત ધરાવતો દેશ હતો અને પોતાની દૂધની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરાતી હતી. ૧૯૭૦ના દાયકામાં ભારતે પોતાના દૂધ ઉત્પાદનમાં વધારો કરવા કરેલી ક્રાંતિથી તે આજે દૂધ તથા દૂગ્ધજન્ય પદાર્થોનો મોટો ઉત્પાદક દેશ બની રહ્યો છે. ૨૦૩૩ સુધીમાં વિશ્વમાં ઉત્પાદિત થનારા કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૩૦ ટકા જેટલો હશે. એક અંદાજ પ્રમાણે ૨૦૩૩-૩૪ સુધીમાં દૂધની કુલ માગ ૨૯.૨૦ કરોડ ટન આસપાસ રહેશે જ્યારે પૂરવઠો ૩૩ કરોડ ટન હશે . આવી સ્થિતિમાં ભારતમાંથી ડેરી પ્રોડકટસની નિકાસ વધવી જરૂરી છે.
ડેરી પ્રોડકટસના ઉત્પાદકો માટે કોલ્ડ ચેઈન, ચિલીંગ પ્લાન્ટસ, પ્રોસેસિંગ ફેસિલિટીસ, આર એન્ડ ડી વ્યવસ્થા, લોજિસ્ટિકસ જેવી માળખાકીય સુવિધા પરવડે તેવા ખર્ચે ઉપલબ્ધ બનાવવાથી દેશના ડેરી પ્રોડકટસને વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક બનાવવાના જોરદાર પ્રયાસોની તાતી જરૂર છે જેથી દેશમાં વધારાના દૂધની કિંમત ઉપજાવી શકાય. સહકારી, ખાનગી તથા મલ્ટીનેશનલ ક્ષેત્રના ડેરી પ્રોડયૂસર્સને ઉત્પાદન એકમો ઊભા કરવા પ્રોેત્સાહન પૂરા પાડવા રહ્યા.
દેશના પશુપાલકોને રક્ષણ આપવા ભારતમાં આયાત થતાં વેલ્યુ એડેડ ડેરી પ્રોડકટસ પર જંગી ડયૂટી વસૂલવામાં આવે છે, પરંતુ તેનાથી નિકાસમાં વધારો થતો નથી. કોરોનાના કાળમાં દેશમાં ઉત્પાદિત થતા દૂધનો ઈમ્યુનિટિ વધારતા ડેરી પ્રોડકટસના ઉત્પાદન કરવા પ્રોસેસિંગ એકંમોને વિકલ્પ મળ્યો છે. આ વિકલ્પમાં સફળ થવા ડેરી ક્ષેત્રના વિવિધ ઘટકોની કાર્યક્ષમતામાં વધારો કરવો જરૂરી છે, જેથી કરીને ખેડૂતોને તેમની આવક બમણી નહીં તો તેમાં સન્માનજનક વૃદ્ધિ કરવામાં સફળતા મળી શકે અને દેશમાં વધારાના દૂધનો લાભદાયી નિકાલ લાવી શકાશે.