2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો પ્લાન
- એક મહેલ હો સપનોં કા...
- આગામી ૨૫ વર્ષે જ્યારે ભારત આઝાદીનું ૧૦૦મું વર્ષ ઉજવશે ત્યારનું સપનું, કશું અશક્ય નથી પણ પાયો મજબૂત કરવાની જરૂર
- આર્થિક નિષ્ણાતો કહે છે કે ભારતનું અર્થતંત્ર ૨૦૫૦ માં વિશ્વમાં અમેરિકા અને ચીન પછી ત્રીજા નંબરે આવી શકે છે. ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તેની કોઇને ખબર નથી પણ સપનાં જોવાનો સૌને અધિકાર છે
- વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત છે પરંતુ તે વિકસિત દેશોની યાદીમાં નથી. હવે ભારત તે દિશામાં વિચારી રહ્યું છે. વિશ્વબેંકે ભારતને લોઅર મિડલ ક્લાસમાં મૂક્યું છે
આગામી ૨૫ વર્ષ એટલેકે જ્યારે ભારત ૧૦૦મા સ્વતંત્ર દિનની ઉજવણી કરતું હશે ત્યારે વિકસિત દેશોની હરોળમાં ઉભા રહેવાના સપનાનું બિયારણ ગઇ ૧૫ ઓગષ્ટે વડાપ્રધાન મોદીએ રોપ્યું છે. આ સપનાની આગળ પાંચ ટ્રિલીયન ડોલરનું સપનું સાવ નાનું લાગે છે. આર્થિક ક્ષેત્રે ભારત હરણફાળ ભરી રહ્યું છે અને વિશ્વના રોકાણકારોની નજર ભારત પર ઠરી હોય એમ લાગે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત છે પરંતુ તે વિકસિત દેશોની યાદીમાં નથી. હવે ભારત તે દિશામાં વિચારી રહ્યું છે. વિકસિત દેશ એટલે ઉદ્યોગોને વરેલું રાષ્ટ્ર. ઉંચી ગુણવત્તાવાળું જીવન, વિકસેલી આર્થિક સ્થિતિ, ટેકનોલોજી સાથે સંકળાયેલું ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર જેવા મુદ્દાનો સમાવેશ થાય છે. પરંતુ સાથે સાથે દેશનો જીડીપી (ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ) તેમજ માથા દીઠ આવક વગેરેને ગણત્રીમાં લેવાય છે.
ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર એવું હોવું જોઇએ કે જેથી લોકોનું જીવન આરામ દાયક રીતે પસાર થઇ શકે. હ્યુમન ડેવલોપમેન્ટ ઇન્ડેક્સ પણ ધ્યાનમાં લેવાય છે. અહીં ઉલ્લેખનીય છે કે જી-૭ દેશો (કેનેડા,ફ્રાન્સ,જર્મની, ઇટલી,જાપાન, યુકે , અમેરિકા) વિકસિત દેશો હોવા છતાં હ્યુમન ડેવલોપમેન્ટ ઇન્ડેક્સમાં નબળા છે જ્યારે સ્વિત્ઝર્લેન્ડ આ ઇન્ડેક્સમાં ટોપ પર છે. આગામી ૨૫ વર્ષમાં જો ભારતે વિકસિત દેશોની પંગતમાં બેસવું હશે તો ૧૨.૪ ટકાના જીડીપી સાથે સતત આગળ વધવું પડશે. ૨૦૨૧ના આંકડા અનુસાર ભારતમાં ૪૩ ટકા લોકો ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. જ્યારે વિકસિત દેશોેમાં તે ટકાવારી ૮૬ ટકાની છે.
પાંચ ટ્રીલિયન ડોલરની ઇકોનોમીની દિશા તો ભારતનું અર્થતંત્ર સર કરી લેશે પરંતુ વિકસિત દેશોની હરોળમાં ભારતને ઉભું રાખવાની દિશામાં આગળ વધવું લોઢાના ચણા ચાવવા જેવું છે. તેમ છતાં મોટા સપનાં જોવામાં પણ કંઇ ખોટું નથી. પાંચ ટ્રિલીયન ડોલરની ઇકોનોમી સુધી પહોંચવાની વાત પણ શરૂઆતમાં અશક્ય લાગતી હતી. ભારત આર્થિક ક્ષેત્રે ગુલામીની દશામાંથી બહાર આવી રહ્યું છે. ભારતના અનાજના ભંડારો અન્ય ગરીબ દેશોને કામ લાગી રહ્યા છે. ભારતના પાડોશી એવા શ્રીલંકા અને પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે ત્યારે ભારત આર્થિક રીતે મજબૂત બની રહ્યું છે. વિશ્વની મહાસત્તાઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટવા તત્પર હોય છેે ત્યારે આર્થિક ક્ષેત્રે જમ્પ મારવા અને વિકસિત દેશોની હરોળમાં આવવાનું સપનું જુવે તે સ્વભાવિક છે.વિકસિત દેશોની હરોળમાં બેસવા માટે ભારતે કેટલીક કડવી વાતોને સમજવાની જરૂર છે.
આગામી ૨૫ વર્ષમાં ભારતને ક્યાં પહોંચવાનું છે તે દિશા નક્કી કરાઇ છે તે પ્રશંસનીય છે પરંતુ વિકસિત દેશ બનવું બહુ આસાન નથી. આર્થિક ક્ષેત્રે સ્કાય ઇઝ ધ લિમીટ જેવું છે. ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમીક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ કન્ટ્રી (OECD)ની માથા દીઠ આવકને વર્તમાન ભારતની માથા દીઠ આવક સાથે સરખાવાય તો ભારત ઘણું પાછળ છે. વિકસિત દેશ બનવાનું સાવ અશક્ય પણ નથી પરંતુ આર્થિક ઉપરાંત અન્ય કેટલાક મહત્વના મુદ્દે ભારતે આમૂલ પરિવર્તન લાવવું પડશે.
જેમકે બાળ મરણના આંકના મુદ્દા પર નજર કરીયે તો ૨૦૨૧માં ૧૦૦૦ બાળકે અંદાજે ૨૭ બાળકો વિવિધ કારણોસર મોતને ભેટે છે. આ સંખ્યા ૧૯૯૬માં ૧૦૦૦ બાળકે ૭૬ની હતી. વર્તમાન વિકસિત દેશોમાં આ સંખ્યા ૧૦૦૦ બાળકે ૬ની છે. ભારતે આગામી ૨૫ વર્ષમાં આ મુદ્દે પગલાં લઇને ૧૦૦૦ બાળકે ૧૦ના મૃત્યુ સુધીનો આંક લઇ જવો પડશે. એવીજ રીતે દેશના લોકોનું આયુષ્ય પણ મહત્વનો મુદ્દો છે. છેલ્લા ૨૫ વર્ષ પર નજર કરીયે તો ભારતના લોકોનું આયુષ્ય વિકસિત દેશોના લોકોની હરોળમાં આવી ગયું છે. ૧૯૯૫થી ૨૦૨૦ દરમ્યાન ભારતમાં સ્ત્રી અને પુરૂષ એમ બંનેના આયુષ્યમાં સરેરાશ નવ વર્ષ જેટલો વધારો થયો છે વડાપ્રધાન મોદીએ બહુ વિશાળ સપનું લોકો સમક્ષ મુક્યું છે. ૨૫ વર્ષ પછીનું ભારત ટેકનોલોજીને વરેલું હશે અને ઉદ્યોગ ક્ષેત્રે ભારત ચીનને ટક્કર મારીને આગળ વધી ગયું હશે. વડાપ્રધાને મહિલાઓને મહત્વ આપવા પર ભાર મુક્યો છે. મજૂરીના કામ પર જતી મહિલાઓની સંખ્યામાં બહુ ઓછો ઘટાડો નોંધાયો છે. મહિલાઓમાં છુપાયેલી બુધ્ધિશક્તિનો ઉપયોગ કરવા માટે પણ આગ્રહ કરાયો છે.
જોકે ભારત માટે સાવ નિરાશાજનક ચિત્ર નથી. તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારાઓમાં ૪૦ ટકા મહિલાઓ હતી. પરંતુ સરખામણી કરવા જઇએ તો ૨૦૦૨માં આ ટકાવારી ૪૬.૪ ટકા હતી. તેમ છતાં ૪૦ ટકા ઉપરની એવરેજ ભારત માટે આશાનું કિરણ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ, વર્લ્ડબેંક,વર્લ્ડટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ઇકોનોમી ફોરમે વિકસિત અને વિકાસશીલ દેશોની ઓળખ માટે કેટલાક માપદંડો નક્કી કર્યા છે. જેમકે લો, લોઅર મિડલ ક્લાસ, અપર મિડલ અને હાઇ ઇન્કમ કન્ટ્રી જેવા સ્લેબ તૈયાર કરેલા છે. લો અને લોઅર મિડલ ઇન્કમ દેશોને વિકાસશીલ દેશોે કહે છે. હાઇ ઇન્કમ ઇકોનોમીને વિકસિત દેશોની યાદીમાં મુકાય છે. વિકસિત દેશોમાં ગરીબી ઓછી જોવા મળે છે, ત્યાં જીવન ધોરણ ઓછું હોય છે, બેરોજગારીનો દર ઓછો હોય છે, હ્યુમન ડેવલોપમેન્ટ ઇન્ડેક્સ પણ હૂંફાળો હોય છે. વિશ્વબેંકે ભારતને લોઅર મિડલ ક્લાસમાં મુક્યું છે.
આર્થિક નિષ્ણાતો કહે છે કે ભારતનું અર્થતંત્ર ૨૦૫૦ માં વિશ્વમાં અમેરિકા અને ચીન પછી ત્રીજા નંબરે આવી શકે છે. ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તેની કોઇને ખબર નથી પણ સપનાં જોવાનો સૌને અધિકાર છે. જ્યારે આપણે નેશન ફર્સ્ટને પ્રાધાન્ય આપતા હોઇએ ત્યારે દેશને વિકસિત દેશોની હરોળમાં મુકવાની વાતને પણ આવકારવાની જરૂર છે.