- મહારાષ્ટ્રમાં કાંદા ઉત્પાદક ખેડૂતોએ સબસીડીની માગ કરી
દેશમાં કાંદા- ડુંગળી બજારમાં સમીકરણો ઓચીંતા પલ્ટાતા જોવા મળ્યા છે. ઈઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલાઓ શરૂ કરાતાં તથા ઈરાન દ્વારા વળતા હુમલાઓ શરૂ કરાતાં વૈશ્વિક સ્તરે અજંપાના માહોલમાં દેશમાંથી થતી કાંદાની નિકાસને ફટકો પડયો છે. વૈશ્વિક સ્તરે યુધ્ધના માહોલમાં જહાજી માર્ગો રુંધાયા છે. ક્રૂડતેલના ભાવ ઉછળતાં જહાજીભાડાઓ પણ વધી ગયા છે. હકીકતમાં રમઝાન દરમિયાન કાંદાની માગમાં આશરે ૨૫થી ૩૦ ટકાની વૃધ્ધિ થતી હોય છે પરંતુ આ વખતે યુધ્ધની અસર આવી માગ પર પડી છે. ભારતથી કાંદાની જે કુલ નિકાસ થાય છે એ પૈકી આશરે ૧૫થી ૨૦ ટકા કાંદાની નિકાસ વેસ્ટ એશિયાના દેશો તરફ થાય છે. મધ્ય- પૂર્વના ગલ્ફના દેશોમાં તથા યુનાઈટેડ આરબ અમિરાતના દેશોમાં યુધ્ધથી અશાંતિ વધી છે તથા ભારતના ઓનિયન એક્સપોર્ટરોમાં અજંપો વધ્યો છે.
યુધ્ધ પૂર્વે પણ ભારતના કાંદામાં દરીયાપારની માગ અપેક્ષાથી ઓછી રહી હતી અને હવે યુધ્ધના કારણે આવી માગ પર વધુ અસર પડતી જોવા મળી છે. દેશમાંથી કાંદાની નિકાસ ૨૦૨૨-૨૩માં વધી ૨૫ લાખ ૨૦ હજાર ટન થઈ હતી જે રેકોર્ડ ગણાય છે અને ત્યાર પછીના વર્ષોમાં આવી નિકાસમાં પીછેહટ જોવા મળી હતી. ૨૦૨૪-૨૫ના વર્ષમાં આવી નિકાસ ઘટી ૧૧ લાખ ૫૦ હજાર ટનના મથાળે ઉતરી ગઈ હતી એવું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ૨૦૨૫- ૨૬ના વર્તમાન નાણાં વર્ષમાં આવી નિકાસ એપ્રિલથી ડિસેમ્બરના નવ મહિનાના ગાળામાં આશરે ૧૧ લાખ ૩૦ હજાર ટન નોંધાઈ છે. આ ગાળામાં ભારતના કાંદામાં બંગલાદેશની માગમાં ખાસ્સી પીછેહટ જોવા મળી હતી. તાજેતરમાં યુધ્ધ શરૂ થયું એ પૂર્વના ગાળામાં ભારતના કાંદા માટે નિકાસ બજારમાં ભાવની ખરીદી અનુકુળ બની હતી તથા ભારતના કાંદા માટેના દરીયાપારથી પુછપરછ વધી હતી. જોકે ત્યારબાદ યુધ્ધ શરૂ થતાં નિકાસમાગનો આશાવાદ ઘટયો છે તથા દરીયાપાર જતા શિપમેન્ટનો પણ ફટકો પડયો છે. ઈરાનના દરીયા માર્ગમાં આવતી કેનલ સ્ટ્રેઈટ ઓફ હોર્મેઝનો માગ બંધ થતા તેની અસર પણ નિકાસ માટેના માલોની હેરફેર પર પડી છે. ઘરઆંગણે કાંદાના ભાવ જથ્થાબંધ બજારમાં ભાવ ઉત્પાદન ખર્ચ કરતા પણ નીચા જતા રહ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. કાંદા ઉગાડતા ખેડૂતોને ફટકો પડયો છે. ખેડૂતોમાં નારાજગી પણ વધી છે. દરમિયાન, દુબઈ તથા વેસ્ટ એશિયાના વિવિધ દેશોમાં દરીયાપારથી આવતી સપ્લાય રુંધાતાં આ દેશોમાં કાંદાના ભાવ ઝડપથી ઉછળતા જોવા મળ્યા હતા. ત્યાં ભાવ ત્રણથી ચાર ગણા વધી ગયાના વાવડ હતા. નવી મુંબઈ બંદરે કાંદાના આશરે દોઢસો કન્ટેઈનરો જે ગલ્ફના દેશોમાં રવાના કરવામાં આવનાર હતા તે માલો નવી મુંબઈ બંદરે જ અટવાઈ ગયા હોવાનું નિકાસકારોએ જણાવ્યું હતું. આ કાંદા નાસિક તથા તેની આજુબાજુના ઉત્પાદક વિસ્તારોમાંથી નવી મુંબઈ બંદરે આવ્યા હતા અને યુધ્ધના પગલે નિકાસ અટકી પડતાં આ જંગી જથ્થો નવી મુંબઈ બંદરે અટવાઈ ગયો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. આ દરેક કન્ટેઈનર્સમાં આશરે ૨૯થી ૩૦ ટન કાંદાનો જથ્થો હોતાં આશરે ૪૫૦૦ ટન માલ બંદરે અટવાયો છે. યુરોપ તરફ પણ જતી કાંદાની નિકાસ રુંધાઈ છે. કન્ટેઈનરોમાં પડેલા કાંદા સડી જવાની ભીતી પણ બજારના સૂત્રો બતાવી રહ્યા હતા. આવા માહોલમાં મહારાષ્ટ્ર સરકારે કિવ. દીઠ રૂ.૧૫૦૦ની સબસીડી આપવી જોઈએ તથા બંદરોએ પોર્ટ ચાર્જિસ તથા ડેમરેજ ચાર્જિસમાંથી આવા જથ્થાને રાહત આપવી જોઈએ એવી માગણી પણ શરૂ થઈ છે. દરમિયાન, યુધ્ધ પૂર્વે એવા સમાચાર આવ્યા હતા કે ભારતના કાંદામાં બંગલાદેશ તથા સાઉથ અરેબિયાની માગ ધીમી પડી હતી. આ ઉપરાંત પાકિસ્તાની રૂપીયો નોંધપાત્ર નબળો પડતાં વિશ્વબજારમાં પાકિસ્તાનના કાંદા નિકાસકારો માટે એડવાન્ટેજની સ્થિતિ સર્જાઈ હતી. સાઉદી અરેબીયા તથા બંગલાદેશમાં સ્થાનિકમાં કાંદાનું ઉત્પાદન વધતાં આ દેશોની માગ વિશ્વબજારમાં ઘટી હોવાનું પણ બજારમાં ચર્ચાઈ રહ્યું છે.


