Get The App

તેલીબિયાંનું ઉત્પાદન વધ્યું જો કે મંઝિલ હજુ દૂર

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
તેલીબિયાંનું ઉત્પાદન વધ્યું જો કે મંઝિલ હજુ દૂર 1 - image

- સપ્લાય વધારવા તથા ખેડૂતોના હિતમાં કોમોડીટી વાયદા ફરી શરૂ કરવા ચર્ચા

ગુજરાતમાં 100 વર્ષ પહેલા તલનું તેલ જ ખવાતુ હતું, બાદમાં તલની ખેંચ ઉભી થઇ એટલે મગફળીનું તેલ અને હવે સૌ સનફ્લાવર તરફ વળી રહ્યા છે. આવી જ સ્થિતી અન્ય રાજ્યોની પણ છે. જ્યાં અગાઉ માત્ર સોયાબીન કે સરસવનું તેલ ખવાતુ હતું ત્યા આજે પામતેલનો પણ ઉપયોગ શરૂ થઇ ગયો છે. દેશની વધતી વસ્તી સામે ખાદ્યતેલીબિયાંનું ઉત્પાદન ઘટયું એટલે હાલમાં આપણે દેશના કુલ વપરાશના ૬૦ ટકા જેટલા ખાદ્યતેલ આયાત કરીઐ છીએ. હવે સરકારે આયાત બિલ ઘટાડવા માટે અને આત્મનિર્ભર થવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યુ છે. તેથી ૨૦૨૩-૨૪ માં ૩૦૧.૯૨ લાખ હેક્ટરમાં તેલિબીયાનું વાવેતર થયું જે ૨૦૨૪-૨૫ માં  વધીને ૩૦૪.૪૦ લાખ હેક્ટર થયુ.  કેન્દ્રિય કૃષિ વિભાગનાં આંકડા જોઇએ તો તેલિબીયાનું ઉ્પાદન ૩૯૬.૬૯ લાખ ટનથી વધીને ૪૨૯.૮૯ લાખ ટન થયું છે. જો કે મંઝિલ હજુ દૂર છે. 

ઉત્પાદનનાં વધારાની સાથે ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળવા જરૂરી છે. સરકાર ટેકાનાં ભાવે ખરીદવાની ખાતરી સિવાય બીજો કોઇ ઉપાય શોધી શકી નથી. વળી સરકારી ખરીદી બાદ ભાવ નીચા જાય તો સરકારને નુકસાન ભોગવવવું પડે છે. જેનો બોજ અંતે તો પ્રજાના માથે જ આવે છે. આ સમસ્યાના હલ માટે સરકારે આ જવાબદારી બજારનાં સહભાગીઓ ઉપર છોડવી જોઇએ. કોમોડિટીના વાયદા આ સમસ્યાનો શ્રે ઉકેલ બની શકે છે. સરકારે ફ્યુચર્સ અને ઓપ્શન્સ ફરી શરૂ કરીને ખેડૂતો અને મિલરો સૌને તેમનો નફો નક્કી કરવા અને જોખમ પ્રબંધનનો નિર્ણય કરવાની સુવિધા આપવી જોઇએ.  એવી ગણતરી બજારના તજજ્ઞાો બતાવી રહ્યા છે.

સરસવનું ઉદાહરણ જોઇએ તો ડિસેમ્બર- ૨૦૨૧ માં સરસવનાં ફ્યુચર્સ અને ઓપશન્સ ઉપર નિયંત્રણો આવ્યા બાદ પણ ઘણા સમય સુધી તેના ભાવ વધતા હતા. એકસમયે ભાવ ૮૮૦૦ રૂપિયા થયા હતા. હાલમાં દર વર્ષે નિયંત્રણોની મુદત લંબાવાય છે. ૨૦૨૨-૨૩ માં સરસવના ટેકાનાં ભાવ ૫૦૫૦ રૂપિયા હતા જે ૨૦૨૬-૨૭ ની સિઝન માટે વધારીને ૬૨૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે. પરતુ ઉત્પાદનની સરખામણીઐ સરકારી ખરીદી બહુ ઓછી હોય છે. તેથી ખેડૂતો નારાજ થાય છે. તેથી સરકારને ભાવ વધારા, ખેડૂતોની ખુશી અને ઉત્પાદન વધારીને આત્મનિર્ભર થવાના લક્ષ્યાંક એમ ત્રણેય વચ્ચે સંતુલન સાધવાનું છે.   

હાલમાં સરસવના હાજર બજાર ભાવ ૭૩૦૦ રૂપિયા છે, આગામી સિઝનમાં સરસવનું ઉત્પાદન ૧૧૫ લાખ ટન થી ૧૨૦ લાખ ટન રહેશે. સરસવના વાયદા બંધ હોવા છતાં ભાવ ટેકાના ભાવથી ૧૦૦૦ રૂપિયા ઉપર છે.  મતલબ કે વાયદા હોય તો જ ભાવ વધે છે એવું ક્યાંય સાબિત થતું નથી. આ બાબતે છેલ્લા બે દાયકામાં કરાયેલા સર્વેક્ષણોમાં એવું જ સાબિત થયું છે કે વાયદાથી ભાવ વધતા હોવાનું સાબિત થતું નથી. 

ખાદ્યતેલ ઇન્ડસ્ટ્રીનાં વિવિધ સંગઠનોએ પણ વેપારીઓ અને મિલરોના હિતમાં વાયદા ફરી શરૂ કરવાની ભલામણ કરી છે. નાબાર્ડ ખેડુતોને જોખમ પ્રબંધન અને પોષણક્ષમ ભાવ અપાવવામાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ ઉપયોગી હોવાનું માને છે. તેથી જ અગાઉ સરસવના ઓપ્શન્સમાં આશરે ૧૯૦૦ જેટલા એફ.પી.ઓ.ને રાહત અપાઇ હતી. હવે ખેડુત સંગઠનો પણ વાયદા શરૂ કરવાની માગણી કરે છે. કારણ કે ખેડૂતોને પુટ ઓપ્શન મારફતે ન્યુનતમ નફો બુક કરવાની રણનીતિાં ફાવટ આવતી જાય છે.   જેના કારણે સરકાર ઉપર પણ ટેકાના ભાવે સરસવ ખરીદવાનો બોજ ઘટી શકે છે.૨૦૨૫-૨૬ માં ભારતમાં ખાદ્યતેલોનું ઉત્પાદન ૧૧૦ થી ૧૧૫ લાખ ટન જ્યારે સ્થાનિક માંગ  ૨૬૫ લાખ ટન રહેશે.