હવે ઓટીપી વગર ઓનલાઈન પેમેન્ટ થશે
ભારતના બેંકિંગ ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચાયો છે. ફેડરલ બેંકે દેશમાં પહેલીવાર ઈ-કોમર્સ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સુવિધા શરૂ કરી છે. આ નવી ટેકનોલોજી દ્વારા, ગ્રાહકો હવે વન-ટાઇમ પાસવર્ડ (OTP) ની જરૂર વગર ફક્ત તેમના ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડીનો ઉપયોગ કરીને ઓનલાઈન શોપિંગ માટે ચૂકવણી કરી શકે છે. આ સુવિધા વ્યવહારોને ઝડપી અને સરળ બનાવવા સાથે સુરક્ષા પણ વધારે છે. ફેડરલ બેંકે ફિનટેક કંપનીઓ સાથે મળીને આ ફિચર રજૂ કર્યું છે. બેંકે દાવો કર્યો છે કે આ ટેકનોલોજી રિઝર્વ બેંકના ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન નિયમોનું સંપૂર્ણપણે પાલન કરે છે અને વપરાશકર્તાઓ માટે ચૂકવણી કરવાનું સરળ બનાવે છે. પરંપરાગત રીતે, ઓનલાઈન પેમેન્ટ માટે, વપરાશકર્તાઓને OTP નો ઉપયોગ કરવો પડતો હતો, જે તેમના મોબાઈલ પર SMS દ્વારા આવતો હતો. જો કે, OTP પ્રક્રિયા ઘણીવાર વિલંબિત થતી હતી અથવા તકનીકી સમસ્યાઓને કારણે તે વપરાશકર્તાઓ સુધી પહોંચી શકતી ન હતી. આ કારણે, ઘણી વખત એવું બનતું હતું કે વપરાશકર્તાઓ ચુકવણી કરી શકતા નથી. આ નવી પ્રક્રિયા એટલી ઝડપી છે કે ચુકવણીમાં ફક્ત ૩ થી ૪ સેકન્ડનો સમય લાગે છે.
ઓટો કંપનીઓ મુઝવણમાં મુકાઈ ગઈ
ભારે ઉદ્યોગ મંત્રાલયે, તેની વાહન પરીક્ષણ એજન્સીઓ દ્વારા, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઉત્પાદકોને તેમની પાસે પૂરતા પ્રમાણમાં રેર અર્થ મેગ્નેટ છે તેમ ઔપચારિક રીતે જાહેર કરવા જણાવ્યું છે. મંત્રાલયના આ પગલાથી ઘણી ઓટો કંપનીઓ મુઝવણમાં મુકાઈ ગઈ છે કારણ કે તેઓ ૪ એપ્રિલે ચીને રેર અર્થ મેગ્નેટની નિકાસ પર પ્રતિબંધો લાદ્યા બાદ સરકાર તરફથી કામચલાઉ રાહતની અપેક્ષા રાખતા હતા, પરંતુ હવે તેમને કડક પાલનનો સામનો કરવો પડશે. ઓટો ઉદ્યોગે વારંવાર ચેતવણી આપી છે કે વર્તમાન સપ્લાય ચેઇન મર્યાદાઓને કારણે ચોક્કસ ઓટો ઘટકોનું સ્થાનિક ઉત્પાદન અશક્ય બની ગયું છે. નોટિફિકેશન અનુસાર, સબસિડીનો દાવો કરતા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઉત્પાદકો માટે તબક્કાવાર ઉત્પાદન શેડયૂલ તૈયાર કરવામાં આવ્યું છે.