Sexflix બનવાની લ્હાયમાં Netflix ડૂબ્યું...
- નેટફ્લિક્સના શેરના ભાવમાં 30 ટકાનો કડાકો... નેટફ્લિક્સની માર્કેટ વેલ્યુને 54 અબજ ડોલરનો ફટકો પડયો છે
- વુમન ઇન ધ હાઉસ થી માંડીને ગર્લ ઇન ધ વિન્ડોમાં સેક્સ સીન એેટલા લાંબા હતા કે ખુદ હિરોઇન ક્રિષ્ટીન બેલેએ દર્શકોની માફી માંગી હતી. સેમી પોર્ન ફિલ્મો ફેેમિલી સાથે બેસીને જોઇ શકાય એમ નહોતી
- વોલસ્ટ્રીટના ડાર્લિગ શેરની યાદીમાં આવતા નેટફ્લિક્સના શેર્સ હવે તૂટવાની દિશામાં પહોંચી ગયા છે. જેને સ્ટ્રીમીંગ જાયન્ટની ઉપમા આપવામાં આવી હતી તેના બે લાખ જેટલા પેઇડ સબસ્ક્રાઇબરોએ મોં ફેરવી લીધું છે
ભારતમાં નેટફ્લિક્સની ઓવરઓલ ઇમેજ સેકસી ફિલ્મો અને સેકસી ડાયલોગ સાથે સંકળાયેલી છે. નેટફ્લિક્સ તરફ વળેલા મોટા ભાગના લોકો બોલીવુડની કોપીકેટ સમાન ચોકલેટી ફિલ્મેાથી કંટાળીને સેકસી ફિલ્મો બતાવતા નેટ ફ્લિક્સ તરફ વળ્યા હતા. સામે છેડે નેટ ફ્લિક્સ પણ સેકસી ફિલ્મો પર મદાર રાખીને સેક્સ ફ્લિક્સ બની ગયું હતું. આમ સેક્સફ્લિક્સ બની ગયેલું નેટફ્લિક્સ અંતે તો પોતાના ચક્રવ્યૂહમાંજ ફસાઇ ગયું છે. આજે નેટફ્લિક્સના વળતા પાણી જોવા મળે છે. જેના સબસ્ક્રાઇબર થવા યુવા વર્ગ તલપાપડ દેખાતો હતો તે હવે તેનું સબસ્ક્રિપશન રીન્યુ કરાવવા તૈયાર નથી તે દેખાઇ આવે છે.
નેટફ્લિક્સના વળતા પાણીની અસર તેના ઘટતા સબસ્ક્રિપ્શન પરથી ખબર પડી છે એમ તેની સીધી અસર તેના શેર્સ પર પડી હતી. ગયા ગુરૂવારે જ્યારે નેટફિલકસના શેર્સના ભાવમાં ૩૦ ટકાનો કડાકો બોલાયો ત્યારે તે ફ્રન્ટ પેજ ન્યૂઝ બની ગયા હતા. ગ્રાહકોનો બેઝ તૂટતાં નેટફ્લિક્સની માર્કેટ વેલ્યૂને ૫૪ અબજ ડોલરનો ફટકો પડયો છે.
વોલસ્ટ્રીટના ડાર્લિગ શેરની યાદીમાં આવતા નેટફ્લિક્સના શેર્સ હવે તૂટવાની દિશામાં પહોંચી ગયા છે.
જેને સ્ટ્રીમીંગ જાયન્ટની ઉપમા આપવમાં આવી હતી તેના બે લાખ જેટલા પેઇડ સબસ્ક્રાઇબરોએ મોં ફેરવી લીધું છે. ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બેલાખ સબ સ્ક્રાઇબરોનો ફટકો એ તેના છેલ્લા દાયકાનો સૌથી મોટો ફટકો છે એમ કહી શકાય. ઓટીટી (ઓવર ધ ટોપ) પર સબસ્ક્રિપશન માટે ખેંચાખેંચ ચાલી રહી છે. રશિયામાં લાંબા સમયથી નેટ ફ્લિક્સ બંઘ હોઇ ત્યાં પણ સબસ્ક્રાઇબરોની સંખ્યા ઘટી છે.
નેટફિલ્કસના તૂટેલા શેર્સની ટીકા વિશ્વના અબજો પતિ ઇલોન મસ્કે પણ કરી હતી. સોશ્યલ નેટવર્કીંગ પ્લેટફોર્મ ટ્વિટર ખરીદવા ૪૩ અબજ ડોલરની ઓફર કરનાર ઇલોન મસ્કે કહ્યું હતું કે જે પરિવર્તન નથી સ્વિકારતા તેમની દશા નેટફ્લિક્સ જેવી થાય છે.
લોકો માટે છેલ્લા એક દાયકામાં પ્રથમવાર નેટફ્લિક્સને પડેલો ગ્રાહકોની ઘટતી સંખ્યાના નામનો ફટકો ભારે પડશે એમ લાગી રહ્યું છે. કહે છે કે મોંઘવારીની અસર સબસ્ક્રીપશન પર પડી છે. પરંતુ જ્યાં શોખનો અને સેકસી મનોરંજનનો વિષય હોય ત્યાં ભાગ્યેજ મોંઘવારી નડતી હોય છે. એટલે કંપનીએ મોંઘવારીનું બહાનું કાઢ્યું છે તે અસ્થાને લાગે છે.
રશિયાના યુક્રેન પર હુમલા પછી સર્વિસ સસ્પેન્ડ કરવાના કારણે નવ લાખ સબસ્ક્રાઇબરોની લોસ પણ ઘણી મોટી કહી શકાય. કહે છે કે લોકોને ઓટીટી પ્લેટફોર્મ પર આવતી ફિલ્મો જોવામાં રસ ઓછો થઇ રહ્યો છે. કોરોના કાળ દરમ્યાન નેટફ્લિક્સની ડિમાન્ડ હતી પરંતુ કોરોના કાળ પુરો થયા બાદ લોકો પાસે મનોરંજનના વિકલ્પો વઘ્યા હતા.
રશિયામાં લાંબા સમયથી નેટફ્લિક્સ બંઘ હોઇ ત્યાં પણ સબસ્ક્રાઇબરોની સંખ્યા ઘટી છે. કંપનીએ તેના શેર હોલ્ડરોને કહ્યું છે કે આપણે ૨૫ લાખ જેટલા નવા સબસ્ક્રાઇબરો વધારવા જઇ રહ્યા છે. જોકે તે આંકડો ગયા વર્ષે ચાર મિલીયન (૪૦ લાખ)નો હતો.
નેટફ્લિક્સનો પ્રેાગ્રેસ દરેકની નજર સામે થયો છે. ૧૯૯૭માં રીડ હેસ્ટીંગ અને માર્ક રેન્ડોલ્ફે ડીવીડી મેલ પર મોકલવાનો આઇડયા શરૂ કર્યો હતો. આ ડિવીડી નુકશાન વગર પાછી આવતાં ઓટીટીને પણ સફળતા મળી હતી. આ આઇડયા સફળ જતાં તેમાંથી નેટ ફિલકસનો જન્મ થયો હતો. આજે તેના ૨૨૨ મિલીયન પેઇડ ગ્રાહકો છે. તેના લેટેસ્ટ સિઝન મની હેઇસ્ટ અને સ્કિવ્ડ ગેમ લાખો લોકોએ જોઇ હતી.
૨૦૦૨માં નેટફ્લિક્સનો આઇપીઓ આવ્યો હતો. સ્ટ્રીમીંગ ટેકનોલોજીમાં ફાવટ આવી ગયા બાદ Xbox 360, Blu-ray players and TV set-top boxes પર પણ સ્ટ્રીમીંગ શરૂ કરાયું હતું. ૨૦૧૦માં તે કેનેડામાં અને ૨૦૧૧માં લેટીન અમેરિકામાં પહોચ્યું હતું.
નેટફ્લિક્સને તેની પાસવર્ડ સિસ્ટમ મોંધી પડી હતી. તેના જાહેરખબરો માટેની પોલીસી પણ નડી ગઇ હતી. જોકે સેકસના સીનનો અતિરેક પણ નડી ગયો છે. વુમન ઇન ધ હાઉસ થી માંડીને ગર્લ ઇન ઘ વિન્ડોમાં સેક્સ સીન એેટલા લાંબા હતા કે ખુદ હિરોઇન ક્રિષ્ટીન બેલેએ દર્શકોની માફી માંગી હતી. સેમી પોર્ન ફિલ્મો ફેેમિલી સાથે બેસીને જોઇ શકાય એમ નહોતી.
નેટ ફ્લિક્સ એમ માનતું હતું કે લોકો સેક્સ સાથેની ફિલ્મો પસંદ કરે છે પરંતુ તેની માન્યતા ખોટી ઠરી હતી.
જ્યારે કોઇ ફેમિલી નેટ ફ્લિક્સ પર ફિલ્મ જુવે છે ત્યારે તે મૂંઝવણમાં મુકાઇ જાય છે. નેટફ્લિક્સના સબસ્ક્રાઇબર્સ તૂટવા પાછળ તેમાં વધુ પડતા સેક્સ સીન પણ જવાબદાર હોવાનું મનાય છે. ખરેખર નેટ ફ્લિક્સમાંથી સેક્સ ફ્લિક્સ બની જવાનું મોંઘું સાબિત થયું છે.