પ્રાકૃતિક ખેતી જ કૃષિ ઉપજ વધારવાની સાચી દિશા
- એન્ટેના - વિવેક મહેતા
- વિવિધ કઠોળનું ઉત્પાદન વધારી કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાનો કેન્દ્ર સરકારનો નિર્ધાર
દેશના અર્થતંત્રના વિકાસ માટેનું પહેલું એન્જિન કોઈ હોય તો તે કૃષિ ક્ષેત્ર છે. તેથી જ ૨૦૨૫-૨૬ના બજેટમાં પ્રધાનમંત્રી ધનધાન્ય યોજના દાખલ કરી છે. ધનધાન્ય યોજના હેઠળ કઠોળના ઉત્પાદન પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. તેમ જ ખેતી ઉપજ વધારે આપતા બિયારણ વિકસાવવા પર, શાકભાજી અને કપાસનો સારો પાક લેવા પર ફોકસ કરવામાં આવશે. ધનધાન્ય કૃષિ યોજના હેઠળ ઓછી કૃષિ ઉપજ આપતા દેશના ૧૦૦ જિલ્લાઓમાં દેશના અન્ય જિલ્લાઓની તુલનાએ ઓછું ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવતું હોવાનું જોવા મળ્યું છે. હેવે તેમને ધિરાણ વધારે સરળતાથી મળે તેના પર ફોકસ કરવામાં આવશે. અંદાજે ૧.૭ કરોડ ખેડૂતોને લાભ આપતી યોજનાનો અમલ થતાં આ જિલ્લાઓમાં કૃષિ ઉપજ વધશે. ફૂડ પ્રોસેસિંગ વધશે. છેવટે ખેડૂતોની આવક અને રોજગારી વધશે.
છ વર્ષમાં કઠોળનું ઉત્પાદન વધારવાની યોજના હેઠળ તુવેર, મસૂરની દાળ અને અડદની દાળનું ઉત્પાદન વધારવા માટે રૂ. ૧૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. હેઠળ કઠોળનું ઉત્પાદન કરનારા ખેડૂતોની ઉપજ નાફેડ અને એનસીસીએફ ચાર વર્ષ સુધી ખરીદી લેશે. તેને માટે ખેડૂતોએ આ સંસ્થાઓ સાથે ઔપચારિક કરાર કરવા પડશે. ખેડૂતોએ તેમના નામનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ૨૦૨૫-૨૬ના બજેટમાં બાગાયતી પાક માટે એટલે કે શાકભાજી અને ફળની ખેતી માટે રૂ. ૫૦૦ કરોડની અલગથી ફાળવણી કરવામાં આવેલી છે. ખેડૂતોની આવક વધારવા સરકાર આકાશપાતાળ એક કરી રહી હોવાના આ વધુ એક બોલતો પુરાવો છે. શાકભાજી અને ફળફળાદિનું ઉત્પાદન વધાર્યા પછી તેની કાર્યક્ષમ સપ્લાય ચેઈન ચાલુ કરવામાં આવશે. મહેસાણામાં ગુજકોમાસોલે બનાવેલા પાર્ક જેવા આયોજનો વધુ મોટા ફલક પર અમલમાં કરવામાં આવશે. આ પાર્કમાં માલનું શોર્ટિંગ, ગ્રેડિંગ અને ફૂડ પ્રોસેસિંગ પછી માર્કેટમાં સપ્લાય કરવા ઉપરાંત એક્સપાર્ટ-નિકાસ કરવા સુધીના આયોજન કરવામાં આવેલા છે.
કપાસનું ઉત્પાદન વધારવા માટે પણ પાંચ વર્ષનું મિશન નક્કી કરવામાં આવ્યું છે. અત્યારે દેશમાં ત્રણ કરોડ ૨૫ લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થાય છે. મહારાષ્ટ્ર અને ગુજરાત તેમાં મોખરાના રાજ્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણના ૨૦૨૫-૨૬ના બજેટમાં કપાસનું ઉત્પાદન વધારીને તેને ટકાવી રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાંય ખાસ કરીને લોન્ગ સ્ટેપલ-લંબતારી કપાસનું ઉત્પાદન વધારવા પર ફોકસ કરવામાં આવશે.
ગાય આધારિત ખેતી તેનો બેસ્ટ વિકલ્પ છે. ગાયનું ગોબર, ગૌમૂત્ર, જીવામૃત અને ગૌ કૃપા અમૃત ખાતર, જંતુનાશક અને પોષક દ્રવ્યોની ખોટ પુરવાને સક્ષમ છે. તેથી તેનો ઉપયોગ કરીને જ ખેતી પર ફોકસ કરવામાં આવે તો જંતુનાશક દવાઓના વપરાશને પરિણામે કઠ્ઠણ ને બિનઉપજાઉ બનવા માંડેલી જમીન પોચી પડવા માંડશે. ખેતી માટેના ઉપયોગી બેક્ટેરિયા ફરી સક્રિય થવા માંડશે. નાઈટ્રોજન, ફોસ્ફરસ કે એમોનિયમ જેવા ઘટકો બહાર થી આપવા પડશે નહિ. જમીનમાં જળસંચય વધી જશે.