ચણાના ભાવ ઉછળતાં તહેવારો ટાંણે નાફેડે ચણાનું વેંચાણ કરવા શરૂ કરેલી પ્રક્રિયા
- ઉભી બજારે : દિલીપ શાહ
- ચણાના પાકના અંદાજ વિશે મતમતાંતરોઃ સરકારી અંદાજ ઉંચો જ્યારે વેપારીઓ ઓછા પાકની ભીતિ બતાવે છે!
દેશમાં કૃષી ક્ષેત્રે પ્રવાહો તાજેતરમાં પલ્ટાતા જોવા મળ્યા હતા. ભારતમાં વિવિધ દાળ- કઠોળના ઉત્પાદન સામે આંતરીક માગ વધુ રહેતાં દેશમાં વિવિધ કઠોળની આયાત પર આધાર રાખવો પડે છે. તાજેતરમાં દશમાં ઘઉં, ચોખા, ટમેટા, કાંદા વિ. ચીજોના ભાવ ઉંચા ગયા પછી હવે કઠોળ બજારમાં પણ દાળ- કઠોળના ભાવ ઉંચા જતા જોવા મળ્યા છે. તુવેર તથા તુવેરદાળના ભાવ તાજેતરમાં વધ્યા પછી અડદ તથા અડદદાળ અને ચણા તથા ચણાદાળના ભાવમાં પણ ગરમાટો જોવા મળતાં તથા તહેવારો ટાંણે ભાવ ઉંચા જતાં સરકારમાં પણ ચિંતા જોવા મળી હતી. દેશમાં કઠોળ બજારમાં જુલાઈના આરંભથી ચણાના ભાવ વધવાનો આરંભ થયો હતો. જોકે સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં ચણાનું ઉત્પાદન વિશેષ વધ્યું છે તથા ચણાનો પાક વધી ૧૩૫થી ૧૩૬ લાખ ટન આસપાસ થવા છતાં બજાર ભાવ ઉંચા જતાં આશ્ચર્ય પણ ફેલાયું છે.
કઠોળ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ જૂન અંત સુધીના ગાળામાં ચણાના બજાર ભાવ ટેકાના ભાવથી નીચા બોલાતા હતા તેમાં ત્યાર પછીના ગાળામાં પ્રવાહો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા હતા. સરકારે આ પૂર્વે ચણાના ટેકાના ભાવ મિનિમમ સપોર્ટ પ્રાઈસ કિવ.ના રૂ.૫૩૩૫ નક્કી કર્યા હતા. મધ્ય પ્રદેશમાં ઈન્દોર બજારના સૂત્રોના જણાવ્યા મુજબ જૂન અંત સુધીના ગાળામાં બજારમાં ચણાના ભાવ કિવ. દીઠ રૂ.૪૭૮૦થી ૪૭૯૦ આસપાસ રહ્યા હતા તે ત્યારબાદ ઝડપી ઉંચા જતા જોવા મળ્યા હતા અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ભાવ ઉંચામાં રૂ.૭૭૬૦થી ૭૭૭૦ સુધી ટ્રેડ થતા નોંધાયા હતા. જોકે ત્યારબાદના ગાળામાં બજારભાવ ઉંચેથી ઘટાડા પર પણ રહ્યા હતા, એવું ઈન્ડિયા પલ્સીસ એન્ડ ગ્રેઈન્સ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું. બજારના જાણકારોના જણાવ્યા મુજબ તુવેર તથા અડદના ભાવ ઉંચા જતાં ચણામાં માગનું દબાણ વધ્યું હતું. ચણામાં સરકારે પાકનો અંદાજ ઉંચો મુક્યો છે પરંતુ બજાર ભાવ જે રીતે ઉંચા ગયા છે એ જોતાં ચણાનો પાક હકીકતમાં સરકારના અંદાજથી ઓછો જણાઈ રહ્યો છે, એવું પણ બજારના અમુક સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, રવિ પાકની મોસમમાં ૨૦૨૨- ૨૩માં સરકારે નાફેડ મારફત આશરે ૨૩થી ૨૪ લાખ ટન ચણાની ખરીદી કરી હતી. નાફેડ પાસે કેરી ઓવર સ્ટોક આશરે ૧૪ લાખ ટનનો હતો. નાફેડ દ્વારા જ્યારે માલ લેવાઈ રહ્યો હતો એ સમય ગાળામાં એ વખતે કોર્પોરેટ કંપનીઓ તેમજ પ્રાઈવેટ સ્ટોકિસ્ટોએ ચણાની ખરીદી ઓછી કરી હતી. મિલરો પાસે પણ ચણાનો સ્ટોક અપેક્ષાથી ઓછો જણાયો હતો અને આવા સંજોગોમાં માગ નિકળતાં ચણાના ભાવમાં ટૂંકા ગાળામાં ઝડપી તેજીની ચાલ જોવા મળી હતી. જોકે નાફેડ દ્વારા દેશના વિવિધ કેન્દ્રોમાં ચણાનું વેચાણ શરૂ કરાયું હતું. ઓલ ઈન્ડિયા ફલોર મિલર્સ એસોસીએશન ઈન્દોરના સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે ચણાના ઉત્પાદનનો જે અંદાજ બહાર પાડયો છે તેની સરખામણીએ હકીકતમાં ઉત્પાદન ઓછું જણાઈ રહ્યું છે. સરકારના અંદાજ મુજબ ચણાનું ઉત્પાદન ૧૩૫થી ૧૩૬ લાખ ટન થવાની શક્યતા છે જ્યારે વેપારી વર્તુળો તથા બજારના અમુક સૂત્રોના જણાવ્યા મુજબ હકીકતમાં ચણાનું ઉત્પાદન ૧૦૦ લાખ ટનની અંદર થવાની શક્યતા જણાઈ રહી છે! અમુક વર્ગ તો આવા ઉત્પાદનનો અંદાજ ૯૦થી ૯૫ લાખ ટનનો પણ બતાવી રહ્યો છે! દરમિયાન, નાફેડ દ્વારા ચણાનું વેચાણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યાના નિર્દેશો મળ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે વિવિધ કઠોળની કુલ માગ વાર્ષિક ધોરણે આશરે પાંચ ટકા વધતી જોવા મળી છે. આવતા દસ વર્ષમાં વૈશ્વિક સ્તરે વાર્ષિક ધોરણે વિવિધ કઠોળની કુલ માગ વધતી રહી ૧૨૨૮૦૦થી ૧૨૨૯૦૦ મિલીયન ડોલર સુધી પહોંચી જવાની ગણતરી તજજ્ઞાો બતાવી રહ્યા છે. ભારતમાં તથા વિશ્વના વિવિધ દેશોમાં કઠોળનું ઉત્પાદન વધારવા પ્રયત્નો થતા રહ્યા છે. કોરોના કાળ પછી આરોગ્ય માટે ગંભીરતા વધતાં વૈશ્વિક સ્તરે તથા ભારતમાં દાળ- કઠોળની માગમાં વિશેષ વૃધ્ધિ થતી જોવા મળી છે. ખાસ કરીને ચીન તથા ભારતમાં આવી માગમાં નોંધપાત્ર વૃધ્ધિ જોવા મળી છે. અમેરિકામાં આવી માગ વૃધ્ધિ વાર્ષિક ધોરણે ૩.૭૦ ટકા થવાનું અનુમાન બતાવાયું છે. ભારત માટે આવી ટકાવારી ૬.૪૦ ટકાની ગણાઈ છે. કરન્સી બજારમાં ડોલરના ભાવ વધી રૂ.૮૩ની ઉપર જતાં તેના કારણે દેશમાં આયાત થતા વિવિધ કઠોળની ઈમ્પોર્ટ કોસ્ટ પણ વધી છે.