બેંગલુરૂમાં દૂધ બીજા શહેરોથી 16 રૂપિયા સસ્તું
બજારની વાત
બેંગલુરૂમાં દૂધ બીજા શહેરોથી 16 રૂપિયા સસ્તું
આપણે અહીં દૂધના વધતા ભાવોથી પરેશાન છીએ ત્યારે બેંગલુરૂ શહેરમાં બીજાં શહેરોની સરખામણીમાં દૂધના ભાવ લિટરે ૧૬ રૂપિયા ઓછો છે. બેંગલુરૂમાં આજે પણ ફુલ ક્રીમ દૂધ ૪૬ રૂપિયા અને ટોન્ટ મિલ્ક માત્ર ૩૮ રૂપિયા લિટરના ભાવે મળે છે.
આ વાત કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવી લાગશે પણ સાચી છે. તેનો યશ હમણાં જ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમા સમાવાયેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદુરપ્પાને જાય છે. યેદુયુરપ્પાએ ૨૦૦૮માં દૂધ ઉત્પાદકોને ૨ રૂપિયા પ્રતિ લીટર ઇન્સેન્ટીવ આપવાનું શરૂ કર્યું હતું. ઉત્પાદન વધતાં ઈન્સેન્ટિવ વધારાયું. અત્યારે ૬ રૂપિયા પ્રતિ લીટર ઈન્સેન્ટિવ અપાય છે તેથી દૂધનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે ને ભાવ ઓછા છે.
પંજાબમાં હવે ૬૫ ટકા ઘરોનું લાઈટ બિલ ઝીરો
પંજાબમાં ૧ સપ્ટેમ્બરથી ૩૦૦ યુનિટ વીજળી વિના મૂલ્યે આપવાની યોજનાનો અમલ શરૂ થશે તેથી રાજ્યનાં બે તૃતિયાંશ ઘરોએ એક પણ રૂપિયો લાઈટ બિલ નહીં ભરવું પડે. પંજાબમાં દર બે મહિને લાઈટ બિલ આવે છે તેથી ૬૦૦ યુનિટ સુધીના વપરાશ પર એક પણ રૂપિયાનું બિલ નહીં બનાવવા સૂચના આપી દેવાઈ છે.
આમ આદમી પાર્ટીની સરકારની 'જન સમર્થક પહેલ'ના કારણે રાજ્યના ૭૪ લાખ ઘરોમાંથી ૫૧ લાખ ઘરોનું લાઇટ ઝીરો થઈ જશે. ભગવંત માન સરકારે લોકોને વિના મૂલ્યે વીજળી આપવા માટે ખાસ ૬૬ કિલો વોલ્ટની બુટારી-બ્યાસ લાઇન સમર્પિત કરી છે. ૩૦૦ યુનિટ ફ્રી વીજળી આપવાથી ૧૮૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજ આવશે પણ કૃષિ ક્ષેત્રને અપાતી ૭૦૦૦ કરોડ રૂપિયાની સબ્સિડીની સરખામણીમાં આ રકમ બહુ ઓછી છે.
૩૦ વર્ષના શાંતનુના સ્ટાર્ટ અપ પર તાતા કેમ ફિદા?
રતન તાતા શાંતનુ નાયડુ નામના યુવાનના બિઝનેસ આઈડિયા પર ફિદા થઈ ગયા છે. તાતાએ કશું પણ વિચાર્યા વિના તેમાં શાંતનુ માગે એટલી રકમનું રોકાણ કરવાનું એલાન કરી દીધું છે. શાંતનુએ ગુડ ફેલોઝ નામે સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. આ સ્ટાર્ટ અપનો ઉદ્દેશ વૃધ્ધોને એકલતા ના અનુભવાય એ માટે કંપની તથા કામ આપવાનો છે. મજાની વાત એ છે કે, સ્ટાર્ટઅપની શરૂઆત કરનાર શાંતનુ નાયડુ ૩૦ વર્ષના છે છતાં વૃધ્ધોની એકલતા વિશે વિચાર્યું છે. કોર્નેલ યુનિવર્સિટીના સ્નાતક શાંતનુ તાતામાં જનરલ મેનેજર છે. શાંતનુ રતન તાતા સાથે કામ પણ કરી ચૂક્યા છે. ૨૦૧૮થી રતન તાતાને સામાજિક કાર્યોમાં મદદ અંગે સલાહ આપવાનું કામ પણ કરે છે.
ઇલોન મસ્કની જોક અને સમર્થકોનો ગુસ્સો
વિશ્વના પૈસાદાર લોકોમાં સૌથી એક્ટિવ ઇલોન મસ્ક છે. ક્યારેક તે પોતાના સિક્રેટ મેરેજની વાત કરે છે તો ક્યારેક ટ્વિટર ખરીદવાની વાત કરીને કરાર ફોક કરે છે. ટ્વિટર ખરીદવા બાબતે તેમણે મારેલો યુ ટર્ન હજુ લોકો પચાવી શક્યા નથી ત્યાં તો બ્રિટીશ ફૂટબોલ ક્લબ માંચેસ્ટર યુનાઇટેડ ખરીદવાની વાત ઉડાવી હતી. મસ્કે એવી ટ્વિટ કરી હતી કે હું માંચેસ્ટર યુનાઇટેડ ખરીદી રહ્યો છું. જોકે થોડીવાર પછી તરતજ યુ ટર્ન મારીને કહ્યું હતું કે આતો ટાઢા પહોરનો જોક માત્ર હતો. ટ્વિટર પર તેમના સમર્થકો અને તેમને વાંચીનો રોકાણ કરનારાઓ હતાશ થયા હતા . કેટલાકે લખ્યું છે કે આને (ઇલોન મસ્કને) ઓળખવો બહુ અધરો છે.
ફટોફટ એલોટમેન્ટ લેટર ઓલ ઇઝી ગોઇંગ
૫ય્ ની બોલીમાં જેવા કંપનીઓના નામો નક્કી થયાકે તરતજ તેમને એલોકેશન લેટર ફાળવી દેવાયા હતા. કોઇને ક્યાંય ધક્કા ખાવા પડયા નહોતા કે કોઇની સિફારશ લાવવી પડી નહોતી. દરેક ટેલિકોમ કંપનીઓ માટે એલોકેશન લેટર મહત્વના હોય છે. એેલોકેશન લેટર પરથી તે બેંકમાં લોન માંગી શકે છે અને ગ્રાહકો પાસેથી ૫ય્ ના કેટલા ચાર્જ લેવા તે નક્કી કરી શકે છે. ભારતી એન્ટરપ્રાઇઝવાળા સુનિલ મિત્તલ કહે છે કે ૩૦ વર્ષમાં પહેલીવાર એવું થયું છે કે ટેન્ડર પાસ થયાના ગણત્રીના કલાકોમાં એલોટમેન્ટ લેટર મળી ગયા છે. ભૂતકાળનો તેમનો અનુભવ એવો હતો કે એલોટમેન્ટ લેટર માટે દરેક ખાતાને કરગરવું પડતું હતું. આને કહેવાય ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ.
આઇફોન-૧૪ માટે ૭ સપ્ટેમ્બરની રાહ જુઓ..
આઇ ફોનનું નવું મોડલ આઇફોન-૧૪ આગામી ૭ સપ્ટેમ્બરે લોકો સમક્ષ મુકાશે. તેની સાથે આઇપેડ તેમજ ત્રણ એપલ વોચ પણ મુકાશે. હવે જ્યારે મંદીની સ્થિતિ છે અને જ્યારે આર્થિક સ્થિતિ ડામાડોળ હોવાનું ચિત્ર રજૂ થાય છે ત્યારે આઇફોન ૧૪ના વેચાણ પર કેવી અસર થશેે તે જોવાનું રહેશે. જોકે એપલનો ક્રેઝ અકબંધ છે કે નહીં તે જોવાનું રહેશે કેમકે એપલનો લેટેસ્ટ ફોેન ખરીદવા લોકો લાઇનમાં ઉભા રહેતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે આઇફોન-૧૩નોે ભાવ..છે. એટલે ૧૪નો ભાવ તેનાથી વધુ હશે. ભારતમાં પણ આઇફોન ૧૪ ખરીદવા માટેની રાહ જોનારાઓ છે.
VLC media પ્લેયર...પ્રતિબંધની ભીતરમાં
સરકારે છ મહિના અગાઉ VLC media પ્લેયર પર પ્રતિબંધ મુક્યો હતો. નવા યુઝર્સ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકતા નથી પરંતુ ગુગલ એપ સ્ટોર પર એન્ડરોઇડ વર્જન મળે છે. આ કેવું? જો સરકારે પ્રતિબંધ મુક્યો હોય તો કોઇ પણ વર્જન મળવા ના જોઇએ પરંતુ અહીં તો પ્રતિબંધની કોઇ અસર જોવા નથી મળતી. સરકાર જ્યારે કોઇ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકે કે તરતજ તેને ગુગલ એપ સ્ટોર પરથી પણ હટાવી લેવી જોઇએ. આશ્ચર્યતો એ વાતનું છે કે સરકારે જેના પર પ્રતિબંધ મુક્યો હોય તેવી એપ્લિકેશનો ગુગલ એપ સ્ટોર સિવાય પણ પાયરેટેડ માર્કેટમાં કે તેનો કોઇ વપરાશ કરતું હોય તેની પાસેથી મળી શકે છે. કેટલીક વાર આવા પ્રતિબંધ હાસ્યાસ્પદ બની જતા હોય છે.