For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બજારની વાત .

Updated: Jan 29th, 2024


પિતાએ વેચેલી જોડિયા બહેનો વરસો પછી મળેલી

બોલીવુડની ફિલ્મોમાં જોવા મળે એવી લોસ્ટ એન્ડ ફાઉન્ડ સ્ટોરી વાસ્તવિક જીવનમાં પણ જોવા મળતી હોય છે. જ્યોર્જિયામાં બનેલી આવી જ ઘટનામાં એમી ખ્વિતિયા અને આનો સોર્તાનિયા નામની જોડિયા બહેનો ૨૦૦૨માં જન્મ સમયે જ અલગ થઈ ગઈ હતી. હવે ટિક ટોક વીડિયો અને ટેલેન્ટ શોના માધ્યમથી બંને ૨૧ વર્ષે મળી છે. 

એમી અને આનોની સ્ટોરી એકદમ ફિલ્મી છે કેમ કે બંનેને જન્મ આપ્યો ત્યારે તેમની માતા અઝા શોની કોમામાં જતી રહી હતી. એમી-આનોના પિતા ગોચા ગખીરીયાએ તેનો લાભ લઈને બંને દીકરીઓને અલગ અલગ પરિવારને વેચી દીધી હતી. બંને અલગ અલગ માહોલમાં ઉછરી પણ ૧૧ વર્ષની વયે એક શોમાં ભેગી થઈ ગઈ. બંનેના સરખા ચહેરા જોઈને સૌને આશ્ચર્ય થયેલું પણ રહસ્ય બહાર નહોતું આવ્યું. હવે આ રહસ્ય બહાર આવ્યું છે.

ચીનનાં દાદીમાએ સંપત્તિ કૂતરાં-બિલાડાંને આપી દીધી

ચીનનાં લિઉ નામનાં દાદીમા હમણાં ગુજરી ગયાં. અંતિમવિધી પછી તેમનાં સંતાનોએ વિલ ખોલ્યું ત્યારે તેમને લિઉના મોત કરતાં પણ મોટો આઘાત લાગી ગયો કેમ કે લિઉ પોતાની ૨ કરોડ યુઆન (લગભગ રૂપિયા ૨૩ કરોડ)ની સંપત્તિમાંથી તેમના માટે કશું છોડી ગયાં નહોતાં. આ બધી રકમ તેમણે પોતાની પાલતુ બિલાડીઓ અને કૂતરાંના નામે કરી દીધી હતી. લિઉએ પહેલાં જે વસિયત બનાવ્યું તેમાં પોતાની સંપત્તિ ત્રણ સંતાનોને નામે કરેલી પણ સંતાનોએ તેમની કાળજી ના લેતાં તેમનું મન ઉઠી ગયું. તેમણે બિમારી અને માંદગીમાં સાથી પાલતુ જાનવરોને સંપત્તિ આપી દીધી. તેમની કાળજી લેવાની જવાબદારી પણ સ્થાનિક વેટરનરી ક્લિનિકને સોંપી છે. જો કે ચીનમાં પાલતુ જાનવરોને સંપત્તિ આપી નથી શકાતી તેથી લિઉનાં સંતાનો માટે હજુ આશા છે. 

સો વર્ષ પહેલાંની આગાહીઓ વાયરલ થઈ

હમણાં સોશિયલ મીડિયા પર સો વર્ષ પહેલાં એક અખબારમાં કરાયેલી આગાહી વાયરલ થઈ છે. કેનેડાની યુનિવર્સિટી ઓફ કલગરીના સંશોધક પૌલ ફૈરીએ મૂકેલા ૧૯૨૪ના અખબારના કટિંગમાં આગાહી કરાઈ હતી કે, ૨૦૨૪ સુધીમાં પૃથ્વી પરથી ઘોડાઓનું અસ્તિત્વ મટી જશે.

આ ઉપરાંત ઓટોમોબાઈલ્સનું પ્રમાણ વધી જશે અને પોડકાસ્ટ અત્યંત લોકપ્રિય થઈ ગયાં હશે. લોકો ૧૦૦ વર્ષ સુધી જીવતાં હશે અને ૭૫ વર્ષની ઉંમર સુધી વ્યક્તિ યુવાન ગણાતી હશે. ૧૦૦ માળના ફ્લેટ બનતા હશે અને ફોટોગ્રાફના બદલે મોશન પિક્ચર્સમાં ફેમિલી આલ્બમ બનતાં હશે. ટ્રેનો ત્રણ ગણી વધારે સ્પીડથી ભાગતી હશે અને ટ્રેનમાં થીયેટર હશે. લોકો ઘેર બેઠાં મૂવી જોઈ શકતાં હશે. 

આ પૈકી ઘણી આગાહીઓ સાચી નથી પડી પણ રસપ્રદ તો છે જ. 

૯૧ વર્ષના દાદીમા કેલિફોર્નિયાનાં ગ્લેમર ક્વીન

આપણે એવું સાંભળીએ છીએ કે, એજ આર જસ્ટ નંબર્સ..... તમે મનથી યુવાન હો તો ઉંમર ગમે તેટલી થાય પણ યુવાની ફીલ કરી શકો છો. બેત્સી લાઉ નામનાં કેલિફોર્નિયામાં રહેતાં ૯૧ વર્ષનાં દાદીમા આ વાતને સાચી સાબિત કરી રહ્યાં છે. બેત્સી ટીનેજર છોકરીઓને પણ ઝાંખી પાડી દે એવાં ફેશનેબલ કપડાં પહેરીને ટિક ટોક પર પોતાના વીડિયો મૂકે છે.

એક જમાનામાં ડાન્સર રહી ચૂકેલાં બેત્સી મિનિ સ્કર્ટથી માંડીને શોર્ટ ડ્રેસ સુધીનું બધું પહેરીને બેત્સી વીડિયો બનાવે છે. તેમના બેલી અને ટેપ ડાન્સિંગના વીડિયોની અમેરિકામાં ધૂમ છે. હાઈ હિલ્સ અને મેચિંગ એક્સેસરીઝ સાથેના આ વીડિયોના કારણે બેત્સીને સૌ ગ્લેમર ક્વીન ઓફ કેલિફોર્નિયા કહેવા માંડયાં છે.

ચીઝ આમલેટ ખાઓ ને ૫૦ હજાર લઈ જાઓ

હમણાં સોશિયલ મીડિયા પર નવી ફૂડ ચેલેન્જ આવી છે. ગુડગાંવના રાજીવ નામના સ્ટ્રીટ ફૂડ વેન્ડરે પોતે બનાવેલી ચીઝ આમલેટ ૧૦ મિનિટમાં ખાઈ બતાવનારને ૫૦ હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ઈન્સ્ટાગ્રામ પર મૂકેલા વીડિયોમાં રાજીવે પોતાની આમલેટ પણ બતાવી છે. વીડિયોમાં રાજીવ કઈ રીતે અદભૂત આમલેટ તૈયાર કરે છે એ બતાવાયું છે. બટર, પનીર, ક્રીમ, ડુંગળી, લીલાં મરચાં, સ્પેશિયલ મસાલા વગેરે નાંખીને રાજીવ આમલેટ બનાવે છે તેનો વીડિયો પણ જોવામાં મજા પડી જાય એવો છે.  આ આમલેટની કિંમત ૪૪૦ રૂપિયા છે તેથી ૫૦ હજાર રૂપિયાનું ઈનામ જીતવાનો ચાન્સ લેવો હોય તો ૪૪૦ રૂપિયા ઢીલા કરવાની તૈયારી પણ રાખવી પડે. 

૯૦ લાખ રૂપિયાનું બિલ ને ૨૦ લાખ રૂપિયાની ટિપ

દુબઈમાં આવેલી ખ્યાતનામ રેસ્ટોરેંટનાં માલિક નુસરત ગોક્સેએ સોશિયલ મીડિયા પર  એક ગ્રાહકના બિલનો વીડિયો મૂક્યો છે. જાણીતા તુર્ક શેફ ગોક્સેએ મૂકેલા વીડિયોમાં  બિલ ૧,૦૮,૫૦૦ ડોલર (લગભગ રૂપિયા ૯૦.૨૩ લાખ) દેખાય છે. ગ્રાહકોએ ૨૪૫૦૦ ડોલર એટલે કે ૨૦ લાખ રૂપિયાની ટીપ રેસ્ટોરેંટને આપી હોવાનો દાવો પણ ગોકસેએ કર્યો છે. 

રેસ્ટોરન્ટમાં એક વાર જમવા માટે લોકો એક કરોડ રૂપિયા ખર્ચી નાંખે એ ચોંકાવી દે એવી વાત છે ત્યારે સોશિયલ મીડિયા પર ગોકસેના વીડિયોને પબ્લિસિટી સ્ટંટ ગણાવાઈ રહ્યો છે. દાવો થઈ રહ્યો છે કે, ગોકસેએ ગયા વરસે પણ આવો જ વીડિયો મૂક્યો હતો. ગોકસે પોતાની રેસ્ટોરન્ટ વિશે ઉત્સુકતા ઉભી કરીને ખંખેરે છે એવો દાવો કરાય છે.

તાલિબાનની જોક ભારતીય મૂળના વર્માને ભારે પડી

બ્રિટનમાં ભારતીય મૂળના આદિત્ય વર્માને એક જોક ભારે પડી ગઈ છે. યુકેની બાથ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સ ભણી રહેલા વર્માએ લંડનના ગેટવિક એરપોર્ટથી સ્પેનના મેનોર્કા ટાપુ પર જવા માટે પ્લેનમાં બેસતાં પહેલાં સ્નેપચેટના પોતાના મિત્રોના ગ્રુપમાં હળવા અંદાજમાં લખેલું કે, હું તાલિબાનનો સભ્ય છું અને પ્લેન ઉડાવવા જઈ રહ્યો છું.

ગેટવિક એરપોર્ટના વાઈ-ફાઈમાં આ કોમેન્ટ પકડાઈ ગઈ તેમાં વર્માની વાટ લાગી ગઈ.  બ્રિટિશ સરકારે સ્પેનને જાણ કરતાં સ્પેનના એરફોર્સનાં બે પ્લેનને મોકલીને વર્માના પ્લેનને ઉતરાણની ફરજ પડાઈ હતી. વર્મા ઉતર્યો કે તરત તેની ધરપકડ કરાઈ. તેને જામીન તો મળી ગયા પણ જાહેર અવ્યવસ્થા સર્જવા બદલ તેને જેલની સજા થવાની પૂરી શક્યતા છે.

Gujarat