મૈં તો ભૂલ ચલી કોર્પોરેટ ટેક્સ, પર્સનલ ટેક્સ પ્યારા લગે
- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- હવે વ્યક્તિ મટીને સંસ્થા બનવાને બદલે વ્યક્તિ મટીને કંપની બની જવામાં ટેક્સ બેનિફિટ છે
ફાઈનાન્સ મિનિસ્ટ્રીની ઓફિસમાં એક અરજીએ હલચલ મચાવી દીધી.
એક નાગરિકે અરજી કરી હતી. તેમાં લખ્યું હતુંઃ 'નાગરિક મટી કંપની બની જવાની અરજી'
નાણાખાતાના સાહેબે આ અરજી પરથી નંબર લઈને પેલા ભાઈને ફોન જોડયો. 'ભઈ, તમારે તમારા નામે કંપની રજિસ્ટર કરાવવી છે? તો એના કંપની અફેર્સ વિભાગ અલગ છે. ત્યાં અરજી કરો. બીજી પણ ઘણી મંજૂરીઓ તમારે લેવી પડશે.'
પેલા ભાઈ કહે, 'બોસ, તમે લોકો જેમ બજેટમાં બધું ઉપર ઉપરથી વાંચી જાઓ છો અને અંદરની વાત તો પછી લાંબા સમયે બહાર આવે છ ેએવું મારી અરજી સાથે ન કરો. જરા ચેક કરો ઉપર ચોખ્ખેચોખ્ખું ટાઈટલ લખ્યું છે કે નાગરિક મટીને કંપની બની જવાની અરજી.'
'હા ભાઈ, તમારું એ ટાઈટલ વાંચીને જ અમે ગૂંચવાયા, એટલે તો અમે ફોન કર્યો.'
'હા, તો પ્રોસેસ ચાલુ કરો. મારે એક વ્યક્તિ તરીકેનું એટલે કે એક માણસ તરીકેનું મારું અસ્તિત્વ સરકારી ચોપડે મિટાવી દેવું છે અને કંપની તરીકેનું જ અસ્તિત્વ ધારણ કરવું છે. અસલના જમાનામાં લોકો વ્યક્તિ મટી જઈ સંસ્થા બનતા હતા, મારે વ્યક્તિ મટી જઈ કંપની બનવું છે. બે પગે હાલતી ચાલતી જીવતી જાગતી કંપની.'
'ભલા માણસ, કાંઈ સમજાય તેવી વાત કરો.'
'એમ? સરકારી ખાતામાં સમજાય તેવી વાત કરવાનો રિવાજ ક્યારથી શરુ થયો? તમારી ઈન્કમટેક્સની ઝીણી ઝીણી જોગવાઈઓ, જીએસટીના નિયમો અને પેટા નિયમો, તમારા પરિપત્રોની ભાષા ક્યારેય વાંચી છે?'
'જુઓ, તમારી અરજીમાં અમને રસ પડયો એટલે ફોન કર્યો. બાકી સરકારમાં તો આવી હજારો અરજીઓના ખડકલા થતા હોય. કોઈ ધ્યાન પણ ન આપે. ફોડ પાડીને વાત કરો નહીં તો હું ફોન મૂકી દઉં.'
'ફોડ પાડયો જ ને કે મારે કંપની બનવું છે. મને સમજાઈ ગયું છે કે આ દેશમાં સામાન્ય નાગરિક કરતાં કંપની બનીને રહેવામાં વધારે ટેક્સ બેનિફિટ છે. મને ખબર પડી છે કે દેશમાં પહેલીવાર પર્સનલ ટેક્સની આવક કોર્પોરેટ ટેક્સ કરતાં પણ વધી ગઈ છે. મતલબ કે સરકારને કંપનીઓને છૂટ આપવામાં અને નાગરિકોને નીચોવવામાં જ રસ છે. તમે બધા ભેગા થઈને 'મૈં તો ભૂલ ચલી કોર્પોરેટ ટેક્સ, પર્સનલ ટેક્સ પ્યારા લગે'નું ગીત ગાવા બેઠા છો તો મારે નાગરિક નથી રહેવું, કંપની થવું છે.'
નાણાખાતાના સાહેબ ગૂંચવાઈ ગયા. છેવટે તેમને એક આઇડિયા આવ્યો. તેમણે પેલા ભાઈને કહ્યું,'જુઓ, નાગરિક તરીકે તો તમારે પર્સનલ ટેક્સ ભરવાનો આવે છે, પરંતુ કંપની બની જશો પછી કોર્પોરેટ ટેક્સ તો લેવાશે જ, પણ અમારા સાહેબોના સાહેબો ભવિષ્યમાં ઈલેક્ટોરલ બોન્ડની પણ ઉઘરાણી કરી શકે છે. ઈલેક્ટોરલ બોન્ડની સુપ્રીમ કોર્ટે ભલે ના પાડી દીધી, પણ સરકાર કાયદો લાવી શકે છે.'
પેલા ભાઈએ ફોન મૂકી દીધો.
રાજી થયેલા નાણાખાતાના સાહેબોએ આ વખતે બુલંદ અવાજે લલકાર્યું, 'મૈં તો ભૂલ ચલી કોર્પોરેટ ટેક્સ, પર્સનલ ટેક્સ પ્યારા લગે.'
સ્માઈલ ટિપ
પહેલાં સરકારો ટેક્સ માટે નાગરિકોનાં ખિસ્સા પર કાતર ફેરવતી હતી. હવે વિકાસ થયો એટલે કરવત ફેરવે છે.