લો કરો વાત... પોપટ અફીણના બંધાણી
એરાઉન્ડ ધ માર્કેટ
- લો કરો વાત... પોપટ અફીણના બંધાણી
મનુષ્ય જાત વિવિધ વ્યસનના બંધાણી હોય છે પરંતુ મધ્યપ્રદેશમાં તો પોપટ અફીણના બંધાણી બન્યા છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી જવા પામી છે. મધ્યપ્રદેશના મંદસૌર, જામચ અને રતલામના ખેડૂતો મોટા પાયે અફીણની ખેતી કરે છે જેના માટે તેઓએ સરકારના નાર્કોટિક્સ વિભાગમાંથી લાયસન્સ લેવું પડે છે. ખેડૂતોએ તેમની ઉપજ પણ સરકારને આપવાની હોય છે નહીંતર તેમનો કોન્ટ્રાક્ટ કેન્સલ થવા સાથે અન્ય પગલા ભરાય છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં પોપટો ઉડતા ઉડતા આવીને ખેતરમાંથી અફીણના ડોડા ઉપાડીને જતા રહે છે. આ ત્રાસથી બચવા ખેડૂતોને સમગ્ર ખેતર પર પ્લાસ્ટિકની નેટ લગાવવાનો વારો આવ્યો છે.
કલમ 370 દૂર થયા બાદ જમ્મુ- કાશ્મીરમાં પ્રથમ વિદેશી રોકાણ
ઓગસ્ટ ૨૦૧૯માં જમ્મુ- કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરાયા બાદ આ રાજ્યમાં ધંધા- રોજગાર- ઉદ્યોગોને વૃદ્ધિ મળ્યા બાદ તાજેતરમાં પ્રથમ વિદેશી રોકાણ થયાના અહેવાલો સાંપડે છે. યુ.એ.ઇ.ની એમ્માર ગુ્રપ ઓફ કંપની દ્વારા શ્રીનગરમાં એક લાખ ચો. ફૂટ એરિયામાં મેગા મોલના પ્રોજેક્ટ માટે રૂા. ૨૫૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. આ ઉપરાંત આ ગૃપ અહીં આઇ.ટી. ક્ષેત્રમાં પણ અલગથી રોકાણ કરશે. તાજેતરમાં આ મોલનું ખાતમૂહર્ત કરાયું હતું.
માગ પૂરી થતા ચાંદીના ચંપલ...!
રાજસ્થાનના બાલોતરાના ધારાસભ્ય મદન પ્રજાપતિ આ વિસ્તારને જિલ્લો જાહેર કરવામાં આવે તેવી માગ કરીને પોતે ચંપલનો બહિષ્કાર કર્યો હતો. તાજેતરમા રાજસ્થાનમાં નવા ૧૯ જિલ્લા બનવાની જાહેરાત કરાઈ છે તેમાં બાલોતરાનો પણ સમાવેશ કરાયો છે. આમ, પોતાની માગ પૂરી થતા આ ધારાસભ્ય ત્યાંના મુખ્મયંત્રીને મળવા ગયા ત્યારે તેમના સમર્થકોએ મદન પ્રજાપતિને ૭૫૦ ગ્રામ વજન ધરાવતા ચાંદીના ચંપલ પહેરાવી તેમનું અભિવાદન કર્યું હતું. આ ઘટનાનો વિડિયો વાયરલ થયો છે.
ભારતમાં ઉત્પાદન ઘટયુ, વિદેશમાં ભાવ વધ્યા
ભારતમાં તુવેરના ઉત્પાદનમાં ઘટાડો થયાના અહેવાલોની વિદેશના બજાર પર અસર જોવા મળી છે. આ અહેવાલો બાદ કેનેડા અને ઓસ્ટ્રેલિયાના બજારમાં ભારતીય તુવેરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ વખતે કમોસમી વરસાદના કારણે અનેક પાકને નુકસાન થયાના અહેવાલો છે. જે જોતાં આગામી સમયમાં ઘરઆંગણે પણ ભાવમાં વધારો થવાની સંભાવના છે.
રૂા. ૩ કરોડનું મામેરૂ...
આજકાલ મોટા શહેરોમાં લગ્ન પ્રસંગે અઢળક ખર્ચ થતો જોવા મળે છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારો પણ ખર્ચ કરવામાં પાછા પડતા નથી. તાજેતરમાં રાજસ્થાનના એક ખેડૂત પરિવારે લગ્ન પાછળ અઢળક ખર્ચ કર્યો હતો. રાજસ્થાનના નાગૌર જિલ્લામાં આવેલા બુરડી ગામના ખેડૂત પરિવારના ત્રણ ભાઈઓએ પોતાની ભાણીના લગ્ન પ્રસંગે રૂા. ૩ કરોડથી વધુનું મામેરું ભર્યું હતું. આ પરિવારે મામેરામાં રૂા. ૮૧ લાખ રોકડા, ૧૬ વીઘાનું ખેતર, ૪૧ તોલા સોનું, ૩ કિલો ચાંદી, એક ટ્રોલી સાથેનું ટ્રેક્ટર, ગામના તમામ પરિવારને ચાંદીનો સિક્કો આપ્યો હતો. આ તમામ વસ્તુની કુલ કિંમત રૂા. ૩.૨૧ કરોડ થવા જાય છે.
અધધધ... ૩૧૦૦૦ પાયલોટની જરૂર
એવિએશન ક્ષેત્રની બોઇંગ કંપનીઓ તાજેતરમાં જણાવ્યું હતું કે, આગામી ૨૦ વર્ષમાં ભારતને ૩૧૦૦૦ પાયલોટ અને ૨૬,૦૦૦ જેટલા મિકેનિકલ એન્જિનિયરની જરૂર પડશે. ભારત દ્વારા નવા વિમાનોના અપાયેલા ઓર્ડરને ધ્યાનમાં રાખીને બોઇંગ દ્વારા આ નિવેદન કરાયું છે. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે, આગામી ૨૦ વર્ષમાં દક્ષિણ એશિયાઈ બજારોમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળશે અને વૈશ્વિક સ્તર પર આ ક્ષેત્રના બજારોનો દબદબો જોવા મળશે.