Get The App

નાણાંના અભાવે ગરીબ દેશો માટે રિન્યુએબલ ઊર્જાના લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરવો કઠીન

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
નાણાંના અભાવે ગરીબ દેશો માટે રિન્યુએબલ ઊર્જાના લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરવો કઠીન 1 - image


- ગ્લોબલ વાર્મિંગના પડકાર મુદ્દે જી૨૦ પરિષદમાં  અપેક્ષિત ચર્ચા જોવા ન મળી

ભા રે દેવાબોજને કારણે વિશ્વના અનેક નાના તથા મધ્યમ આવક સાથેના દેશોએ  દેવા  પેટેના વ્યાજની  કરવાની રહેતી જંગી ચૂકવણીને પરિણામે તેઓ પોતાના કલાયમેટ ચેન્જના ટાર્ગેટ સિદ્ધ કરવા પાછળ  જરૂરી નાણાં ખર્ચી શકતા નથી, જેને કારણે તેઓ બિન-પ્રદૂષિત એવી રિન્યુએબલ ઊર્જા તરફ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. આર્થિક અસમાનતાને કારણે વિકાસસિલ દેશોએ માલસામાન, અનાજ તથા ઊર્જા માટે આયાત પર નિર્ભર રહેવું પડે છે. આને કારણે તેમના દેવાબોજમાં વધારો થતો જાય છે અને તેને કારણે વિકાસ કાર્યો તથા કલાયમેટ ચેન્જને પહોંચી વળવા પાછળના ખર્ચની તેમની ક્ષમતા મર્યાદિત બની રહી છે. હવામાનને લગતી ઘટનાઓ  જેમ કે પૂર, દૂકાળ , વાવાઝોડાએ પણ વિકાસસિલ દેશોને આર્થિક રીતે ફટકો માર્યો છે. પૂરતા ભંડોળના અભાવે વિકાસસિલ દેશોએ આ ઘટનાઓને પહોંચી વળવા વિદેશમાંથી દેવું ઊભું કરવું પડે છે.

એક અંદાજ પ્રમાણે વિકાસસિલ દેશોએ તેમની સરકારી આવકના ૧૬.૩૦ ટકા રકમ દેવાની ભરપાઈ કરવા પાછળ  ખર્ચ કરવી પડે છે. આ હકીકતને ધ્યાનમાં રાખતા હાલમાં જ ભારતમાં  યોજાઈ ગયેલી જી૨૦ શિખર  પરિષદમાં  કલાયમેટ ચેન્જ બાબત મોટી જાહેરાત આવી પડવાની અપેક્ષા રખાતી હતી. ખાસ કરીને વિકસિત દેશો તરફથી વિકાસસિલ દેશોને ભંડોળની બાબતમાં ટેકો પૂરો પાડવા ઠોસ નિર્ણય આવશે તેવું માનવામાં આવતું હતું પરંતુ આ સંદર્ભમાં ખાસ જોવા મળ્યું નથી. મોટા અર્થતંત્રોની કલાયમેટ પોલિસીઓને સંકલિત કરવામાં જી૨૦ની ભૂમિકા મહત્વની હોવાથી ઠોસ નિર્ણયની આશા રખાતી હતી. જો કે  રિન્યુએબલ ઊર્જાની ક્ષમતામાં  ત્રણ ગણો વધારો કરવાના એક લાઈનના ઉલ્લેખ  સિવાય ન્યુ દિલ્હી ડિકલેરેશનમાં ખાસ  બીજી વિગતો જોવા મળી નથી. 

રિન્યુએબલ ઊર્જા ક્ષમતાની દ્રષ્ટિએ ભારતની વાત કરીએ તો ગયા વર્ષના અંત સુધીમાં રિન્યુએબલની ભારતની સ્થાપિત ક્ષમતા ૧૬૬ ગીગા વોટ હતી. આ ક્ષમતાને ૨૦૩૦ સુધીમાં ત્રણ ગણી કરવાનો અર્થ ક્ષમતાને ૫૦૦ ગીગા વોટ પહોંચાડવાનો થાય. હાલના નાણાંકીય સ્રોતોને ધ્યાનમાં રાખતા ભારત દર વર્ષે ૫૦ ગીગા વોટ આસપાસ ઉમેરો કરી શકે છે. જી૨૦ શિખર મંત્રણા બાદ હાલમાં એક જ પ્રશ્ન ઊભો થયો છે અને તે એ છે કે કલાયમેટ ચેન્જ સામે લડવા  ભારત સહિત અન્ય દેશોને આવશ્યક ભંડોળ મળી રહેશે ખરું?

વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક ટ્રેન્ડસથી વિપરીત ચીન ખાતેથી ભારતની સોલાર મોડયૂલની આયાતમાં ૭૬ ટકા ગાબડું પડયું છે, જે મેક ઈન ઈન્ડિયા તથા રિન્યુએબલ  ઊર્જાને  પ્રાથમિકતામાં ભારતની ગંભીરતા કેવી છે તે સૂચવે છે. રિન્યુએબલ ઊર્જામાં વપરાતા સોલાર મોડયૂલના ઉત્પાદનમાં ભારત સ્વાવલંબન તરફ આગળ વધી રહ્યું છે. 

૨૦૨૨ના પ્રથમ ૬ મહિનામાં ચીન ખાતેથી ભારતના સોલાર મોડયૂલનું ઉત્પાદન જે ૯.૮૦ જીડબ્લ્યુ રહ્યું હતું તે વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં ઘટી માત્ર ૨.૩૦ જીડબ્લ્યુ રહ્યાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. સોલાર મોડયૂલ માટે ચીન પરની ભારતની નિર્ભરતા ૨૦૨૨ બાદ સતત ઘટી રહી છે. ઘરઆંગણે ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. મોડયૂલના ઉત્પાદનમાં ભારત સ્વાવલંબી બની રહ્યું છે ત્યારે, હવે સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં ઉમેરાની ગતિ જળવાઈ રહે તે ભારત માટે જરૂરી છે. પરંતુ નાણાંની જોગવાઈનું શું તે પ્રશ્ન અસ્થાને નથી. 

 તાણભર્યા નાણાંકીય સ્રોતોને ધ્યાનમાં રાખતા ભારત તો શું વિશ્વના અન્ય દેશો ખાસ કરીને વિકાસસિલ દેશો માટે રિન્યુએબલ ઊર્જાની ક્ષમતામાં  ટાર્ગેટ પ્રમાણે ઉમેરો કરવાનું અશકય જણાય છે. વૈશ્વિક તાપમાનમાં વધારો ૧.૫૦ ડીગ્રીથી નીચે રાખવાના ટાર્ગેટને હાંસલ કરવા  ઊર્જા પરિવર્તન પાછળ વર્ષે રૂપિયા ૪.૪૦ ટ્રિલિયન ડોલરના ઈન્વેસ્ટમેન્ટસની આવશ્યકતા રહે છે. 

ગ્લોબલ વાર્મિગને મર્યાદિત રાખવું હશે તો ૨૦૩૦ સુધીમાં કારબન ડાયોકસાઈડ જેવા ગેસો ૪૩ ટકા ઘટવા જરૂરી હોવાનું સંયુકત રાષ્ટ્રની કલાયમેટ સાયન્સ પેનલે  આ અગાઉ નોંધ કરી  હતી. કોરોનાના કાળમાં વૈશ્વિક પ્રદૂષણમાં વિક્રમી ઘટાડો  થયા બાદ હાલમાં તેણે  ફરી માથું ઊંચકયું છે અને કોરોના પહેલાના સ્તર કરતા પણ સાધારણ ઊંચે ગયું છે. રશિયાના ગેસની અછતને કારણે કોલસાના વપરાશમાં થયેલો વધારો કામચલાઉ રહેશે કે તે કાયમી બની જશે તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. કોલસાના વપરાશમાં ઘટાડો કરવો હશે તો કલીન એનર્જીમાં જંગી રોકાણ કરવાની પ્રદૂષણ ફેલાવતા દેશોએ આવશ્યકતા રહે છે. 

 કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં ઘટાડો કરવા રિન્યુએબલ ઊર્જા ઉત્પાદનમાં ઝડપી વધારો થાય તે જરૂરી છે અને આ માટે આવશ્યક ભંડોળ પૂરા પાડવા વિશ્વના વિકસિત દેશો આગળ આવે તેવો ભારત  સહિતના અન્ય દેશો આગ્રહ ધરાવે છે. વિકસિત દેશોએ પ્રદૂષણ સામેની લડતમાં ગરીબ દેશોને નાણાંકીય મદદ પૂરી પાડવાની અગાઉ ખાતરી ઉચ્ચારી છે ખરા પરંતુ આવી ખાતરી થતું હોવાનું જોવા મળતું નથી. 

ચીન અને ભારત સહિત વિશ્વના અનેક દેશોએ  પ્રદૂષણ મુકત બનવાની આપેલી ખાતરીઓ છતાં  કોલસાના વપરાશ પર  જે પ્રમાણે  ઘટાડો  થવો જોઈએ  તેવો  જોવા મળતો નથી એ એક  હકીકત છે. ગરીબ તથા વિકાસસિલ દેશોની નાણાંકીય જરૂરિયાતનું સ્તર એટલું ઊંચુ છે કે તે આર્થિક રીતે કદાવર દેશો સિવાય અન્ય કોઈ પૂરું કરી શકે એમ નથી. આ અગાઉ વિકસિત દેશો ઊર્જા પરિવર્તન માટે ૧૦૦ અબજ ડોલરની સહાયની ખાતરી આપી હતી જે અપૂરતી છે. ભારતની પ્રેસિડેન્સી હેઠળ કલાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળી શકાયું નથી ત્યારે હવે બ્રાઝિલમાં મળનારી હવે પછીની જી૨૦ પરિષદમાં કલીન ઊર્જા સંદર્ભમાં કંઈક પરિણામ જોવા મળે તેવી અપેક્ષા રાખીએ.


Google NewsGoogle News