લોખંડ-સ્ટીલ બજાર નવી ઊંચી ટોચેઃ આયર્ન ઓરના ભાવ પણ ઝડપી ઉંચકાયા
- ઉભી બજારે : દિલીપ શાહ
- સ્ટીલમાં રેકોર્ડ તેજીના પગલે બાંધકામ, ઈન્ફ્રાસ્ટ્રકચર તથા વાહન ઉદ્યોગ સામે ઊભા થયેલા નવા પડકારો
દેશમાં તાજેતરના કોરોના કાળ તથા લોકડાઉનના બદલે હવે રિઓપનિંગની પ્રક્રિયા વેગથી શરૂ થતાં બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ઘટી ગયેલી ચહલ પહલ ફરી વધી રહ્યાના વાવડ મળ્યા છે. જો કે એક બાજુ બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે માગ વધી છે ત્યારે બીજી તરફ આ ક્ષેત્રના ખેલાડીઓ સામે નવા પડકારો પણ ઊભા થયા છે. બાંધકામ ક્ષેત્રે સિમેન્ટ તથા સ્ટીલ (લોખંડ-પોલાદ) મહત્ત્વના કાચા માલો મનાય છે અને આવા કાચા માલોના ભાવ તાજેતરમાં ઉંચા જતા જોવા મળ્યા છે. આવા રો-મટીરીયલના ભાવ વધતાં બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે કોસ્ટ ઓફ પ્રોડકશનમાં ખાસ્સી વૃદ્ધી થઈ છે. આના પગલે ભાવ વધતાં નવી માગને અસર પડવાની ભીતિ બાંધકામ ક્ષેત્રના જાણકારો બતાવી રહ્યા છે. સ્ટીલના ભાવ વધતાં ઓટો ઉદ્યોગ-વાહન ઉત્પાદકો માટે પણ નવી સમસ્યા સર્જાઈ છે. બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપરાંત ઓટો-વાહન ઉદ્યોગમાં પણ સ્ટીલનો વિશેષ વપરાશ થતો હોય છે. કોલસામાં શોર્ટસપ્લાય તથા તેના પગલે કોલસાના ભાવ ઉંચા જતા સ્ટીલ તથા સિમેન્ટમાં ઉત્પાદન ખર્ચ વધ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. સ્ટીલ બજારના જાણકારોના જણાવ્યા મુજબ રિબાર્સ, હોટરોલ્ડ કોઈલ્સ, કોલ્ડ રોલ્ડ કોઈલ્સ વિ.ના ભાવમાં તાજેતરમાં ટૂંકાગાળામાં ખાસ્સી વૃદ્ધી જોવા મળી છે. સ્ટીલ ઉત્પાદકો દ્વારા તાજેતરમાં છાશવારે ભાવવધારો કરાતો જોવા મળ્યો છે. એપ્રિલમાં હોટ રોલ્ડ કોઈલ્સના ભાવ વધી ટનના રૂ.૮૦ હજાર નજીક પહોંચી ગયા છે. જ્યારે રિબાર સ્ટીલના ભાવ ઉંચકાઈ ટનના રૂ.૭૩૦૦૦થી ૭૩૫૦૦ થયા છે જ્યારે દિલ્હીમાં તો ભાવ ૭૬૦૦૦થી ૭૬૫૦૦ જેવા બોલાયા છે. એકંદરે સ્ટીલ બજાર નવી ઉંચી ટોચે પહોંચી ગઈ છે. સ્ટીલ ઉત્પાદકોના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવમાં ૩થી ૫ ટકાની વૃદ્ધી કરાવા છતાં ઉંચા ગયેલા ઉત્પાદન ખર્ચમાંથી આંશિક ખર્ચ જ હજી કવર થઈ શક્યો છે! કોલસાના ભાવ ઉંચાજઈ રહ્યા છે. એ જોતાં એપ્રિલ પછી મે-જૂનમાં પણ ઉત્પાદન ખર્ચ ઉંચો રહેવાની ભીતિ આ સૂત્રો બતાવીરહ્યા છે. આવા માહોલમાં આગળ ઉપર સ્ટીલના ભાવ વધુ ઉંચા જવાની શક્યતા હાલના તબક્કે બતાવાઈ રહી છે.
રશિયા-યુક્રેનના વોર અગાઉથી જ કોલસાની શોર્ટ સપ્લાય તથા ભાવ વૃદ્ધી શરૂ થઈ ગઈ હતી અને હવે વોરના પગલે પરિસ્થિતિ વધુ વણસી છે. યુરોપે રશિયાના કોલસા પર પ્રતિબંધ મૂક્લા લિચારણા શરૂ કરી છે. ભારતમાં પણ કોલસાની અછત વચ્ચે કોલસાનો વપરાશ કરતા પાવર ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રોને અસર પડી છે. ભારતના આર્યન ઓર માઈનિંગ ક્ષેત્રના સૌથી મોટા માઈનર્સએનએમડીસીના સૂત્રોના જણાવ્યા મુજબ આયર્ન ઓરના ભાવમાં તાજેતરમાં ટનદીઠ જાતવાર વધુ રૂ.૧૦૦થી ૨૦૦નો વધારો કરવામાં આવ્યો છે. આના પગલે લમ્પ આયર્ન ઓરના ભાવ વધી ટનના રૂ.૬૧૦૦ થયા છે જ્યારે ફાઈન્સના ભાવ વધી રૂ.૫૧૬૦ થયા છે. આયર્ન ઓરના નવા ભાવ એપ્રિલથી અમલમાં આવ્યા છે. આ ભાવ ફોરેસ્ટ પરમીટ ફી વગરના ભાવ રહ્યા છે. આયર્ન ઓરના ભાવ આ પૂર્વે ૮મી માર્ચે વધારવામાં આવ્યા હતા અને હવે એપ્રિલની શરૂઆતમાં નવી ભાવ વૃદ્ધી થતાં સ્ટીલ બજારની તેજીને નવું કારણ મળ્યું છે.
દરમિયાન, કોલસાના ભાવ વધી ટનના ૭૦૦ ડોલર આસપાસ પહોંચ્યા છે. સ્ટીલના ભાવમાં ફેબુ્રઆરી મહિનાથી શરૂ થયેલી તેજી વેગથી આગળ વધી છે. ફલેટ સ્ટીલના ભાવ માર્ચમાં ટનના રૂ.૧૦ હજાર વધ્યા હતા. જો કે સ્ટીલના ઉત્પાદકો દ્વારા નાના તથા મધ્યમ કદના ઉદ્યોગો માટે રાહતના દરે સ્ટીલનો જથ્થો પુરો પડાતો થયો છે સામે બાંધકામ ક્ષેત્ર તથા ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર સામે સ્ટીલની ભાવ વૃદ્ધી નવો પડકાર બનીને આવી છે. દેશમાં સ્ટીલના બજાર ભાવ ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયા છે. વાહનો ચલાવતા પેટ્રોલ તથા ડિઝલના ભાવ તો વધ્યા છે ઉપરાંત હવે વાહનોના પોતાના ભાવ પણ ઉંચા જઈ રહ્યા છે. ઉપરાંત પ્રોપર્ટી માર્કેટમાં પણ ભાવ ઉંચકાયા છે. આની અસર હવે માગ પર પણ પડવાની શક્યતા જાણકારો બતાવતા થયા છે.