આગની સતત ઘટનાઓથી વીજ વાહનો અંગેની ભારતની નીતિ ફરી ચર્ચાના કેન્દ્રમાં

- મોટી બજાર હોવા છતાં ઈ-વાહનોના ફેલાવામાં ભારત અન્ય દેશોની સરખામણીએ પાછળ

દેશમાં પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર તરફથી વીજ વાહનોના ફેલાવામાં વધારો થાય અને વાહન ખરીદનારાઓનું તે તરફ આકર્ષણ વધે તે માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે જ્યારે બીજી બાજુ વીજ વાહનોમાં આગની ઘટનાઓ પણ દિનપ્રતિદિન સામે આવી રહી છે. ભારત સહિત સંપૂર્ણ વિશ્વએ ૯મી સપ્ટેમ્બરના વર્લ્ડ  ઈલેકટ્રીક વ્હીકલ ડેની ઉજવણી કરી હતી તેના ચાર દિવસ બાદ એટલે કે ૧૩ સપ્ટેમબરના  દેશના સિકંદરાબાદ ખાતે   બનેલી એક ઘટનામાં ઈલેકટ્રીક બાઈકના શોરૂમમાં મોટી આગ ફાટી નીકળી હતી. ઈલેકટ્રીક સ્કૂટર્સના ચાર્જિંગ વખતે શોર્ટ સર્કિટ થતાં આ આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું હતું. આગનું કારણ ભલે ગમે તે હોય પરંતુ  ચર્ચાના કેન્દ્રમાં વીજ વાહનો   તથા તેની બેટરીઝ રહેલા છે. આગની ઘટનાઓને કારણે વીજ વાહનો  ખાસ કરીને ટુ  વ્હીલર્સ  હાલમાં અવારનવાર વિવાદમાં રહ્યા  કરે છે, ત્યારે સિકંદરાબાદની ઘટનાએ વીજ સંચાલિત વાહનોની સલામતિને લઈને ફરી પ્રશ્ન અને શંકાઓ ઊભી કરી છે. 

૨૦૭૦ સુધીમાં દેશને સંપૂર્ણ રીતે પ્રદૂષણમુકત બનાવવા  વાહનોથી ફેલાતા પ્રદૂષણને દૂર કરવા ભારત પ્રયત્નશીલ છે. આ માટે રિન્યુએબલ ઊર્જા ઉપરાંત વીજ સંચાલિત વાહનોને પ્રોત્સાહન અપાઈ રહ્યા છે. ભારત સહિત અનેક દેશોમાં બેટરી ઈલેકટ્રીક વ્હીકલ્સ  એક એવી ઊભરતી ટેકનોલોજી છે જે વાહનો મારફત ફેલાતા પ્રદૂષણને ઝડપથી  ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. રિન્યુએબલ ઊર્જા ક્ષમતામાં વધારાની સાથોસાથ વીજ વાહનોના વપરાશમાં વધારો કરવાના આપણા પ્રયાસો પ્રદૂષણમાં ઝડપી ઘટાડો લાવી શકે છે. જો કે વીજ વાહનોના વેચાણ તથા રિન્યુએબલ ઊર્જાની ક્ષમતામાં વધારો કરવાની મંદ ગતિને જોતા વાહનો તથા કોલસા આધારિત વીજથી ફેલાતા પ્રદૂષણ જલદી અટકશે તેવું હાલમાં જણાતું નથી.

૨૦૨૧ના આંકડા પર નજર નાખીએ તો, આ વર્ષમાં કારના કુલ વેચાણમાં વીજથી ચાલતી કારના વેચાણનો આંક ૦.૪૦ ટકા રહ્યો હતો. વીજ વાહનોના વેચાણમાં વધારો થાય તે માટે સરકાર  દ્વારા પ્રોત્સાહનો છતાં વેચાણમાં નરમાઈ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારની નીતિને રાજ્ય સરકારો પણ અનુસરી રહી છે અને મોટા શહેરોમાં ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા ઉત્પાદકોને પ્રોત્સાહનોની સાથોસાથ વીજ વાહનોના વપરાશમાં વધારો થાય તે પણ જરૂરી છે. ડ્રાઈવિંગ રેન્જ અંગે વાહનધારકોની માન્યતા અને હકીકતતા તથા  વીજ વાહનોના પર્યાવરણિય લાભો સંદર્ભમાં વપરાશકારોની અજાણતા વીજ વાહનોના ફેલાવા સામે રુકાવટો લાવી રહ્યા છે,  પરંતુ સૌથી મોટી રુકાવટ વીજ વાહનોમાં સલામતિને લગતી છે. સલામતિના મુદ્દે વપરાશકારોને જ્યાં સુધી વિશ્વાસમાં નહીં લેવાય ત્યાંસુધી કોઈપણ પ્રોત્સાહનો દેશમાં વીજ વાહનોના ફેલાવામાં ઝડપી લાવી શકશે નહીં. 

ઈ-વાહનોમાં સરકાર ટુ વ્હીલર્સને વધુ મહત્વ આપી રહી છે, કારણ કે ભારતમાં ગેસોલિનની કુલ આવશ્યકતામાંથી ૭૦ ટકા આવશ્યકતા ટુ વ્હીલર્સમાં વપરાય છે. આગના  બનાવોએ વીજ વાહનો ખાસ કરીને ઈ-સ્કૂટર્સમાં   વૈશ્વિક લિડર  બનવાની ભારતની  આકાંક્ષાને હાલમાં બ્રેક  નહીં તો ઢીલમાં  પડી ગઈ છે અને વીજ વાહનોની બાબતમાં અમેરિકા તથા ચીન સાથે કદમ મિલાવવાના પ્રયાસો સફળ થવાની શકયતા પણ હાલમાં  દૂરની બની ગઈ છે. ચીન તથા  અમેરિકાએ તેમના ઓટો ક્ષેત્રમાં વીજ સંચાલિત વાહનોની સંખ્યાની બાબતમાં જોરદાર પ્રગતિ કરી છે.  ૨૦૪૦ સુધીમાં વાહનોના વાર્ષિક વેચાણમાં વીજ વાહનોની સંખ્યા ૭૭ ટકા રહેવા ચીન ધારણાં રાખી રહ્યું  છે જ્યારે ભારત માટે આ આંક ૫૩ ટકા મુકાઈ રહ્યો છે. ભારતમાં ઈ-સ્કૂટર્સમાં વપરાતા આયાતી ઓટો પાર્ટસની ડીઝાઈન  દેશમાં  કૃષિ પાકોની જેમ ઊંચા તાપમાન સાથે સુસંગત નહીં હોવાનું  ચર્ચાય રહ્યું છે. વીજ વાહનો માટેના મોટાભાગના પાર્ટસ ભારત ચીન ખાતેથી આયાત કરે છે, માટે તેની વિશ્વસ્નિયતાને લઈને પણ દેશના ઓટો ઉત્પાદકોને શંકા રહ્યા કરે તે સ્વાભાવિક છે. 

વ્યાપક માર્કેટ  હોવા છતાં ભારતમાં વીજ વાહનનું વેચાણ અન્ય દેશોની સરખામણીએ  નીચું છે. દેશમાં ઈ-વાહન તરફ આકર્ષણ વધ્યું નથી  ત્યારે વારંવાર આગ લાગવાની ઘટનાઓથી ચિત્ર વધુ બગડી જશે એમ કહીશું તો ખોટું નહીં ગણાય. બેટરીઝ એ વીજ વાહનનું એક મહત્વનો પાર્ટસ   હોવાથી આપણા દેશના નીતિવિષયકો  સસ્તી  અને સલામત બેટરીઝ પૂરી પાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. બેટરીઝ  માટે જરૂરી લિથિઅમ અને કોબાલ્ટનો ભારત પાસે મોટી માત્રામાં જથ્થો નથી એ જાણીતી હકીકત છે. જે ભારતના વીજ વાહન ઉત્પાદકો માટે આગળ જતાં પડકારરૂપ સ્થિતિ ઊભી કરે તો નવાઈ નહીં ગણાય. આગની ઘટનાઓને  પગલે ઈ-વાહનોની માગ સંદર્ભમાં અનિશ્ચિતતા જોવાઈ રહી છે ત્યારે  દેશના અને બહારના  ઉદ્યોગો ભારતમાં ઈ-વાહન અને બેટરીઝના ઉત્પાદન એકમો ઊભા કરવા પાછળ જંગી રોકાણ કરવા જલદીથી આકર્ષાશે કે કેમ તે એક પ્રશ્ન છે.  વીજ વાહનોની  સલામતિ સંદર્ભમાં  દેશના વાહનચાહકોમાં  જ્યાં સુધી યોગ્ય વિશ્વાસ  ઊભો કરાશે  નહીં ત્યાંસુધી વાહનો દ્વારા ફેલાતા  પ્રદૂષણ ઘટાડવાના આપણા પ્રયાસોમાં સફળતા મળવાનું મુશકેલ છે. વીજ વાહનોને લઈને પ્રવર્તતી અસમંજસની સ્થિતિ વેળાસર દૂર  કરીને  ભારતને  પણ વીજ-વાહનો ખાસ કરીને ઈ-ટુ વ્હીલર્સમાં  ચીન તથા અમેરિકાની સમકક્ષ લાવવામાં આવશે તેવી અપેક્ષા રાખીએ.

City News

Sports

RECENT NEWS