અમેરિકા જઈને ભારતીયો અબજોપતિ બની રહ્યા છે
ફોર્બ્સની નવી યાદી મુજબ, ભારતીય મૂળના અબજોપતિઓની સંખ્યા અમેરિકામાં સૌથી વધુ થઈ ગઈ છે, જેણે ઇઝરાયલને પણ પાછળ છોડી દીધું છે. ૨૦૨૫માં, ભારતના ૧૨ અબજોપતિઓ આ યાદીમાં જોડાયા છે, જ્યારે ઇઝરાયલ અને તાઇવાનના અબજોપતિઓની સંખ્યા ૧૧-૧૧ છે. આ રિપોર્ટ પુષ્ટિ કરે છે કે ભારતીય મૂળના ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકો હવે વૈશ્વિક આર્થિક મંચ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. સૌથી ધનિક ભારતીય-અમેરિકન જય ચૌધરી છે, જેની સંપત્તિ ૧૭.૯ બિલિયન ડોલર એટલે કે રૂ. ૧,૫૩,૪૧૪ કરોડ છે. હિમાચલ પ્રદેશના જય ૧૯૮૦ ના દાયકામાં શિક્ષણ મેળવવા માટે અમેરિકા ગયા હતા અને ત્યાં Zscaler નામની સાયબર સુરક્ષા કંપનીની સ્થાપના કરી હતી. અમેરિકામાં હવે ૧૨૫ વિદેશી મૂળના અબજોપતિઓ રહે છે, જે ૨૦૨૨માં ૯૨ હતા. આ અબજોપતિઓ ૪૩ દેશોના છે અને અમેરિકાના કુલ અબજોપતિઓના ૧૪% છે. તેમની કુલ સંપત્તિ ૧.૩ ટ્રિલિયન ડોલર છે, જે અમેરિકાના કુલ અબજોપતિ સંપત્તિના ૧૮% છે (૭.૨ ટ્રિલિયન ડોલર). તાઇવાન હવે ૧૧ અબજોપતિઓ સાથે ઇઝરાયલની બરાબરી પર છે.
ક્રૂડ ઓઇલ સ્ત્રોતોનું પૂરતા પ્રમાણમાં વૈવિધ્યીકરણ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને યુરેનિયમ ખરીદતા દેશો પર ટેરિફ લાદવાની ધમકી બાદ, કેન્દ્ર સરકાર યુએસ દ્વારા કરવામાં આવનારી જાહેરાતો પર નજર રાખી રહી છે. યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી રશિયા ભારત માટે ક્રૂડ ઓઇલનો સૌથી મોટો સ્ત્રોત રહ્યો છે. તાજેતરમાં ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા માટે ભારત અને ચીન જેવા દેશો પર ૫૦૦ ટકા ડયુટી લાદવાની ચીમકી આપી છે. જોકે, પેટ્રોલિયમ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું કે હાલમાં આ મુદ્દે ચિંતાનું કોઈ કારણ નથી. છેલ્લા ૩ વર્ષમાં અને ખાસ કરીને ૨૦૨૫માં, રશિયાથી તેલ આયાત કરવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડયો છે. ભારતે આ બાબતમાં તમામ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવાનું ચાલુ રાખ્યું છે.