Get The App

અર્ધ- શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઋણધારકોની સંખ્યામાં વધારો

Updated: Mar 12th, 2023

GS TEAM


Google News
Google News
અર્ધ- શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઋણધારકોની સંખ્યામાં વધારો 1 - image


- છેલ્લા પાંચ વર્ષમાં બિઝનેસ લોન પોર્ટફોલિયોમાં મહિલાઓનું પ્રમાણ ૧૨ ટકા વધ્યું

- વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨માં બિઝનેસ લોન મેળવવા માગતી મહિલાઓની સંખ્યા ૩ ગણી થઈ ગઈ છે

ભારતનાં ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં મહિલાઓ દ્વારા ધિરાણ ઉપાડમાં ઝડપી વધારો થયો છે. ટ્રાન્સ યુનિયન સિબિલ અહેવાલો દર્શાવે છે કે ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં મહિલા ઋણધારકોની સંખ્યા ચક્રવૃદ્ધિ ૧૫ ટકાના દરે વધી છે. જ્યારે પુરુષ ઋણધારકોની સંખ્યા ૧૧ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી હતી. મહિલા ઋણધારકોનો હિસ્સો ૨૦૧૭માં ૧૫ ટકાથી વધી ૨૦૨૨માં ૨૮ ટકા થયો હતો. ભારતની અંદાજીત ૧.૪ * અબજની વસતિમાં આશરે ૪૫.૪* કરોડ પુખ્ત મહિલાઓ છે જેમાંથી કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં ૬.૩ કરોડ સક્રિય ઋણધારકો હતી. મહિલાઓ માટે ધિરાણ સુવિધા (કુલ પુખ્ત વસતિમાં ઋણ ધારકોની ટકાવારી) કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં ૭ ટકાથી વધીને ૨૦૨૨માં ૧૪ ટકા થઈ હતી. ડિસેમ્બર ૨૦૨૨માં આશરે ૬.૩ કરોડ ધિરાણ સક્રિય મહિલા ઋણધારકો સાથે મહિલા ઋણધારકોનો વૃદ્ધિ દર (૧૬ ટકા) પુરુષો (૧૩ ટકા) કરતા વધુ ઝડપી રહ્યો છે. આ ડેટા એ વાત પર ભાર મૂકે છે કે દેશભરમાં મહિલાઓને ધિરાણ પૂરું પાડવાની પ્રચંડ ક્ષમતા છે અને તેમના સશક્તિકરણ દ્વારા થતા નાણાંકીય સર્વસમાવેશિતા હાંસલ કરી શકાય છે.

ેભારતના ધિરાણ બજારમાં સક્રિય ભાગીદારો તરીકે મહિલા ઋણધારકોમાં થયેલો વધારો મહિલા જેવા પરંપરાગત વંચિત ક્ષેત્ર માટે નાણાંકીય તકો પૂરી પાડવાનો ઇરાદો ધરાવતી સરકારની નાણાંકીય સર્વસમાવેશિતા પહેલ માટે મદદરૂપ છે. વિવિધ સામાજિક- આર્થિક કેટેગરી વયજૂથો અને ભૌગોલિક સ્થળોમાં મહિલા ઋણધારકો માટે વિશેષ યોજનાઓને કારણે તેઓ પોતાની અપેક્ષાઓ તથા આર્થિક ધ્યેયો હાંસલ કરવા સક્ષમ બનશે અને ધિરાણ સંસ્થાઓને પણ પોર્ટફોલિયો વૃદ્ધિમાં મદદ મળશે.

મહિલા ઋણધારકોની રિસ્ક પ્રોફાઇલ વધુ સારી હોય છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં ૫૭ ટકા મહિલા ઋણધારકોનો સ્કોર પ્રાઇમ૩ અને તેનાથી ઉપર હતો જ્યારે આ સ્કોર ૫૧ ટકા પુરુષ ઋણધારકોમાં હતો. મહિલાઓએ લીધેલી ધિરાણ યોજનાના પ્રકારની તપાસ કરતા જાણવા મળ્યું કે પર્સનલ લોન અને કન્ઝ્યુમર ડયુરેબલ લોન જેવી વપરાશ આધારિત ધિરાણ યોજનાઓ મહિલાઓમાં લોકપ્રિય બની રહી છે. વધુ ને વધુ મહિલાઓ નોકરી કે વ્યવસાય કરતી નાણાંકીય રીતે સ્વતંત્ર બનતી હોવાથી પોતાના જીવનના લક્ષ્યાંકો અને મહત્ત્વકાંક્ષાઓ પૂરી કરવા ધિરાણની તકો શોધી રહી છે.

અહેવાલ એવો પણ સંકેત આપે છે કે છેલ્લા પાંચ વર્ષ (કેલેન્ડર વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨)માં બિઝનેસ લોન મેળવવા માગતી મહિલાઓની સંખ્યા ૩ ગણી થઈ ગઈ છે. જે ભારતમાં મહિલાની આગેવાનીમાં સ્ટાર્ટઅપ્સમાં વૃદ્ધિ થઈ રહી હોવાનું પ્રમાણ છે. આ સમયગાળામાં એકંદર બિઝનેસ લોન પોર્ટફોલિયોમાં મહિલાઓનું પ્રમાણ ૧૨ ટકા વધ્યું છે. (કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં ૨૦ ટકાની સામે કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં ૩૨ ટકા) હોમ લોન સેગમેન્ટમાં પણ મહિલા ઋણધારકોનો હિસ્સો વધ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સેગમેન્ટમાં છ ટકાનો વધારો થયેલ છે.

 અર્ધ- શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઋણધારકોનો હિસ્સો કેલેન્ડર વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ દરમિયાન ૧૮ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યો છે. જ્યારે મેટ્રો અને શહેરી વિસ્તારોમાં ૧૪ ટકાના દરે વૃદ્ધિ થઈ હતી. અર્ધ-શહેરી ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઋણધારકોનો એકંદર હિસ્સો વધીને ૬૨ ટકા થયો હતો.

Tags :