Get The App

રખડતાં ઢોર(Stray Cattle) માટે શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં અપર્યાપ્ત કાયદાકીય જોગવાઈઓ

Updated: Dec 10th, 2023

GS TEAM

Google News
Google News
રખડતાં ઢોર(Stray Cattle) માટે શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં અપર્યાપ્ત કાયદાકીય જોગવાઈઓ 1 - image

- રખડતાં ઢોરનાં નિયંત્રણ માટે કડક કાયદો જરૂરી

- લોકાભિમુખ માર્ગદર્શન -  એચ.એસ. પટેલ IAS (નિ.)

છેલ્લા ત્રણ દાયકાથી રખડતાં ઢોર અંગે રાજ્યનો દરેક નાગરિક કોઈને કોઈ સ્વરૂપે અકસ્માતનો ભોગ બન્યો ન હોય તો પણ ટ્રાફીક નિયમનની દ્રષ્ટિએ કે ખેતરોમાં ભેલાણની દ્રષ્ટિએ અસરગ્રસ્ત છે એટલે કે Civil Society તરીકે આપણે ઉદાસીન છીએ. કોઈપણ પ્રશ્ન અને સમસ્યાનું નિયમનથી પ્રજાની સુખાકારી માટે કાયદો ઘડવો તે શાશકોની ફરજ છે. બ્રિટીશ શાસન વ્યવસ્થા દરમ્યાન ૧૮૮૭માં Cattle Trespass Act. ઢોર અતિક્રમણ અધિનિયમ ઘડવામાં આવેલ ૧૪૦ વર્ષ પહેલાં વિદેશી હકુમતના અંગ્રેજોને રખડતા ઢોર અંગે નિયમન કરવાની દ્રષ્ટિ હોય તો જ્યારે રખડતા ઢોરનો પ્રશ્ન એક ઉપદ્રવ સ્વરૂપે (Cattle menace) ઉપસ્થિત થયેલ હોય અને હાલના આંકડા મુજબ હજારની સંખ્યામાં મૃત્યુ થયા હોય અને અસંખ્ય લોકો અશક્તતા સાથે ઈજા પામ્યા હોય અને જાહેર આરોગ્ય અને સલામતી જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે શાસકો કે વહિવટકર્તાઓની ઉદાસીનતા સ્પષ્ટ થાય છે. કોઈપણ પ્રશ્નના વિવિધ પાસાંઓ પૈકી ઢોરમાલીક / પશુપાલકોના પ્રશ્નો છે તેને નિયમન દ્વારા પ્રજાહિતમાં નિરાકરણ કરી શકાય. ૧૮૮૭માં ઘડાયેલ ઢોર અતિક્રમણ નિયમનના પાલન માટે જે તે સમયે આ કાયદાની જોગવાઈઓનું અમલીકરણ કરવા માટે જીલ્લા કલેક્ટર અને પોલીસને જવાબદારી આપેલ હતી. જે તે સમયે પ્રાથમિક દ્રષ્ટિએ ખેતરોમાં ખેડુતોના પાકનું ભેલાણ ન થાય તે માટે આ કાયદાકીય જોગવાઈઓનો ઉદ્દેશ હતો. આજે તેનું સ્વરૂપ બદલાયું છે. પશુપાલકો શહેરોમાં સ્થળાતંર થતાં પાકના ભેલાણના બદલે શહેરમાં છુટા રઝડતાં મુકે છે તેને કારણે ટ્રાફીક નિયમનમાં અડચણ સાથે અકસ્માતો થાય છે અને રસ્તા ઉપરના રાહદારીઓને ઢોરો દ્વારા હુમલા કરવામાં આવે છે. આ વાસ્તવિક પરિસ્થિતિ વિદ્યમાન છે અને સૌ કોઈ મુકપ્રેક્ષકની માફક ભોગ બને છે.

આઝાદી બાદ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી, જેમાં ગ્રામપંચાયત, નગરપાલીકા, મહાનગરપાલીકાની રચના પંચાયત અધિનિયમ, નગરપાલીકા અધિનિયમ, મહાનગરપાલીકા અધિનિયમમાં જે અગાઉ Cattle Trespass Act માં ઢોર ડબ્બા Cattle Pound નિભાવવાની જવાબદારી પોલીસની હતી તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સુપ્રત કરવામાં આવી અને તેમાં ખાસ કરીને શહેરોમાં ઢોર પકડવા માટે ઢોર પાર્ટી અને ઢોર ડબ્બામાં પકડેલ ઢોરને પુરવાની અને નિભાવવાની જવાબદારી છે અને નિયત કરેલ સામાન્ય દંડની રકમ ભરપાઈ કરે તો પશુપાલકને ઢોર સુપ્રત / છુટા કરવાની કાયદાકીય જોગવાઈઓ છે આમાં કોઈ દંડનીય કે ફોજદારી પ્રકારની કાર્યવાહી નથી. પરંતુ ગુજરાત પોલીસ એક્ટમાં કલમ-૬૯ થી ૭૩ સુધીમાં જો ઢોરને ખીલે બાંધીને (Tethered) ન રાખે તો પોલીસ ફરીયાદ પશુપાલક સામે કરવાની અને ૩ થી ૬ માસ સુધઈની સજાની જોગવાઈ છે. પરંતુ આ કાયદાની જોગવાઈઓનું પોલીસ દ્વારા પાલન થતું નથી. કારણકે પોલીસ વિભાગ પાસે આ સિવાય કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ છે અને આ કામગીરી પરત્વે દુર્લક્ષ સેવામાં આવે છે એવું કહી શકાય અને સ્થાનિક સંસ્થાઓ, પંચાયત, નગરપાલીકા, મહાનગરપાલીકા પાસે કાયદાની બિનઅસરકારક જોગવાઈઓના કારણે કાયમી ધોરણે રખડતા ઢોરનો ઉપદ્રવ ઓછો થતો નથી.

અમો વડોદરા મ્યુનિસીપલ કમિશ્નર હતા ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા શહેરી વિસ્તારો માટે ઘડાયેલ જોગવાઈઓ સાથે અભ્યાસ કરીને આપણા શહેરોને અનુરૂપ અને સમસ્યાના સમાધાન માટે રખડતા ઢોર માટે ડ્રાફ્ટ કાયદો સરકારના શહેરી વિકાસ વિભાગને મોકલવામાં આવેલ, દરમ્યાનમાં ગુજરાત હાઈકોર્ટમાં પણ સંખ્યાબંધ જાહેર હિતની અરજીઓ પણ થતી અને હાઈકોર્ટ દ્વારા પણ અવારનવાર દિશાનિર્દેેશ આપતાં, રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૨માં રખડતાં ઢોર માટે કાયદો ઘડવામાં આવેલ અને તેમાં અસરકારક જોગવાઈઓ હતી પરંતુ રાજ્ય સરકારે કાયદામાં જરૂરી સુધારા-વધારા કરવાને બદલે સમગ્ર કાયદો રદ્ Repeal કરેલ છે અને જેથી હાલ ફક્ત મૂળ Cattle Trespass Act ની બિનઅસરકારક જોગવાઈઓ ધરાવતો કાયદો અમલમાં છે. રખડતાં ઢોર અંગે પશુપાલકો / માલધારીઓ દ્વારા તેઓના હક્ક / ગૌચરની જમીનો / ગૌમાતા અને હિન્દુ સંસ્કૃતિ / કૃષ્ણ ભગવાન સાથે પણ જોડીને રજુઆતો થાય છે. તાજેતરમાં વિદ્યુત જોષી લેખિત એક પુસ્તક પણ પશુપાલકોના ઢોર માટે લખવામાં આવેલ છે અને તેમાં પણ પશુધારકોના હક્ક અંગે ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ દેશના બંધારણમાં કોઈપણ નાગરિકને કાયદેસરનો ધંધો / વ્યવસાય કરવાનો હક્ક આપેલ છે અને તે પશુપાલકોને પણ લાગુ પડે છે. પરંતુ શહેરી વિસ્તારના પેટા નિયમો હેઠળ ઢોરવાડાનું લાયસન્સ લઈને નિયત સંખ્યામાં ઢોર રાખીને ઢોર રાખી શકાય છે. પરંતુ કોઈપણ ઢોરને રખડતા રાખવાનો અને નાગરિકોને અકસ્માત થાય અને ટ્રાફીકને અડચણ થાય તેવુ કરવાનો અધિકાર નથી. ઘણીવાર ગૌચરની જમીન અંગે જણાવવામાં આવે છે. ગૌચરની જમીન કે સાર્વજનિક હેતુ માટે નીમ કરેલ જમીનોની જાણવણી અંગે સુપ્રિમ કોર્ટે પણ દિશાનિર્દેેશ કરેલ છે અને દબાણ ન થાય તે અંગેની પણ સુચનાઓ છે પરંતુ જે સંખ્યામાં દુધાળાં ઢોરની સંખ્યા અને સ્થળાંતર થયું છે તે જોતાં આ ગૌચરની જમીનો પર્યાપ્ત નથી. મોટા ભાગે અતિક્રમણ થયું છે અને સ્થળાંતર નિરંતર સ્વરૂપે છે તે ઉપરાંત જે તે સમયે જે ગ્રામ્ય વિસ્તારો હતા તે હાલ શહેરમાં સમાવિષ્ટ છે જેથી 'અમુલ' દ્વારા જેમ શ્વેત ક્રાંન્તિ લાવવામાં આવી છે અને આ વ્યવસ્થા હવે જ્યારે વાણિજ્ય સ્વરૂપે છે ત્યારે 'ગૌચર' ઢોરને ચરાવવા માટે હતા તેમાં બદલાવ કરીને પશુપાલકોની દુધ મંડળીઓ દ્વારા ઘાસચારા માટે સાર્વજનિક હેતુ માટે જમીનો નીમ કરી, અમુલ પેટર્ન ઉપર ઘાસચારો પુરો પાડવામાં આવે તો લાંબાગાળા માટે આ સમસ્યાનું નિરાકરણ આવી શકે. શહેરોમાં ઢોરવાડા Animal Hostel નું નિર્માણ કરવુ એ કાયમી ઉકેલ નથી.

ગ્રામ્ય વિસ્તારોમાં જો શહેરનાં ઢોરનું નિયંત્રણ કરવામાં નહિ આવે તો ગ્રામ્ય વિસ્તારમાં સ્થળાંતર થશે અને થઈ રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં ખેતીમાં ભેલાણ કરવાના પ્રશ્નો છે અને ઉભા પાકને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને સૌના ધ્યાન ઉપર એ બાબત છે કે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર કે અન્ય કોઈ શહેરોમાં આપણને રખડતાં ઢોર જોવા મળતાં નથી તો ગુજરાતમાં આ પ્રશ્ન કેમ વિકરાળ સ્વરૂપે છે તો તેનું એક માત્ર કારણ એ છે કે પર્યાપ્ત કાયદાની જોગવાઈઓનો અભાવ અને તેને ઘડવાની અને અમલ કરવાની ઈચ્છા શક્તિનો અભાવ સાથે ઉદાસીનતા સ્પષ્ટ થાય છે. બંધારણની જોગવાઈઓ પ્રમાણે નાગરિકોના હક્કની જાળવણી સાથે પ્રજાના જાનમાલ, સલામતી સાથે સુખાકારીની જવાબદારી રાજ્યની છે. જેથી રાજ્ય સર્વગ્રાહી અને કડક જોગવાઈઓ સાથે કાયદો ઘડવો અનિવાર્ય છે.