પ્રવર્તમાન સમયમાં રોકાણકારોની નજરે સોનામાં થતું રોકાણ શ્રેષ્ઠ
- એન્ટેના - વિવેક મહેતા
- રૂ. 95000થી સોનું ઉપર જાય તો નફારૂપીે વેચવાલી સોનાને રૂ. 1 લાખનું મથાળું પાર કરવા જ નહિ દે
બોન્ડ માર્કેટ તૂટી રહ્યું હોવાથી સોનાના બજારમાં તેજીની રેવાલ જોવા મળી રહી છે. સોનામાં સેફ હેવન બાયિંગ ચાલી રહ્યું છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે રેટ કટ કર્યો અને ડૉલર નરમ પડી રહ્યો છે તેથી સોના તરફ રોકાણકારો વળી રહ્યા છે. તેથી સોનાના ભાવ વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ટ્રોય અંશના ૩૨૧૮થી ૩૨૩૨ ડૉલરની રેન્જમાં બોલાઈ રહ્યા છે. ભારતના બજારમાં દસ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૯૪૦૦૦ની આસપાસનો બોલાઈ રહ્યો છે.
અમદાવાદના બજારમાં દસ ગ્રામના રૂ. ૯૩,૫૦૦થી રૂ. ૯૩,૮૦૦ બોલાઈ રહ્યા છે. અમેરિકી ડૉલરમાં નરમાઈ જોવા મળી છે. તેથી સોનામાં લેવાલીનું જોર વધી રહ્યું છે. ડૉલર સિવાયની અસ્ક્યામતોમાં સોનાની લેવાલીમાં રોકાણકારોને વધુ રસ પડવા માંડયો હોવાથી તેમાં તેજી જોવા મળી રહી છે. વિશ્વ બજારમાં છેલ્લા બાર મહિનામાં સોનાના ભાવમાં ૩૫થી ૩૭ ટકાનો વધારો જોવા મળ્યો છે.
સોનાના ભાવમાં વધારો થવાનું એક કારણ શેરબજારની અફરાતફરી પણ છે. શેરબજારમાં ભાવમાં મોટી ઊથલપાથલ જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં કડાકો થતાં રોકાણકારોના રૂ. ૨૦ લાખ કરોડથી વધુનું ધોવાણ થઈ ચૂક્યું છે.
આમ ભારતીય શેરબજારમાં ગાબડે ગાબડાં પડી રહ્યા છે. તેથી જ શેરબજારના રોકાણકારો સોનાના બજાર તરફ ફંટાયા છે. રોકાણકારોને અત્યારે રિયલ એસ્ટેટમાં પણ અત્યારે રોકાણ કરવા જેવું લાગતું નથી કારણ કે રિયલ એસ્ટેટમાં તૈયાર માલ વેચાયા વિનાનો ખાસ્સો પડયો રહ્યો છે. તેથી તેમાં ભાવ વધારાની શક્યતા સીમિત થઈ ગઈ છે. પરિણામે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવામાં બહુ રસ જણાતો નથી.
ભારતમાં સોનાના બજારમાં તેજી આવવાની એક શક્યતા એ છે કે વૈશાખ મહિનાની લગનસરા ચાલુ થવામાં જ છે. લગનસરામાં લેવાલી નીકળવાની સંભાવનાને પરિણામે સોનાના ભાવમાં ઊછાળો આવવાની શક્યતા જોવામાં આવી રહી છે.
લગનસરાને ધ્યાનમાં રાખીને સોનાની આગોતરી ખરીદી મોટાભાગના લોકો કરી ચૂક્યા હોવાનો અંદાજ છે. પરિણામે અત્યારે લેવાલીનું જોર નીકળવાની શક્યતા સીમિત છે. તેથી સોનાના ભાવમાં પાંચસો સાતસોથી વધારેનો ઊછાળો આવવાની શક્યતા સીમિત થઈ ગઈ છે. તેનું બીજું એક કારણ એ છે કે સોનાનો ભાવ રૂ. ૯૫૦૦૦ની સપાટી વળોટે કે તરત જ રૂ. ૬૦૦૦૦થી રૂ. ૭૦૦૦૦ના ભાવે સોનું ખરીદનારાઓ વેચીને નફો બુક કરવા માટે ટાંપીને બેઠાં છે. તેમ જ જૂના સમયનું સોનું ધરાવનારાઓ પણ આ વધારામાં રોકડી કરી લેવાની માનસિકતા ધરાવી રહ્યા છે.
આ વલણ સોનાની તેજી પર બ્રેક લગાવશે. સોનાના ભાવ રૂ. ૯૫,૦૦૦થી ૯૬૦૦૦થી ઉપર જતાં અટકાવશે. પરિણામે સોનું ત્રણેક માસના ગાળામાં રૂ. ૧ લાખની સપાટીને વળોટી જાય તેવી સંભાવના હાલને તબક્કે તો દેખાતી જ નથી. આ સ્થિતિમાં સોનું ટૂંકા ગાળામાં રૂ. ૧ લાખના મથાળાને વળોટી જશે તેવી ગણતરીએ લેવાલી કરનારાઓએ લેવાલીથી દૂર રહેવું હિતાવહ છે. તેમના ગણિતો ઉંધા પડી શકે છે.