અમારી દુકાનમાં મળશે જી-20, એટલે કે 20 પ્રકારના ગાંઠિયા

- સ્માઇલ ઇન્ડેક્સ : વ્યર્થશાસ્ત્રી

- નેતાઓ ચૂંટાયા વગર ૨૦ પ્રકારના ગોટાળા મારે કે ટિકિટથી વંચિત રહીને બીજા માટે ૨૦ પ્રકારના ગાભા મારે એ પણ જી-૨૦ જ છે

વારા ફરતી વારો, તારા પછી મારો એ ક્રમમાં  ભારતને જી-૨૦નું પ્રમુખપદ મળી ગયું છે, પણ ભારતની પ્રજાની લાઈફમાં તો પહેલેેથી કેટકેટલાંય પ્રકારના જી-૨૦ મોજુદ છે. 

જેમ કે, અમદાવાદનો આઈસગોળા  જી-૨૦ ગોળાની જાહેરાત કરી શકે. કોઈ પૂછે કે આ ગોળામાં ૨૦ શું છે તો એ કહેશે કે, 'જી-૨૦ એટલે બરફ પ્લસ સળી પ્લસ બીજી ૧૮ આઈટમો, જેમાં ચાર જાતના શરબત પણ છે.' અમદાવાદી ગ્રાહક સરવાળો માંડીને પૂછે કે બાકીની ૧૪ આઈટમો કઈ તો ગોળાવાળો કહેશે , 'બોસ, તમને ખબર પડે તો મને કહેજો, મને ખબર પડે તો હું કહીશ.' 

ગોળાની લારી આસપાસ એકાદ ટીનેજરને પૂછો કે જી-૨૦ વિશે  તારું શું કહેવું છે તો એ કતરાશે કે, 'વડીલ, તારું નહીં તમારું શું કહેવું છે એમ પૂછો. હું ૨૦-૨૦ ગ્રુપમાં એડમિન છું.  એકસાથે ૨૦ ગૂ્રપમાં તમને વાયરલ  કરી શકું કે બ્લોક કરી શકું એવી તાકાત છે મારી.'  

કોઈ ગુજરાતી છોકરીને જી-૨૦ વિશે  પૂછશો તો એ  કહેશે, 'લે , તમને નથી?' ખબર ટાઈપના મનોભાવ સાથે કહેશે કે, 'જી-૨૦ એટલે અમારા તો ૨૦ ટાઈપનાં ગરબા  સ્ટેપ્સ.' આપણે વળી દોઢડહાપણ ડહોળીએ કે નવ દિવસના નોરતાંમાં ૨૦ ટાઈપના સ્ટેપની શું જરૂર તો તમારાં જ્ઞાાનમાં વધારો કરી શકે કે, 'અમારે સ્કૂલ-કોલેજના ગરબા, જ્ઞાાતિના ગરબા, કોઈના મેરેજના ગરબા, ઉત્તરાયણના અગાશીએ કરવાના  ગરબા એમ એક વર્ષમાં ૨૦ જગ્યાએ ને પ્રસંગે ગરબા કરવાના  હોય, એમાં કોઈ સ્ટેપ રિપીટ ના કરાય,  શું સમજ્યા?' 

આ મેડમની સમજણ એમને મુબારક પણ એ જે પાર્ટી પ્લોટ કે ગ્રાઉન્ડ પર ગરબા ગાવા જતાં  હોય ત્યાંના ગરબા  ગાયકો  કહી શકશે કે ,'અમારે મન તો જી-૨૦ એટલે એ ૨૦ હિટ ગરબા જેના આધારે અમે વષોનાં વર્ષો સુધી અમારું ગાડું ગબડાવે રાખ્યું છે.'   આ ગરબા ગાયકોએ જોકે મનમાં ઓછું લાવવાની જરૂર નથી, કારણ કે અસ્સલના જમાનાની ગુજરાતી ફિલ્મોમાં પણ જી-૨૦ એટલે કે ૨૦ ગર્લ્સ એકસરખી ૨૦  ગાગર લઈને રાસડા લેતી હોય તે પ્રકારનાં ગીતો જ ચાલ્યાં કરતાં.

આવી ફિલ્મોવાળાઓએ વર્ષોનાં વર્ષો સુધી એક જ તેલમાં ભજીયાં, ગોટા, ગાંઠિયા, બુંદી બધું તળ્યે રાખ્યું એના પરથી યાદ આવે કે ડાકોરની બજારમાં અસ્સલ અમુકભાઈ તમુકભાઈના  ગોટા અહીં જ મળે છે એવું ૨૦ દુકાન પર વાંચીએ તો આપણે જી-૨૦ છાપ  ગોટાળે ચડી જઈએ કે આમાંથી અસ્સલ ભાઈ કયા. એમ તો  આપણે ત્યાં ભાવનગર કે રાજકોટ અને હવે ઈવન અમદાવાદના ગાંઠિયાવાળાઓ પણ આ જી-૨૦ની રેસમાં  એમ કહીને જોડાઈને  શકે કે અમારે ત્યાં જી-૨૦ એટલે કે ૨૦ પ્રકારના ગાંઠિયા મળશે. જોકે, એવું કોઈ નહીં કહે કે આ ૨૦ પ્રકારના ગાંઠિયા સાથે ચટણી એક જ પ્રકારની એટલે  કે આગલા દિવસના વધેલા વીસે વીસ  પ્રકારના ગાંઠિયામાંથી જ બનાવેલી મળશે. 

ગઈકાલના ગાંઠિયા વાટીને ચટણી પીરસતા ગાંઠિયાવાળાઓ કદાચ તેમની પ્રેરણા આપણા નેતાઓ પાસેથી લેતા હશે જેઓ ગઈકાલની જ જાહેરાતો, યોજનાઓ, પ્રોજેક્ટ્સને ચૂંટણી  ભાષણોમાં  વાટી વાટીને આપણને ચટણી તરીકે પીરસી દે છે અને આપણે પાછા હોંશે હોંશે એ બધી  ચાટી પણ જઈએ છીએ. 

બાકી નેતાઓ તો આપણે ત્યાં બે પ્રકારના હોય છે. એક તો ચૂંટાઈને જી-૨૦ એટલે કે ૨૦ પ્રકારના ગોટાળા કરી જાણે ને બીજા એ જેમને ટિકિટ ના મળી હોય એટલે વર્ષોનાં વર્ષો સુધી હરીફ પક્ષમાંથી આવેલા આયાતીઓ માટે જી-૨૦ એટલે કે ૨૦ પ્રકારના ગાભા માર્યા કરે. શું કહો છો? 

સ્માઈલ ટીપ 

કોઈપણ પ્રકારનું ચૂંટણી ભાષણ જી-૨૦ વગર અધૂરું ગણાવું જોઈએ, જી-૨૦ એટલે ૨૦ પ્રકારના ગપગોળા. 

City News

Sports

RECENT NEWS