For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

GSTR 2A માં ન દેખાતા વ્યવહારની વેરાશાખ બાબતે અગત્યનો ચૂકાદો

Updated: Jan 22nd, 2023


- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ GSTR 2A અને હવે GSTR 2B ની ખૂબ જ મહત્વકાંક્ષા દર્શાવવામાં આવી છે. અવાર-નવાર કલમ ૧૬ માં સુધારા કરવામાં આવી રહ્યા છે અને વેરાશાખનો દાવો માગવો લોઢાના ચણા ચાવવા જેવો છે. તાજેતરમાં સરકાર દ્વારા પરિપત્ર ક્રમાંક ૧૮૩/૧૫/૨૦૨૨- GST તારીખ ૨૭-૧૨-૨૦૨૨ જાહેર કરવામાં આવેલો. જેમાં એમ ચોખવટ કરવામાં આવેલી કે નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯ માં GSTR 2A માં ન દેખાતી વેરાશાબ બાબતે શું પદ્ધતિ અપનાવીને દાવો માન્ય રાખી શકાય. આ બાબતે અગાઉના લેખમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બાબતે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ ના વ્યવહાર બાબતે કર્નાટકા વડી અદાલત દ્વારા વિપ્રો લીમીટેડ ઈન્ડીયા [W.P. No. 16175/2022] તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ ઉમદા ચૂકાદો આપવામાં આવેલ છે જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકત

અરજદાર દ્વારા મે. એબીબી ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ સર્વિસીસ પ્રા.લી.ને સપ્લાય કરવામાં આવેલ અને અરજદાર દ્વારા જે પત્રકો ભરવામાં આવ્યા હતા તેમાં GST નંબર ખોટો નંખાઈ ગયો હતો. આના લીધે અરજદારના સપ્લાયના રેસિપિયન્ટને GSTR 2A માં વ્યવહાર દેખાતા નથી. આ તકલીફ નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માં ઉપસ્થિત થઈ. અરજદારની પાસે પત્રક સુધારવાનો સમય પૂર્ણ થઈ ગયો હતો. આના સમાધાન અને પરિપત્ર ક્રમાંક ૧૮૩/૧૫/૨૦૨૨- GST ને ધ્યાને લઈ અરજદાર દ્વારા માન. કર્નાટકા વડી અદાલતમાં રીટ દાખલ કરી.

વડી અદાલતનો ચુકાદો

અરજદારની રજૂઆત ધ્યાને લેતા કર્નાટકા વડી અદાલત દ્વારા એમ ઠરાવવામાં આવ્યું કે નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯ માટે સરકારનો પરિપત્ર સ્પષ્ટ છે અને તેને અનુસરીને ખાતાએ વેરાશાખ માન્ય રાખવાની થાય. જે પ્રમાણે સરકાર દ્વારા નાણાકિય વર્ષ ૧૭-૧૮ અને ૧૮-૧૯ માટે સ્પષ્ટતા કરવામાં આવી છે તેનો લાભ નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦ ના વ્યવહારને પણ આપવાનો થાય એમ કર્નાટકા હાઈ કોર્ટે ઠરાવ્યું. આ ચૂકાદો ગમે ત્યારે ફેરવી તોડવામાં આવે તે નવાઈ નહી. આ ખૂબ જ ઉમદા ચુકાદો આપવામાં આવ્યો છે. કલમ ૧૬ તથા નિયમ ૩૬(૪) ની જોગવાઈ જોતા આ ચુકાદો કેટલો ટકશે તે એક પેંચીદો પ્રશ્ન છે. નિયમ ૩૬(૪) ને લીગલ વર્ચસ્વ આપવા માટે સરકાર દ્વારા CGST કાયદાની કલમ ૧૬ માં પેટા કલમો ૨૦૨૨ ના બજેટમાં ઉમેરવામાં આવી હતી. નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦ તથા ૨૦૨૦-૨૧ માટે નિયમ ૩૬(૪) જ્યાં સુધી ગેરબંધાર્ણીય ઠરાવવામાં નહી આવે ત્યાં સુધી તકરાર રહેવાની.


Gujarat