- વેચાણવેરો - સોહમ મશરુવાળા
બહુપ્રતિક્ષિત GST કાઉન્સિલની ૫૬ મી બેઠક તાજેતરમાં યોજાઈ ૩ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ. જેમાં અનેક મહત્ત્વના કરદર ફેરફારો તથા કાયદાકીય સુધારા લાવવામાં આવ્યા છે. સામાન્ય નાગરિકો માટે રોજિંદા વપરાશની વસ્તુઓમાં રાહત મળશે કે નહીં, માત્ર સમય જ કહેશે. પરંતુ વ્યાપાર જગત માટે કાયદાકીય અસર વધારે મહત્વની છે. જી.એસ.ટી. દરોમાં વિશાળ ઘટાડો તથા ફેરફારોનો અમલ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫થી તબક્કાવાર શરૂ થવાનો છે. જો કે, ઉત્પાદકો અને ડીલરો માટે દરમાં ઘટાડો ઇનવર્ટેડ રેટ સ્ટ્રકચરને કારણે ટેક્સ ક્રેડિટમાં ભંડોળને નોંધપાત્ર રીતે અવરોધિત કરશે. પ્રાથમિક નજરે સૂચવેલા ફેરફારો સરળ હોવા છતાં તે અત્યંત જટિલ છે અને તેના કારણે કરવેરા વિવાદોનો ક્યારેય અંત આવતો નથી. PIB દ્વારા જારી કરાયેલ પ્રેસ રિલીઝમાં, માલ અને સેવાઓની વસ્તુઓની યાદી જણાવવામાં આવી છે અને દરમાં ફેરફાર ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ થી અથવા સૂચનામાં સૂચવ્યા મુજબ લાગુ થશે.
કરદર બદલાવ અને Time of supply નું મહત્ત્વ
નવા દરો ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થશે. પરંતુ કાયદા અનુસાર કયાં દર લાગુ પડશે તે time of supply દ્વારા નક્કી થાય છે. (i) જો સપ્લાય ૨૨ સપ્ટેમ્બર પહેલાં થયો હોય, તો જૂનો દર લાગુ પડશે. (ii) જો સપ્લાય ૨૨ સપ્ટેમ્બર પછી થયો હોય, તો નવો દર લાગુ પડશે, ભલે ઇન્વોઈસ પહેલાં જારી થયેલો હોય. (iii) જો advance payment ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ પહેલાં મળ્યું હોય અને ઇન્વોઇસ પણ જારી કરવામાં આવ્યું હોય પણ માલ પછી પુરવઠો થયો હોય તો ઇન્વોઈસ પર જૂનો દર લાગશે. આથી વેપારીઓએ ઇન્વોઇસિંગ, પેમેન્ટ અને ડિલિવરી તારીખનું સંકલન ખૂબ જ ધ્યાનથી કરવું પડશે.
વચેટિયાની નવી વ્યાખ્યા
IGST એક્ટ ૨૦૧૭ ની કલમ ૧૩(૮) ની કલમ (b) નાબૂદ. તે મુજબ કાયદામાં સુધારા પછી, 'વચેટિયા સેવાઓ' માટે સપ્લાયનું સ્થાન IGST એક્ટ, ૨૦૧૭ની કલમ ૧૩(૨) હેઠળ ડિફોલ્ટ જોગવાઈ મુજબ નિર્ધારિત કરવામાં આવશે એટલે કે આવી સેવાઓ પ્રાપ્તકર્તાનું સ્થાન. આનાથી આવી સેવાઓના ભારતીય નિકાસકારોને નિકાસ લાભોનો દાવો કરવામાં મદદ મળશે. આ ફેરફારને કારણે, ભારતમાંથી ચૂકવવામાં આવતા વિદેશી કમિશન પર રિવર્સ ચાર્જ લાગશે.
CGST કાયદાની કલમ ૧૫ અને કલમ ૩૪ માં ફેરફાર
CGST અધિનિયમ, ૨૦૧૭ની કલમ ૧૫(૩) (b) (i) નાબૂદ કરવામાં આવશે અને તેથી હવે ડિસ્કાઉન્ટ પહેલાથી જાણવાની જરૂર રહેશે નહીં. ડિસ્કાઉન્ટ કલમ ૩૪ હેઠળ ક્રેડિટ નોટ દ્વારા પ્રદાન અને GST ક્રેડિટ નોટ દ્વારા વેચાણ પછી ડિસ્કાઉન્ટ (post supply discount) આપવામાં આવે અને સપ્લાયનું મૂલ્ય ઘટાડવામાં આવે તો પ્રાપ્તકર્તા દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટને રિવર્સલ કરવાની જરૂર પડશે. ૨૬ જૂન ૨૦૨૪ના રોજ જાહેર કરાયેલ પરિપત્ર નં. ૨૧૨/૬/૨૦૨૪- જીએસટી રદ કરવામાં આવશે.


