FOLLOW US

માથાદીઠ આવક વધશે તોજ ભારત વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચશે

Updated: Sep 17th, 2023


- પાંચમા નંબરનું અર્થતંત્ર બનવું તે જેટલું પ્રશંસનીય છે એટલુંજ શરમજનક માથા દીઠ આવકનું પ્રમાણ છે, તેમાં ભાગ્યેજ વધારો થતો જોવા મળે છે

- મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગના જીવન ધોરણોે વધુ આર્થિક સમસ્યા વાળા બનતા જાય છે. ટૂંકમાં પૈસાદાર વધુ પૈસાદાર થાય છે અને મધ્યમ વર્ગની આર્થિક સમસ્યા વધુ ગૂંચવાઇ રહી છે.

- જ્યારે ભારત વિકસિત દેશોની પંગતમાં બેસશે ત્યારે લોકોના જીવન ધોરણોમાં પણ સુખદ પરિણામો જોવા મળી શકે છે. હાલમાં ભારતના ગ્રોથની અસર મધ્યમ વર્ગની આવક પર થતી હોય તે દેખાતું નથી.

આ પણે ત્યાં આર્થિક તંત્રની સિધ્ધિઓની વાતો રોજ સાંભળવા મળે છે પરંતુ મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગના જીવન ધોરણોે વધુ આર્થિક સમસ્યા વાળા બનતા જાય છે. ટૂંકમાં પૈસાદાર વધુ પૈસાદાર થાય છે અને મધ્યમ વર્ગની આર્થિક સમસ્યા વધુ ગૂંચવાઇ રહી છે. ભારત વિશ્વમાં પાંચમા નંબરનું આર્થિક તંત્ર બને તે ગૌરવની વાત છે પરંતુ દેશમાં જ્યાં સુધી માથાદીઠ આવકમાં વધારો નહીં થાય ત્યાં સુધી તળીયાની પરિસ્થિતિ બદલાવાની નથી. મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગ જ્યારે ઠેરનો ઠેર રહે છે ત્યારે આર્થિક સમૃધ્ધિ કાગળ ઉપરની છે એમ કહી શકાય.

અહીં સંત કબીરની વાત આવે છે કે...

બડે ભયો તો ક્યા ભયો ,જૈસે પેડ ખજૂર, ...પંછી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર.  એટલેકે ભારત વિશ્વમાં પાંચમા નંબરનું અર્થતંત્ર બનશે પણ તેનાથી મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગના રોજીંદા જીવનના ખર્ચા અને બચતમાં કોઇ ફેર પડતો નથી.  ખજૂરનું ઝાડ બહુ ઉંચું હોય છે પરંતુ તે પંખીને છાંંયો આપી શકતું નથી કે તેના ફળ આસાનીથી તોડી શકાતા નથી.

સત્તાવાળાઓ અને આર્થિક નિષ્ણાતો પણ જાણે છે કે દેશની આર્થિક સમૃધ્ધિની સાથે ક્યારેય મધ્યમ વર્ગની સમૃધ્ધિ કે માથા દીઠ આવક વધતાં નથી તેના કારણે આ વર્ગ ઠેરનો ઠેર રહે છે. મધ્યમ વર્ગ પોતે પણ ઇચ્છે છે કે તેની ફરતે વીટળાયેલી આર્થિક સમસ્યાઓનો ઉકેલ ક્યારે આવશે. 

સર્વાંગી આર્થિક સમૃધ્ધિ આવે તોજ દરેક વર્ગને લાભ થઇ શકે છે. જોકે આ સમસ્યાથી દરેક દેશ પીડાઇ રહ્યો છે.

આર્થિક નિષ્ણાતોએ તાજેતરમાં કહ્યું છે કે પાંચમા નંબરે પહોંચતું આર્થિક તંત્ર પ્રશંસાને લાયક છે માથા દીઠ આવક વધારવાનું વિચારવાની તાતી જરૂર છે. પાંચમા નંબરનું અર્થતંત્ર બનવું તે જેટલું પ્રશંસનીય છે એટલુંજ શરમજનક માથા દિઠ આવકનું પ્રમાણ છે. તેમાં ભાગ્યેજ વધારો થતો જોવા મળે છે.

૨૦૨૦માં માથાદીઠ આવકમાં ભારત ૧૯૭ દેશોમાં ૧૪૨માં ક્રમે હતું. ટૂંકમાં આપણે માથા દીઠ આવક અને ગ્રોથ વધારવા લાંબી મજલ કાપવાની છે. મધ્યમ વર્ગ દેશની કરોડ રજ્જૂ સમાન છે. વોટ માંગવા આવતા રાજકારણીઓ પ્રજાને વચનોની લોલીપોપ બતાવીને જતા રહે છે. જેના કારણે લોકો ત્રસ્ત છે અને પોતાની તરફ સત્તાવાળાઓ ધ્યાન નથી આપતા એવી ફરિયાદ કરતા જોવા મળે છે.

જ્યારે ભારત વિકસીત દેશોની પંગતમાં બેસશે ત્યારે લોકોના જીવન ધોરણોમાં પણ સુખદ પરિણમો જોવા મળી શકે છે. હાલમાં ભારતના ગ્રોથની અસર મધ્યમ વર્ગની આવક પર થતી હોય તે દેખાતું નથી. ગ્રોથ એવી રીતે શકય બનેકે તેનો લાભ મધ્યમ વર્ગના અને શ્રમજીવી વર્ગના લોકોને મળી શકે.

વર્ષોથી આપણે જોતા આવ્યા છીયે કે ભારતનો ગ્રોથ એવી રીતે થઇ રહ્યો છે કે પૈસાદાર વર્ગ વધુ પૈસાદાર અને મધ્યમ વર્ગ તેમજ શ્રમજીવી વર્ગ ઠેરનો ઠેર રહ્યો છે. મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગની કેટેગરીમાં પહોંચ્યો છે અને પૈસાદાર વર્ગની પંગતમાં બેસવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગ્રોથનો લાભ દરેક વર્ગને એક સરખો મળતો નથી.

આર્થિક નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જોે દેશનો ગ્રોથ સતત બે દાયકા સુધી સાત ટકાનો એક સમાન રહેશે તો દેશમાં પાયાથી ફેરફારો જોવા મળશે અને ભારત વિકસિત દેશોની હરોળમાં આવી શકસે. જેના માટે ભારતે નવી ટેકનોલોજીને રોજીંદા વપરાશમાં અપનાવવી પડશે તેમજ રોજગારી ઉભી કરવાનો પ્રયાસ કરવો પડશે. રોજગારી ઉભી નહીં થાય તો ગ્રોથ ટકી નહીં શકે અને તે ડામાડોળ થતો જોવા મળશે.

આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે વિકાસની વ્યૂહરચના સર્વાંગી ગ્રોથ સાથે જોડાયેલી હોવી જોઇએ તેમજ દેશની નિકાસ મજબૂત હોવી જોઇએ. હાલમાં નિકાસ ખાસ કરીને ઓગષ્ટમાં ૬.૯ ટકા તૂટી છે, ટ્રેડ ડેફીશીટ ૧૦ મહિનાની ટોચે છે.

માથાદીઠ આવક (Per capita income (PCI))  શહેર, પ્રદેશ અને દેશના આધારે નક્કી કરાતી હોય છે. દેશના લોકોના સ્ટાન્ડર્ડ ઓફ લિવીંગના આધારે પણ માથા દીઠ આવક નક્કી કરાતી હોય છે.

૧૩ મિલીયનની વસ્તી ધરાવતા બુરાન્દીની માથા દીઠ આવક ૩૦૮ ડોલર છે જે  વિશ્વમાં સૌથી ઓછી છે. વિશ્વના સૌથી ગરીબ દેશોની માથા દીઠ આવક ૩૦૦ થી ૫૦૦ ડોલરની આસપાસ હોય છે.


- ૨૦૩૦ સુધીમાં ભારતમાં માથાદીઠ આવકમાં  ૭૦ ટકાનો ઉછાળોે આવી શકે...

ભારતમાં માથા દીઠ આવકમાં ૭૦ ટકાનો ઉછાળો નોંધાઇ શકે છે. એક બેંકના રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૩૦ સુધીમાં ભારતમાં માથાદીઠ આવકમાં ૭૦ ટકાનો ઉછાળોે આવી શકે છે. વડાપ્રધાન મોદી અનેકવાર કહી ચૂક્યા છે કે જ્યારે તે આગામી ટર્મમાં ચાર્જ સંભાળશે ત્યારે તે  ભારતને વિશ્વના ટોપ થ્રી આર્થિક તંત્રમાં લાવી દેશે. જો માથાદીઠ આવકમાં ૭૦ ટકાનો વધારો થાય તોજ  માથાદીઠ આવક ૨૪૫૦ ડોલરથી જમ્પ મારીને ૪૦૦૦ ડોલર પર પહોંચી શકે છે. ૨૦૦૧ થી ૨૦૧૧ દરમ્યાન ભારતમાં માથા દીઠ આવક ૪૬૦ ડોલરથી ૧૪૧૩ ડોલર હતી.૨૦૨૧માં તે ૨૧૫૦ ડોલરની હતી.

Gujarat
English
Magazines