Get The App

જીએસટી કાયદા હેઠળ ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદા સંદર્ભે અગત્યની બાબતોની છણાવટ

Updated: Mar 17th, 2025

GS TEAM


Google News
Google News
જીએસટી કાયદા હેઠળ ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદા સંદર્ભે અગત્યની બાબતોની છણાવટ 1 - image


- GSTનું A to Z - હર્ષ કિશોર

- કરચોરો સામે કાર્યવાહી કરવા અને જરૂર પડયે સજા અપાવવા માટે ફોજદારી કાયદા અને ફોજદારી કાર્યરીતિની કેટલીક મહત્વની બાબતોનો સમાવેશ 

- જીએસટી જેવા વિશેષ કાયદાઓમાં કરવામાં આવેલ છે અને ટેક્સ અધિકારીઓને પોલીસ અધિકારીઓ જેવી કેટલીક સત્તાઓ આપવામાં આવેલ છે

આપણે જાણીએ છીએ કે જીએસટી કર-પ્રણાલી હેઠળ અમુક કિસ્સામાં ખોટા દસ્તાવેજો અથવા ઉપજાવી કાઢેલા દસ્તાવેજોના આધારે બોગસ રજીસ્ટ્રેશન અને તેના આધારે ખોટી ટેક્સ ઇન્વોઇસ ઈશ્યુ થતી હોય છે તેમજ ખોટી  ITC અને રિફંડ લઈને કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર અને ગુનાહિત માનસિકતા સાથે અપકૃત્ય કરીને સરકારની તિજોરીને બેવડું નુકસાન કરવામાં આવે છે. હાલ આ બાબત કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને માટે ખૂબ જ ચિંતાનો વિષય બનવા પામેલ છે અને સરકાર તેને કંટ્રોલ કરવા માટે સતત પ્રયત્નશીલ છે. મોટાપાયે ગુનાહિત કૃત્ય કરીને કરચોરી કરનારા ઇસમો સામે નાછૂટકે ધરપકડ જેવું શસ્ત્ર પણ ઉગામવામાં આવે છે જેથી ઇમાનદારીથી વેપાર કરતા લોકોને અને ગ્રાહકોને મદદરૂપ થઈ શકાય. જે વ્યક્તિઓ/વેપારીઓ બોગસ બિલિગ કરે છે અથવા તો બોગસ બિલિંગના આધારે ખોટી વેરાશાખ લે છે તે એક ફોજદારી ગુનો બને છે.

રિટ પિટિશન : કરચોરો સામે કાર્યવાહી કરવા અને જરૂર પડયે સજા અપાવવા માટે ફોજદારી કાયદા અને ફોજદારી કાર્યરીતિની કેટલીક મહત્વની બાબતોનો સમાવેશ જીએસટી જેવા વિશેષ કાયદાઓમાં કરવામાં આવેલ છે અને ટેક્સ અધિકારીઓને પોલીસ અધિકારીઓ જેવી કેટલીક સત્તાઓ આપવામાં આવેલ છે. આમ તો જીએસટી જેવા વિશેષ કાયદામાં પૂરતા ઇન્ટર્નલ ચેક્સ અને બેલેન્સ તેમજ કંટ્રોલ્સ રાખવામાં આવેલ છે પરંતુ તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં બંધારણના અનુક્રમે અનુચ્છેદ ૩૨ કે ૨૨૬ હેઠળ રિટ પિટિશન (Mandamus fu Certioreri) કરવામાં આવે છે અને જે તે કોર્ટ પાસેથી ન્યાય અથવા ગૂંચવાડાભર્યા મુદ્દાઓ અંગે સ્પષ્ટતા મેળવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે.

કેસઃ તાજેતરમાં તા. ૨૭.૦૨.૨૦૨૫ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા Radhika Agarwal v Union of India & others (Writ Petition (Criminal) No. 336 Of 2018) સહિત ધરપકડની વિરુદ્ધમાં થયેલ કુલ ૨૯૭ કેસોમાં કસ્ટમ્સ, જીએસટી તેમજ બંધારણના અનુચ્છેદ ૨૪૬-એ અંગે કેટલાક અગત્યના અવલોકનો કરવામાં આવેલ છે. આ ચુકાદો કસ્ટમ્સ કાયદા-૧૯૬૨ અને જીએસટી કાયદા-૨૦૧૭ ને સ્પર્શે છે. કસ્ટમ્સના કાયદા હેઠળ ધરપકડના મુદ્દાને લઈને સૌથી પહેલો જે કેસ બનેલ હતો તે Om Prakash and Another v. Union of India and Another (2011) 14 SCC 1 હતો. જે મુજબ અગાઉ કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવા માટે મેજિસ્ટ્રેટની આગોતરી પરવાનગીની જરૂર રહેતી હતી. બાદમાં ચુકાદાનો રેશ્યો સ્વીકારીને કેન્દ્ર સરકાર દ્વારા કસ્ટમ્સ કાયદા-૧૯૬૨માં વર્ષ ૨૦૧૨, ૨૦૧૩ અને ૨૦૧૯ માં કેટલાક મહત્વના સુધારા કરવામાં આવેલ જેના પરિણામે કેટલાક ગુના કોગ્નિઝેબલ ગણ્યા અને નોન-બેલેબલ ગણ્યા અને ધરપકડ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવેલ હતી. સુપ્રીમ કોર્ટે જણાવેલ કે અગાઉના સુપ્રીમ કોર્ટના State of Punjab v. Barkat Ram, (1962) 3 SCR 338 અને Ramesh Chandra Mehta v. State of West Bengal, (1969) 2 SCR 461 તથા lllias v. Collector of Customs (1969) 2 SCR 613 તેમજ Tofan Singh v. State of Tamil Nadu (2021) 4 SCC 1 ના ચુકાદાઓમાં સ્પષ્ટ થયા મુજબ કસ્ટમ્સ અધિકારી પોલીસ અધિકારી નથી.

અન્ય અવલોકનોઃ પોતાના તા. ૨૭.૦૨.૨૫ના ચુકાદામાં નામદાર કોર્ટે એવી નોંધ પણ લીધેલ છે કે કસ્ટમ્સ અધિકારી ભલે પોલીસ અધિકારી નથી પરંતુ તેમની કેટલીક કામગીરી અને સત્તાઓ પોલીસ અધિકારી જેવી હોઈ તેઓએ કેસ ડાયરી અને અન્ય રેકર્ડ જાળવવાનો રહે છે અને Code of Criminal Procedure, 1973 હવે Bhartiya Nagrik Suraksha Sahinta-2023 ની જોગવાઈઓનું પાલન કરવાનું રહે છે. Om Prakash and Another v. Union of India and Another (2011) 14 SCC 1 ના ચુકાદા બાદ કસ્ટમ્સ કાયદા-૧૯૬૨માં જે કેટલાક સુધારા કરવામાં આવેલ છે તેનો રેશ્યો GST કાયદાને પણ લાગુ પડે છે. સુપ્રીમ કોર્ટે પોતાના ઉપરોક્ત ચુકાદામાં એવી બાબત પણ નોંધેલ છે કે જીએસટી, કસ્ટમસ, પીએમએલએ, ફેમા, વગેરે જેવા વિશેષ કાયદાઓનું ઘડતર ખાસ હેતુઓ અને ઉદેશ્યો માટે કરવામાં આવતો હોય છે. વિશેષ કાયદાઓ હેઠળ થતાં ગુનાઓ ખૂબ જ ગંભીર પ્રકારના હોય છે. ધરપકડના કિસ્સાઓમાં વારંવાર કોર્ટ વચ્ચે પડશે તો આવા ગુના કરનારાઓની હિંમત વધશે. પરંતુ જ્યારે બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય અથવા કાયદાએ ઠરાવેલ પ્રક્રિયા મુજબ અધિકારીઓ કાર્યવાહી ન કરતા હોય ત્યારે જ કોર્ટે ન્યાયિક સમીક્ષા હાથ ધરવી જોઈએ.

ધરપકડનો ડેટાઃ Radhika Agrawal...ના કેસની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટની સૂચનાથી સરકાર દ્વારા જીએસટી હેઠળ ધરપકડને લગતા જે આંકડા કોર્ટને સાદર કરાવવામાં આવ્યા હતા તે મુજબ ૨૦૧૭ થી ૨૦૨૪ દરમિયાન કુલ ૨૯૪૭ કેસોમાં ધરપકડ કરવામાં આવેલ છે. આ આંકડા માત્ર કેન્દ્ર સરકારને લગતા છે તેમાં રાજ્ય સરકારો કક્ષાએ થયેલ ધરપકડના આંકડાનો સમાવેશ થતો નથી. નામદાર સુપ્રીમ કોર્ટે આ ચુકાદાથી જીએસટીની કલમ ૬૯ અને ૭૦ ને ગેર-કાયદે કે ગેર-બંધારણીય ઠરાવવાની અરજદારોની રજુઆતને નકારેલ છે. આપણે જાણીએ છીએ કે એક જ ધંધાકીય વ્યવહાર ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકારો સંયુક્ત પણે વેરો લાદી શકે તે માટે ૧૦૧ માં બંધારણીય સુધારા થકી અનુસૂચિત સાતની યાદી એક અને બે માં કેટલાક ફેરફારો કરીને નવો અનુચ્છેદ 246-A દાખલ કરવામાં આવેલ છે. તેના દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારોને સત્તાઓ મળેલ છે.

અનુચ્છેદ 246-A અંગે : ઉપરાંત આ ચુકાદામાં કોર્ટે, બંધારણના અનુચ્છેદ 246-A ને સંકુચિત રીતે ન જોતા ભારતીય બંધારણે અનુસૂચિત સાતની વિવિધ એન્ટ્રીઓમાં જે ધારાકીય સત્તાઓ અને કરવેરાને લગતી સત્તાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારને આપેલ છે તેને સાથે ગણીને અર્થઘટન કરવા પણ જણાવેલ છે. નિષ્ણાતોના મતે, આમ જોવા જઈએ તો બંધારણના ૧૦૧ મા સુધારાથી દાખલ થયેલ અનુચ્છેદ 246-A એક પ્રકારે બંધારણની ચોથી અનુસૂચી સમાન છે. નામદાર કોર્ટે એ બાબત પણ સ્પષ્ટ કરેલ છે કે સુપ્રીમ કોર્ટના Gurbaksh Singh Sibbia Etc vs State Of Punjab on 9 April, 1980 અને Sushila Aggarwal and others v. State (NCT of Delhi) and Another (2020) 5 SCC 1 ના ચુકાદામાં જણાવ્યા મુજબ જો એફઆઈઆર ના થયેલ હોય તો પણ કોર્ટો દ્વારા આગોતરા જામીન માટે અરજી ધ્યાને લઈ શકાય છે. પરંતુ જો આ ચુકાદાનો રેશ્યો જીએસટી કાયદાની જોગવાઈઓથી જુદો પડતો હોય તો તે બંધનકર્તા નથી.

જીએસટી કાયદા સિવાયના અગત્યના શબ્દો : Inspection, search, seizure (જપ્તી), search warrant, summons (એક પ્રકારની નોટીસ), detention (અટકાયત), confiscation (જપ્તી), cognizable, compounding of offences  (ગુનાઓનું સંયોજન અથવા સમાધાન શુલ્ક), prosecution  (ફોજદારી કાર્યવાહી/ચાર્જ-શીટ), arrest, bail, reasons to believe, Interrogation (ઉલટ તપાસ), પ્રોડકશન મેમો, રીમાન્ડ, પોલીસ કસ્ટડી, જ્યુડીશીયલ કસ્ટડી, વગેરે.

ઉલ્લેખઃ Radhika Agarwal.... ના કેસમાં ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૨ અને સર્વિસ ટેક્સના સમયના Makemytrip (India) Private Limited and Another v. Union of India and Others ના કેસ તથા સીમા ચિન્હ રૂપ ચુકાદા D.K. Basu v. State of West Bengal 1997 (1) SCC 416 નો ઉલ્લેખ પણ આવે છે. જે ચુકાદામાં નામદાર સુપ્રીમ કોર્ટે નોંધેલ કે પોલીસ સિવાય અન્ય સરકારી સત્તાધિકારી જેમ કે, Directorate of Revenue Intelligence, Directorate of Enforcement, Coastal Guard, Central Reserve Police Force, Border Security Force, the Central Industrial Security Force, the State Armed Police, Intelligence Agencies like the Intelligence Bureau, R.A.W, Central Bureau of Investigation, CID, Tariff Police, Mounted Police and ITBP ને પણ સેન્ટ્રલ એક્સાઈઝ, કસ્ટમ્સ કે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ અથવા એસેનશીયલ કોમોડિટીઝ એક્ટ, વગેરે હેઠળ કોઈ વ્યક્તિની ધરપકડ કરવાની અને ઉલટ તપાસ કરવાની સત્તાઓ આપવામાં આવેલ છે. D.K. Basu ના ચુકાદા થકી સુપ્રીમ કોર્ટે કુલ ૧૧ મુદ્દાની માર્ગદર્શિકા આપેલ હતી.

કલમો અને નિયમો : જીએસટી કાયદાની કલમ ૧૩૨ હેઠળ cognizable and non-cognizable offences તેમજ ધરપકડના મુદ્દાને સમગ્રતયા સમજવા માટે આપણે જીએસટીના કાયદામાં એન્ફોર્સમેન્ટ અને ધરપકડની જે જોગવાઈઓ છે તે ટૂંકમાં જાણીશું. તે સિવાય FAQ અને સરકાર દ્વારા ધરપકડને લગતી અધિકારીઓ માટેની માર્ગદર્શિકાની મુખ્ય-મુખ્ય બાબતો જોઈશું. ફોજદારી કાયદાઓ મુજબ ધરપકડ અગાઉ અને બાદમાં શું તકેદારી રાખવી તે અંગે જાણીએ તેમજ આ મુદ્દે વિવિધ કોર્ટોના અવલોકનો અને આદેશો બાબતે પણ માહિતી મેળવશું.

Tags :