મામલતદાર કોર્ટ અધિનિયમ અને સુખાધિકાર અધિનિયમના કાર્યક્ષેત્રની સ્પષ્ટતા અંગે હાઈકોર્ટનો ચુકાદો
- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)
- સામાન્ય જનમાનસમાં ચાલતી એક પ્રકારની કાર્યવાહી માટે જુદા જુદા કાયદા અને કાર્યક્ષેત્ર માટે ઘણીવાર ગેરસમજ પ્રવર્તે છે
- જાહેર રસ્તા ઉપરના અવરોધો અને પાણીના કુદરતી વહેણના અવરોધ દૂર કરવા મામલતદાર કોર્ટની જોગવાઈઓ અસરકારક
અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન ઘડાયેલ મામલતદાર કોર્ટ અધિનિયમ ૧૯૦૬ મૂળભૂત રીતે ટૂંકાગાળામાં ઉદ્દભવતા જાહેર રસ્તા ઉપરના અવરોધો તેમજ કુદરતી વહેણમાં રૂકાવટ જેવા પ્રશ્નોના ઝડપી નિકાલ કરવાના ભાગરૂપે ઘડાયેલ કાયદો આજે પણ અમલમાં છે અને સ્થાનિક મહેસૂલી તંત્ર અને લોકો માટે પણ ઝડપથી ઉકેલ આવે તે માટેની જોગવાઈઓ છે. મામલતદાર કોર્ટ હેઠળ મળેલ સત્તાની રૂએ તાલુકા મામલતદાર દ્વારા પ્રાથમિક તપાસ બાદ અવરોધ દૂર કરવાનો હુકમ કરવામાં આવે છે અને આ હુકમ સામે અપીલની જોગવાઈ નથી, પરંતુ નાયબ કલેક્ટર / કલેક્ટર સમક્ષ રીવીઝન કેસ દાખલ કરવાની જોગવાઈ છે. આ બાબતમાં અમરેલી જીલ્લાના લાઠીના અપીલકર્તા લક્ષ્મણભાઈ ઉકાભાઈ પરમાર વિરૂધ્ધ કરમશીભાઈ ઉકાભાઈ પરમાર વચ્ચે ગુજરાત હાઈકોર્ટમાં એસ.સી.એ.નં. ૧૦૧/૨૦૧૪ દાખલ કરવામાં આવેલ અને જેનો ચુકાદો તા. ૪-૨-૨૦૧૪ના રોજ નામદાર મુખ્ય ન્યાયમૂત ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટીસ જે.બી. પારડીવાલાએ મહત્વપૂર્ણ ચુકાદો આપેલ અને જણાવેલ કે મામલતદાર કોર્ટ એક્ટની જોગવાઈઓ બંધારણની જોગવાઈઓUltra Vires સત્તા બહારની નથી. પક્ષકારોએ એવી દલીલ કરી હતી કે મામલતદાર કોર્ટ દ્વારા સુખાધિકારના હક્કનો (Easement Rights) નિર્ણય થઈ શકે નહી અને આ કાયદામાં અપીલની જોગવાઈઓ નથી. કલેક્ટર પાસે ફક્ત રીવીઝનની સત્તાઓ છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે મામલતદાર કોર્ર્ટની જોગવાઈઓ બંધારણીય જોગવાઈઓ સાથે સુસંગત છે અને કોર્ટ તે કાયદાની જોગવાઈઓ ત્યારે જ રદ કરી શકે કે કાયદો ઘડનાર સત્તાધિકારને દા.ત. વિધાનસભા કે સંસદને તે કાયદો ઘડવાની સત્તા ન હોય અને બીજું કે તે કાયદો ઘડવાથી ભારતના બંધારણના ભાગ-૩માં આપવામાં આવેલ મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય. આ સિવાય જે કાયદો અસ્તિત્વમાં છે તેની કાયદેસરતા ઠરાવી અને મામલતદાર કોર્ટની જોગવાઈઓથી બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો નથી. તેમ જણાવી અપીલ ના મંજૂર કરવામાં આવી. હવે ઉપર્યુક્ત પરિપ્રેક્ષ્યમાં સામાન્ય જનતાએ મામલતદાર કોર્ટ અધિનિયમ અને સુખાધિકારના કાયદાની જોગવાઈઓ અને બંને વચ્ચેના અલગ-અલગ કાર્યક્ષેત્ર સમજવાની જરૂર છે. મામલતદાર કોર્ટ હેઠળ જ્યારે કોઈપણ વ્યક્તિ દ્વારા જાહેર રસ્તા કે કુદરતી વહેણમાં અવરોધ પેદા કરવામાં આવે તેમજ ખેતી, ચરણ (Grazing) ઝાડ અથવા પાક માટે વપરાતી કોઈ જમીનમાંથી કુદરતી રીતે નીકળતા અને તેના ઉપર પાણીની સપાટીમાંથી કાયદાથી કોઈ સત્તાધિકારીના હુકમથી બંધ કરવામાં આવ્યા હોય તે સિવાય આવા હક્કો ઉપર કોઈ અવરોધ કરે તો તે દુર કરવાની કે કરાવવાની સત્તા મામલતદારને છે. આ કાયદામાં એવી જોગવાઈ છે કે આવા જાહેર રસ્તા ઉપરનો અવરોધ કે કુદરતી વહેણમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો હોય તેના છ માસમાં આવો દાવો મામલતદાર કોર્ટમાં દાખલ કરી શકાય કે જેને દાવાનું કારણ Cause of action છ માસના સમયગાળામાં ઉપસ્થિત થયેલ હોવું જોઈએ.
આવી ફરીયાદ / રજૂઆત મામલતદાર કોર્ટ અધિનિયમમાં નક્કી કરેલ અરજીના નિયત નમુનામાં કરવાની છે. મામલતદારશ્રી સ્થળ સ્થિતિનું અવલોકન કરી, સબંધિત અવરોધ દૂર કરવાનો હુકમ કરી અમલ કરાવી શકે છે. આવા પ્રકારની જોગવાઈઓ કરવાનું મુખ્ય કારણ આપણા પરિપ્રેક્ષ્યમાં એટલા માટે જરૂરી હતું કે આપણે ખેતી પ્રધાન હોવાથી ચોમાસાના સમયગાળામાં મોટાભાગે ખેતરોમાં અવર જવરના રસ્તા તેમજ કુદરતી રીતે વહેતા પાણીમાં અવરોધ પેદા કરતાં અથવા તો પાણીના નિકાલના પ્રશ્ને ઉપસ્થિત થતા જેથી ઝડપથી આવા પ્રશ્નોનો નિકાલ થાય તે માટે Summary Enquiry ટૂંકાગાળાની તપાસ કરીને ઝડપથી પ્રશ્નોનું નિરાકરણ થાય તે મૂળભૂત હેતુ છે અને બિનજરૂરી લાંબી કાયદાકીય પ્રક્રિયામાં ઉતરવું ન પડે આ જોગવાઈ સામે એટલે કે મામલતદાર કોર્ટની કાર્યવાહી માટે સિવિલ કોર્ટને પણ આ હુકમ સામે કાર્યક્ષેત્ર નથી અને આ કાયદામાં ફક્ત રીવીઝનલ સત્તાઓ કલેક્ટરને છે એટલે કે મામલતદારના હુકમમાં કોઈ ક્ષતિ રહેલ હોય અથવા પ્રક્રિયાની ખામી હોય તો રીવીઝન દાદ માંગી ન્યાય મેળવી શકે અને એટલા માટે જ ગુજરાત હાઈકોર્ટે મામલતદાર કોર્ટ અધિનિયમની જોગવાઈઓને માન્ય ઠરાવી છે.
હવે સુખાધિકાર કાયદાની (Easement Act) જોગવાઈઓ જોઈએ તો કદાચ એક તબક્કે રસ્તાના અવર જવરના હક્ક કે ઉપભોગ અને પાણીના નિકાલના હક્ક મામલતદાર કોર્ટના કાર્યક્ષેત્ર જેવા ગણાય, પરંતુ સુખાધિકાર કાયદાનું કાર્યક્ષેત્ર સિવિલ કોર્ટનું છે અને આ કાયદામાં સતત ૧૨ વર્ષ સુધી કોઈપણ જમીન કે રસ્તા ઉપરનો ઉપયોગ કરતાં હોય તો સબંધિત પક્ષકારે પોતાનો હક્ક સાબિત કરવા માટે વિધિવત રીતે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવો પડે અને પક્ષકારે પોતાના હક્ક અંગે / પુરાવાઓ રજૂ કરી, કોર્ટમાં કેસ / હક્ક અંગે પોતાના દાવાના સમર્થનમાં સાબિત કરવો પડે તો સિવિલ કોર્ટ તે અંગે હક્ક પ્રસ્થાપિત કરે આ એક ન્યાયિક પ્રક્રિયા છે જ્યારે મામલતદાર કોર્ટ સમક્ષ ચાલતી પ્રક્રિયા કારોબારીને (Executive Authority) મળેલ સત્તાની રૂએ કાર્યવાહી થાય છે. આમ સામાન્ય જનમાનસમાં ચાલતી એક પ્રકારની કાર્યવાહી માટે જુદા જુદા કાયદા અને કાર્યક્ષેત્ર માટે ઘણીવાર ગેરસમજ પ્રવર્તે છે તે ગુજરાત હાઈકોર્ટના ઉક્ત ચુકાદાથી સ્પષ્ટ કરવામાં આવી છે. ઘણીવાર પક્ષકારો પણ સુખાધિકાર કાયદા હેઠળ મળવાપાત્ર દાદ મામલતદાર કોર્ટ હેઠળ માંગવામાં આવે છે. ત્યારે મામલતદાર કોર્ટ અધિનિયમ હેઠળ કેસ ચલાવવાને બદલે તે એવા તારણ ઉપર આવે કે આ કેસ દિવાની કોર્ટ દ્વારા નિર્ણય થાય તે વધુ યોગ્ય છે ત્યારે તે મુજબ પણ મામલતદાર પક્ષકારોને જણાવી શકે છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા મામલતદાર કોર્ટ હેઠળના અધિકારો અને કલેક્ટરના રીવીઝનલ કાર્યક્ષેત્રની કાયદેસરતા અને સિવિલ કોર્ર્ટના સુખાધિકારના હક્કો અંગે ઉક્ત ચુકાદાથી સ્પષ્ટ કરી છે. જેથી મહેસૂલી અધિકારીઓએ રસ્તા કે કુદરતી પાણીના અવરોધો પેદા કરવાના જે રોજબરોજ પ્રશ્નો ઉભા થાય છે. તેનો નિકાલ મામલતદાર કોર્ટ અધિનિયમની જોગવાઈઓ પ્રમાણે કરવો જોઈએ.