સેમીકન્ડકટરના હાઈટેક બિઝનેસમાં ગુજરાતનું ધમાકેદાર આગમન

- વેદાન્તા - ફોકસકોમ ગુજરાતમાં રૂ.૧.૫૪ લાખ કરોડના મૂડીરોકાણ સાથે સેમીકન્ડકટર ઉત્પાદન કરશે, પાંચ વર્ષમાં રૂ.૨ લાખ કરોડના સેમીકન્ડકટર ગુજરાતમાં બનતા થશે એવો અંદાજ 

- 'ભારતના નવી સીલીકોન વેલીનો ઉદય, હવે વિદેશની ભારતીય ટેક પ્રોફેશનલ પરત આવશે' : અનિલ અગ્રવાલ

સેમીકન્ડકટર એટલે કે એવી ચીપ કે જેના ઉપર વીજળી કે ડેટા પસાર થતા તે કોઈ એક ચોક્કસ કામગીરી કરી શકે છે. દુનિયામાં સેમીકન્ડકટર ઉત્પાદનમાં ચીન, તાઈવાન, દક્ષિણ કોરિયા, જાપાન અને ઇઝરાયેલ મોખરે છે. દુનિયાની આર્થિક  મહાસત્તા અમેરિકાની કંપનીઓ આનું ઉત્પાદન કરે છે પણ તે પોતાના દેશમાં ઓછું અને વિદેશમાં વધારે. ડીજીટલ યુગમાં કોમ્પ્યુટર, મોબાઈલ ફોન, ટેલીવિઝન સેટ કે પછી કોઇપણ ઇલેકિટ્રક ઇકવીપમેન્ટ જેમાં સર્કીટ એક ગ્રાહકના આદેશ અનુસાર ચોક્કસ કાર્ય કરતું હોય તેના માટે જરૂરી સેમીકન્ડકટરની આ દુનિયામાં હવે ભારતનો પ્રવેશ થઇ રહ્યો છે. સૌથી ગૌરવની વાત છે ભારતમાં આ પ્રોજેક્ટ આપણા ગુજરાતમાં આવી રહ્યો છે. 

આ સપ્તાહે ક્રૂડ ઓઈલ, એલ્યુમિનીયમ, કોપર, ગોલ્ડ, આયર્ન ઓર જેવી ચીજોના ઉત્પાદક વેદાન્તા જૂથની કંપનીએ તાઇવાનની અગ્રણી કંપની ફોકસકોમ સાથે ગુજરાતમાં રૂ.૧.૫૪ લાખ કરોડના મૂડીરોકાણ સાથે સેમીકન્ડકટર અને ડિસપ્લે સ્ક્રીનના પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર કર્યા હતા. 

કોરોના કાળમાં જયારે દુનિયા જયારે લોકડાઉનથી બંધ હતી ત્યારે ડીજીટલ સાધનોએ લોકો, સમાજ, નાણાકીય વ્યવહાર, શિક્ષણ અને આરોગ્ય સેવાઓની જીવંત રાખી હતી. ડીજીટલ સ્વરૂપ હવે વધારે વ્યાપક બની રહ્યું છે એટલે સેમીકન્ડકટરની માગ અનેકગણી વધી છે. એટલી મોટી અછત છે કે ઓટોમોબાઈલ્સ, કેપિટલ ગુડ્સના ઓર્ડર છે, કંપનીને બુકિંગ પેટે નાણા મળી ગયા છે પણ આ ચીપના અભાવે ડીલીવરી વિલંબમાં છે. એટલે આ ચીપ ભારતમાં બને એનું મહત્વ વધારે છે. 

બીજું, ભારતને અત્યારે ૩૫ (રૂ.૨.૭૮,૦૦૦) અબજ ડોલર જરૂર પડે છે. પાંચ વર્ષમાં જરૂરીયાત  ૧૦૦  અબજ ડોલરની (રૂ.૮ લાખ કરોડ)ની હશે. ભારત અત્યારે સંપૂર્ણ આયાત કરે છે તેનો એક ભાગ હવે ભારતમાં બનશે તો દેશના અર્થતંત્રને બહુ મોટો ફાયદો થશે. 

આ કરાર સમયે ગાંધીનગર ખાતે આવેલા વેદાન્તા જૂથના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું હતું,  'અમેરિકાની સીલીકોન વેલીની જેમ હવે ભારતમાં પણ સીલીકોન વેલીના દિવસો હવે દૂર નથી. મારી ધારણા છે કે આજે અમે ફોકસકોમ સાથે જાહેર કરેલા રૂ.૧.૫૪ લાખ કરોડના પ્રોજેક્ટ સાથે વિશ્વના ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત પ્રોફેશનલ અને ઇનોવેટર ફરી ભારત પરત આવશે.'

અમદાવાદ નજીક પ્રોજેક્ટ આવે તેવી શક્યતા

'અમે અમદાવાદની નજીક પ્રોજેક્ટ હોય એવી ઈચ્છા ધરાવીએ છીએ. ગુજરાત સરકારે પોતાની પોલીસીમાં ધોલેરા સ્પેશીયલ ઇકોન્મિક ઝોનને આવા પ્રોજેક્ટ માટે આગળ કર્યું છે. અમારા પ્રોજકેટ માટે અમારે યુનિવર્સિટીના વિધાર્થીઓ, સ્ટાર્ટઅપ, સાહસિકો અને સ્કીલ્ડ મેનપાવર જોઈએ. પ્રોજકેટ માટે પાણી, ૪૦૦ એકર જેટલી જમીન અને વીજળી પણ મહત્વની જરૂરીયાત છે. આ માટે અમારી ઈચ્છા છે કે પ્રોજેક્ટ અમદાવાદ કે તેની આસપાસના ૩૦ કિલોમીટરમાં હોય. અગામી ૧૫-૨૦ દિવસમાં ફોકસકોમ અને તેની ટીમ પ્રોજેક્ટ માટે લોકેશન ફાઈનલ કરી લેશે,' એમ અનિલ અગ્રવાલે જાણાવ્યું હતું. 

પ્રથમ તબક્કામાં કંપની એક પ્લાન્ટ સેમીકન્ડકટર માટે અને બીજો ડિસપ્લે વેફર માટે શરૂ કરશે. 'પ્રથમ તબક્કામાં ૧૦ અબજ ડોલર એટલે કે રૂ.૮૦,૦૦૦ કરોડ જેટલું રોકાણ થશે એવો અંદાજ છે. મોબાઈલ, લેપટોપ, ઓટોમોબાઈલ્સ કે અન્ય ઇન્ટીગ્રેટેડ સર્કીટ માટે જરૂરી ૨૮ નેનોમીટરની ચીપ અને ૧૨ ઇંચ ડિસપ્લે સાથે પ્લાન્ટ શરૂ કરીશું. સમગ્ર પ્લાન્ટ ફોકસકોમના તાઈવાનના આનુભવના આધારે શરૂ થશે. પ્લાન્ટની ડીઝાઈન, મશીનરી અને ઓપરેશન બધું જ ફોકસકોમના અન્ય પ્લાન્ટની નકલ હશે. ધીમે ધીમે અહી સ્થાનિક લોકોને ટ્રેનિગ આપવાનું અને તેમને પ્લાન્ટ ઓપરેશનમાં લઇ જવાની જવાબદારી પણ ફોકસકોમની રહેશે,' એમ અગ્રવાલે જણાવ્યું હતું. 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તાઈવાનના પ્લાન્ટની નકલ જ હોવાથી વિશ્વમાં સૌથી ઝડપે આ પ્રોજેક્ટમાં ઉત્પાદન શરૂ થશે. 'ફોકસકોમને પોતાને પ્રથમ ઉત્પાદન માટે અગાઉ ૧૦ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. પણ અમે તેની નકલ સાથે પ્રથમ તબક્કામાં કાર્ય કરીશું એટલે આગામી ૨૪ મહિનામાં આ પ્રોજેક્ટમાં ઉત્પાદન શરૂ થઇ જશે જે સૌથી ઝડપી ગણાશે,' એમ અગ્રવાલે જણાવ્યું હતું. 

૨૫ ટકા સબસિડી, રૂ.૩ના ભાવે વીજળી, ૪૦૦ એકર જમીન

સેમીકન્ડકટર પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે પોતાની જુલાઈમાં જાહેર થયેલી નીતિ અનુસાર વેદાન્તા - ફોકસકોમ પ્રોજેક્ટને કુલ મૂડીરોકાણના ૨૫ ટકા જેટલી સબસિડી આપવા તૈયાર દાખવી છે. 'આ પ્રોજેક્ટ માટે ૪૦૦ એકર જમીન અને મહત્તમ રૂ.૩ પ્રતિ યુનિટના ભાવે વીજળી આપવા માટે અમે માંગ કરી છે. આ ઉપરાંત, પ્રોજેક્ટ માટે પાણીની જરૂરિયાત રહેશે એ વ્યવસ્થા પણ વ્યાવસાયિક ધોરણે રાજ્ય સરકારે કરવાની રહેશે,' એમ અનિલ અગ્રવાલે જણાવ્યું હતું. ગુજરાત સરકારની પોલીસી પાંચ વર્ષ માટે પ્રતિ ક્યુબીક  મીટર રૂ.૧૨ના ભાવે પાણી આપવાની જોગવાઈ છે.

City News

Sports

RECENT NEWS