Get The App

કઠોળનું ઉત્પાદન વધારવા પ્રયત્નો શરૂ

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
કઠોળનું ઉત્પાદન વધારવા પ્રયત્નો શરૂ 1 - image


- ઊભી બજારે - દિલીપ શાહ

- અડદ બજારમાં ભાવમાં ઝડપી પીછેહટ ઃ મ્યાનમારથી આ વર્ષે આયાત નોંધપાત્ર વધવાની બતાવાતી ભીતી 

દેશમાં દાળ-કઠોળ બજાર તથા મિલીંગ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. કોરોના કાળ પછી જનતામાં આરોગ્ય વિષયક સભાનતા વધતાં વિવિધ દાળ-કઠોળની માગમાં ઘરઆંગણે વૃદ્ધી થઈ છે. માગ વધવા સામે સ્થાનિક ઉત્પાદનમાં વૃદ્ધી સરખામણીએ ધીમી રહેતાં દેશમાં દરિયાપારથી આવતા આયાતી કઠોળ પરનો આધાર ચાલુ રહ્યો હોવાનું કઠોળ બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.  દેશમાં ઉત્પાદન વધારવા તથા આયાત પર આધાર ઘટાડવા સરકાર વિવિધ પ્રયત્નો કરતી રહી છે. આવા પ્રયત્નોન ે આગળ ઉપર કેવી સફળતા મળે છે તેના પર દેશના તથા દરિયાપારના કઠોળ બજારના ખેલાડીઓની નજર રહી છે. દરમિયાન, સરકારે ખેડૂતોના હિતની  રક્ષા કરવા તથા ઉત્પાદન વધારવા વિવિધ કઠોળની ખરીદી વાર્ષિક ધોરણે સરેરાશ ૫૦ લાખ ટન જેટલી  કરવાનો ટારગેટ બનાવ્યો છે. સરકાર ટેકાના ભાવોએ કઠોળ ખરીદતી રહી છે. આ ઉપરાંત બફર સ્ટોક બનાવવા સરકારે બજાર ભાવોએ પણ કઠોળની  ખરીદી કરવાનો વ્યુહ તાજેતરમાં અપનાવ્યો હોવાના વાવડ બજારમાંથી મળ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય-પ્રદેશ, ઉત્તર-પ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ વિ. ખાતેથી તુવેર, ચણા, અડદ, મસુર, મગ વિ. કઠોળની ખરીદી કરવાનું સરકારે નક્કી કર્યું છ. અગાઉ સરકારે વિવિધ કઠોળની સરકારી ખરીદી પર મર્યાદા બાંધી હતી તે મર્યાદા સરકારે દૂર કરી હતી.

દરમિયાન, અડદ બજારમાંથી મળતા સમાચાર બુજબ  મ્યાનમારમાં અડદનું ઉત્પાદન વધ્યું છે. ઘરઆંગણે પણ રવિ મોસમ તથા ઝૈદ મોસમમાં અડદનું ઉત્પાદન વધ્યાના વાવડ મળ્યા હતા. અડદમાં એકબાજુ સપ્લાય વધી છે ત્યારે બીજી બાજુ માગ અપેક્ષાથી ધીમી રહી છે. કઠોળ બજારમાં અડદની રવિ પાકની આવકો પ્રોત્સાહક રહી છે. મ્યાનમારમાં પાક સારો થયો છે તથા મ્યાનમારથી ભારતમાં અડદની આયાત વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ગુજરાત તથા મધ્ય  પ્રદેશમાં ઉનાળું પાકની આવકો પર ખેલાડીઓનીનજર રહી હતી. બજારના આંતરપ્રવાહો નરમ રહ્યા હતા.

મ્યાનમારથી મળતા સમાચાર મુજબ ત્યાં આ વર્ષે અડદનો પાક વધી ૬ લાખ ૫૦ હજાર ટન થવાનો અંદાજ બતાવાઈ રહ્યો છે, ત્યાં પાછલા વર્ષે આ આંકડો ૫ લાખ ૫૦ હજાર ટનનો નોંધાયો હતો. આવા માહોલમાં  મ્યાનમાર ખાતેથી ભારતમાં અડદનો પુરવઠો વધુ આવવાની ગણતરી બજારના ખેલાડીઓ બતાવી રહ્યા હતા. મ્યાનમારના નવા અડદની આવકો શરૂ થઈ ગયાના વાવડ પણ તાજેતરમાં  મળ્યા હતા. કઠોળ બજારનો અમુક વર્ગ તો એવો અંદાજ પણ બતાવી રહ્યો છે કે મ્યાનમારમાં  અડદનો પાકકદાચ વધીને ૯થી ૧૦ લાખ ટન થવાની પણ શક્યતા જણાય છે. ભારતમાં ૨૦૨૪-૨૫માં અડદની આયાત આશરે ૩૦થી ૩૫ ટકા વધી ૮ લાખ ૨૦થી ૨૫ હજાર ટન જેટલી થઈ છે. ગયા વર્ષના નવેમ્બરથી ગણતાં અડદના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.  બ્રાઝીલથી પણ આયાત થતી જોવા મળી છે. નવેમ્બરમાં બજારભાવ કિલોના આશરે રૂ.૯૪થી ૯૫ બોલાતા હતા તે હવે ઘટી રૂ.૭૫થી ૭૨ આસપાસ બોલાતા થયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ભાવ નીચા ઉતરતાં આ પૂર્વે માલનો સ્ટોક કરનારા મિલરોને પણ નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. ખરીફ મોસમ ૨૦૨૪માં વધુ પડતા વરસાદના કારણે અડદના પાક પર અસર પડી હતી તથા ઉત્પાદન ૧૬ લાખ ટનથી ઘટી ૧૨.૮૦થી ૧૨.૮૫ લાખ ટન આસપાસ નોંધાયું હતું. 

દરમિયાન, રવિ પાકનો અંદાજ ૪.૮૭ લાખ ટનથી વધી ૫.૧૭ લાખ ટનનો બતાવાઈ રહ્યો છે. અડદના બજારભાવ ટેકાના ભાવથી નીચા ઉતરતાં પણ જોવા મળ્યા હતા. મ્યાનમારમાં અડદનો ભાવ  ટનના  અગાઉ ૧૧૫૦થી ૧૨૦૦ ડોલર રહ્યા હતા. તે  તાજેતરમાં નીચામાં ૮૮૦થી ૮૯૦ ડોલર સુધી ટ્રેડ થતાં જોવા મળ્યા હતા.જૂનમાં  બ્રાઝીલનો માલ પણ આવવાની ભીતી છે. મે મહિનામાં અડદ બજારમાં બોટમના ભાવ આવવાની ગણતરી ખેલાડીઓ બતાવી રહ્યા હતા. 

Tags :