એક સમયે સેક્યુલરની બોલબાલા હતી, હવે નફરત પ્રચલિત છે
અન્ય એક દાવેદાર 'ટેરિફ' છે. 2 એપ્રિલ, 2025થી આ શબ્દ પ્રત્યેક ચર્ચામાં સાંભળવા મળ્યો. એનો માત્ર એક જ પ્રતિદ્વંદ્વી હતો - 'ટ્રમ્પ'

ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
વર્ષ 2025નો તમારો સૌથી યાદગાર શબ્દ કયો છે? એવો કયો શબ્દ છે જે તમારી સ્મૃતિમાં અંકાઈ ગયો છે? એવો કયો શબ્દ છે જેણે ભારતના મોટાભાગના લોકોને પ્રભાવિત કર્યા છે?
ટૂંકા ગાળા માટે યાદ રહેનારા શબ્દો
એનો એક સ્વાભાવિક ઉમેદવાર છે 'સિંદૂર', રાષ્ટ્રીય તપાસ એજન્સી અનુસાર પહલગામમાં આતંકી હુમલો ત્રણ પાકિસ્તાની ઘૂસણખોરો અને બે ભારતીય સહયોગીઓએ કર્યો હતો જેમણે આતંકીઓને આશ્રય આપ્યો હતો. એનો જવાબ હતો 'ઓપરેશન સિંદૂર', પોતાની ઈચ્છાથી કરાયેલુ યુદ્ધ. ભારતીય વાયુ સેના, મિસાઈલો અને ડ્રોને પાકિસ્તાનના લશ્કરી માળખાને સારુ એવું નુકસાન પહોંચાડયું અને વળતામાં ભારતને પણ થોડુ નુકસાન થયું (જે કોઈપણ યુદ્ધમાં સ્વાભાવિક છે). ત્રણેય પાકિસ્તાની એન્કાઉન્ટરમાં માર્યા ગયા. તપાસ દરમ્યાન ધરપકડ કરવામાં આવેલા બે ભારતીયો બાબતે હજી સુધી કોઈ જાણકારી નથી અપાઈ. પરિણામ વિશે પારદર્શિતાની કમી હજી પણ યુદ્ધ પર છવાયેલી છે. ઓપરેશન સિંદૂર માત્ર ચાર દિવસ ચાલ્યું, અને એટલું નાનુ હતું કે કોઈ સ્થાયી છાપ નથી છોડી શક્યું.
અન્ય એક દાવેદાર 'ટેરિફ' છે. ૨ એપ્રિલ, ૨૦૨૫થી આ શબ્દ પ્રત્યેક ચર્ચામાં સાંભળવા મળ્યો. એનો માત્ર એક જ પ્રતિદ્વંદ્વી હતો - 'ટ્રમ્પ' ! ટ્રમ્પ અને ટેરિફે અનેક દેશોની અર્થવ્યવસ્થા બરબાદ કરી અને તેનો હજી સુધી કોઈ અંત દેખાતો નથી. ઉદાહરણ તરીકે, અમેરિકાને થતી ભારતીય નિકાસ પર પરસ્પરની ટેરિફ અને (રશિયન તેલ ખરીદવા માટે) દંડ હજી પણ જારી છે, જેના કારણે સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબુ, કપડા, રત્નો અને આભુષણો, સમુદ્રી ઉત્પાદનો તેમજ રસાયણની નિકાસ પર ગંભીર અસર પડી રહી છે. પિયુષ ગોયલ દ્વારા નિકટના ભવિષ્યમાં દ્વિપક્ષીય વેપાર કરારનું વચન ૨૦૨૫ના અંતમાં પણ એટલું જ દૂર છે જેટલું એપ્રિલ, ૨૦૨૫માં હતું.
જીએસટી એક મજબૂત દાવેદાર છે. જીએસટીની વિનાશકારી શરૂઆતના આઠ વર્ષ પછી, કેન્દ્ર સરકારે સારી સલાહ પર ધ્યાન આપ્યું, અને રેટ માળખાને તર્કસંગત બનાવ્યું અને અનેક પ્રકારના સામાન તથા સેવાઓ પર ટેક્સના દરો ઓછા કર્યા. વેપારીઓના પ્રત્યેક જૂથોએ જીએસટી કાનૂનોના પાલનના ખરાબ સ્વપ્નો તરફ ઈશારો કર્યો છે. રિટેલ ખપતના કદની સરખામણીએ કરની રાહત અત્યંત ઓછી હોવાને કારણે વેચાણમાં અપેક્ષિત વૃદ્ધિ ન થઈ. વધુ વેચાણ વસતીના શીર્ષ દસમા હિસ્સા સુધી સીમિત રહ્યું.
વિસરાઈ ગયેલા શબ્દો
એક અપરિચિત શબ્દપ્રયોગ - 'અર્થતંત્ર માટે ગોલ્ડીલોક્સ વર્ષ' - ચર્ચામાં દાખલ તો થયો પણ ટૂંક સમયમાં જ ગાયબ થઈ ગયો. એનો સાહિત્યિક સંકેત શિક્ષિત લોકો માટે પણ અપરિચિત હતો. ઉપરાંત આઈએમએફએ ભારતના રાષ્ટ્રીય ખાતાની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવ્યા. ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકારથી લઈને પ્રોફેસરો અને સંશોધકો સુધીના અનેક લોકોએ અર્થતંત્રની નબળાઈ વિશે વાત કરી. આખરે નોકરી માટેની માગએ સરકાર પ્રાયોજિત ઉજવણી દબાવી દીધી. અહીં એક ગંભીર બોધપાઠ છેઃ વર્તમાન વિકાસ દરોએ અમેરિકા, ચીન અને ભારતે ૨૦૨૫માં તેમના જીડીપીમાં નીચે મુજબના ઉમેરા કર્યા (સ્થિર અમેરિકી ડોલરમાં)ઃ
દેશ- ચીન - વિકાસ દર -૪.૮ ટકા, આઉટપુટમાં ઉમેરો - ૯૩૧ અમેરિકી ડોલર, અમેરિકા - ૧.૮ ટકા, આઉટપુટમાં ઉમેરો - ૫૫૧ અમેરિકી ડોલર, ભારત - ૬.૬ ટકા, ૨૭૬ અમેરિકી ડોલર.
એક તરફ ચીન અમેરિકા (સૌથી વિશાળ અર્થતંત્ર) સાથેનું અંતર ઓછું કરી રહ્યું છે ત્યારે બીજી તરફ ભારત અને ચીન તેમજ ભારત અને અમેરિકા વચ્ચેનું અંતર વધી રહ્યું છે. ભારતીય અર્થતંત્રમાં એવી અનેક નબળાઈઓ છે જે સરકાર સ્વીકારવા તૈયાર નથી અથવા, કદાચિત સમજવા પણ તૈયાર નથી. ધી હિન્દુએ પોતાના તંત્રીલેખમાં આમ લખ્યું ઃ અમેરિકા દ્વારા પચાસ ટકા ટેરિફ હજી અમલમાં છે, ખાનગી રોકાણ મંદ પડયું છે, વિદેશી મૂડી દેશમાંથી પલાયન કરી રહી છે, નિકાસ આધારીત અર્થતંત્ર માટે રૂપિયાની નબળાઈ નિકાસને વધુ મોંઘી કરી રહી છે, વાસ્તવિક વેતન પૂરતી ઝડપે વધતા નથી અને ઉપભોક્તા માગ નબળી બની રહી છે. 'ગોલ્ડીલોક્સ'ના દાવા ખોખલા સાબિત થઈ રહ્યા છે.
એક સમયે સામાન્યપણે ઉપયોગમાં લેવાતો શબ્દ 'સેક્યુલર' વ્યવહારમાંથી ગાયબ થઈ ગયો છે. તે આ વર્ષનો ગેર-શબ્દ બની ગયો છે. બહુ ઓછા લોકો પોતાને ગર્વભેર સેક્યુલર ગણાવે છે. સંપાદકીય લેખકોએ આ શબ્દને ત્યજી દીધો છે. મૂળમાં સેક્યુલરનો અર્થ રાજ્ય અને ધર્મના અલગાવનો હતો, પણ પછીથી, તેનો અર્થ એવો થયો કે એક સેક્યુલર વ્યક્તિના મૂલ્યો તર્ક અને માનવતાવાદના આધારે હતા, કોઈ ધાર્મિક સિદ્ધાંતો પર નહોતા.
શરમજનક વિજેતા
સેક્યુલર (ધર્મનિરપેક્ષ)ની પછડાટને કારણે 'નફરત'ને પ્રોત્સાહન મળ્યું, જે શબ્દની તમામ ધર્મ નિંદા કરે છે. દુઃખની વાત છે કે મોટાભાગના નફરતભર્યા ભાષણો અને લખાણોના ઉદાહરણો ધર્મ પર આધારીત હોય છે. નફરતના અન્ય કારણ છે જાતિ, ભાષા અને વંશ. સૌથી સ્પષ્ટ નફરત છે મુસ્લિમો સામે થતી નફરત, પોષાક અને આહારની બાબતમાં મુસ્લિમ પ્રથા સામે તેમજ મુસ્લિમ પૂજા સ્થળો સામે.
મુસ્લિમ પ્રાર્થનાઓને વિક્ષેપિત કરાય છે અથવા નિયંત્રિત કરાય છે. ખોટો તર્ક એવો આપવામાં આવે છે કે મુસ્લિમોએ ભારત પર આક્રમણ કર્યું હતું અને છ સદીઓ સુધી ભારતના અનેક હિસ્સા પર શાસન કર્યું હતું અને હવે મુસ્લિમોને તેમનું સ્થાન બતાવી દેવાનો સમય આવી ગયો છે.
ગુસ્સાનો બીજો શિકાર બન્યો છે ખ્રિસ્તી સમુદાય. ઈસાઈ ચર્ચોને તોડવામાં આવી રહ્યા છે, પાદરીઓ અને પ્રચારકોની હત્યા થઈ રહી છે તેમજ કેરોલ ગાતા ખ્રિસ્તી બાળકો પર હુમલા થઈ રહ્યા છે. આ તમામ હિન્દુ વર્ચસ્વ સ્થાપવાના નામે થઈ રહ્યું છે. હિન્દુ વર્ચસ્વ જેવા વિચારથી વધુ ભારતીય સંવિધાન અનુસાર ઘૃણિત કંઈ જ નથી. ભારતનો વિચાર નાગરિકત્વના પાયા પર બન્યો છે, ધર્મ અથવા જાતિ અથવા વંશના આધારે નહિ. બહુમતિ ભારતીય લોકો ડો. અબ્દુલ કલામ અને મધર ટેરેસાનું સન્માન કરે છે પણ બહુ ઓછા લોકો મુસ્લિમો અને ઈસાઈઓ સામે નફરત ફેલાવે છે.


