- એકથી ત્રણ કરોડ નાગરિકો રાજ્યની બહાર ચાલ્યા ગયા છે. એનું મુખ્ય કારણ બેરોજગારી અને બિહારમાં વ્યાપ્ત ગરીબી છે
- બિહાર વિશે કંઈપણ બોલવું કે લખવું પીડાદાયક છે. બિહારની કથા ઘોર ઉપેક્ષા અને વ્યર્થ બડાઈઓથી ભરેલી છે

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
૧૯૪૭માં ભારતના તમામ રાજ્યો એક જ પ્રારંભિક રેખા પર ઊભા હતા. કોઈપણ રાજ્ય એમ ન કહી શકે કે અમે સ્વતંત્રતા સમયે અથવા ૧૯૫૦માં પાછળ છૂટી ગયા હતા. કેન્દ્ર અને લગભગ તમામ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીનું શાસન હોવાથી સમગ્ર દેશમાં એક સમાન નીતિઓ અને યોજનાઓ લાગુ કરવામાં આવ્યા હતા. હકીકતમાં કેટલાક પ્રગતિશીલ વિચારોનો સૌથી પ્રથમ પ્રયોગ બિહારમાં થતો અને પછી તેને અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવતો, દાખલા તરીકે ભૂમિ સુધાર અને ભૂમિ વિતરણ.
બિહારમાં કદ્દાવર નેતાઓ હતા. તેમનું પ્રશાસન કુશળ અને મજબૂત હતું અને અહીંના સરકારી કર્મચારીઓ પણ પ્રસિદ્ધ હતા. અહીં જમીન પ્રાકૃતિક સંસાધનોથી સમૃદ્ધ હતી અને પ્રથમ સ્ટીલ મિલની સ્થાપના પણ અવિભાજીત બિહારમાં જ થઈ હતી. ઉપરાંત દેશના ચાર મુખ્ય ઉચ્ચ ન્યાયાલયોમાંથી એક પટનામાં હતું તેમજ એક મજબૂત ન્યાય પ્રણાલી હતી. તો પછી બિહાર અસફળ કેમ રહ્યું?
એક અસફળ રાજ્ય
બિહારના સત્તાવાર આંકડા અત્યંત નિરાશાજનક છે. નિરીક્ષકોના મતે વાસ્તવિકતા વધુ બદતર છે. જો કે તેના માટે પ્રત્યેક સરકારને દોષ દેવો પડે, છતાં પણ ૨૪ નવેમ્બર, ૨૦૦૫થી મુખ્ય મંત્રી બનેલા નીતીશ કુમાર (સિવાય ૨૭૮ દિવસ જ્યારે તેમણે પોતાના પ્રતિનિધિને પદ પર બેસાડયા હતા) મુખ્ય મંત્રી પદે છે. એટલે કે પૂરા વીસ વર્ષ. ત્યાર પછી લાલુ પ્રસાદ યાદવ (અથવા તેમના પત્ની)નું ૧૯૯૦થી ૨૦૦૫ સુધી લાંબુ શાસન રહ્યું. ૨૦૨૫ની બિહાર વિધાનસભા ચૂંટણી ૧૯૯૦ના દાયકા અથવા તો પહેલાની સરકારો વિશે નહિ, પણ નીતીશ કુમાર અથવા તેમના વીસ વર્ષના શાસન વિશે છે.
૨૦૨૫માં બિહારની અનુમાનિત જનસંખ્યા ૧૩.૪૩ કરોડ છે. એવું પણ અનુમાન છે કે એકથી ત્રણ કરોડ નાગરિકો રાજ્યની બહાર ચાલ્યા ગયા છે. એનું મુખ્ય કારણ બેરોજગારી અને બિહારમાં વ્યાપ્ત ગરીબી છે.
યુવા બેરોજગારી દર ૧૦.૮ ટકા છે. વિડંબના એ છે કે શિક્ષાના સ્તરની સાથે બેરોજગારીનું સ્તર કથળતું રહ્યું છે. ઔદ્યોગિક એકમોમાં માત્ર ૧,૩૫,૪૬૪ વ્યક્તિ કાર્યરત છે, જેમાંથી માત્ર ૩૪,૭૦૦ કાયમી કર્મચારી છે.
નીતિ આયોગના ૨૦૨૪ના એક રિપોર્ટ અનુસાર દેશના તમામ રાજ્યોમાંથી બિહારમાં ગરીબીનો દર સૌથી વધુ છે. ૬૪ ટકા પરિવારો દસ હજાર રૂપિયાથી પ્રતિ માસથી ઓછું કમાય છે અને માત્ર ચાર ટકા પરિવારો પચાસ હજાર રૂપિયા પ્રતિ માસથી વધુ કમાય છે.
બહુઆયામી ગરીબી સૂચકાંક (એમપીઆઈ) અનુસાર, બિહાર સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્ય (૩૩.૭૬ ટકા) છે. બાળ જીવન દર, માતૃ સ્વાસ્થ્ય, સ્વચ્છ રસોઈ ઈંધણ, સ્વચ્છતા જેવા દરેક પાસાના અભાવમાં બિહાર ટોચ પર છે. 'શિક્ષાની ગુણવત્તા' સૂચકાંક અને 'સભ્ય કાર્ય તેમજ આર્થિક વિકાસ' સૂચકાંકમાં બિહાર સૌથી નીચલા સ્તરે છે. (સ્રોતઃ નીતિ આયોગ, બિહાર આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫, રાષ્ટ્રીય એમપીઆઈ સૂચકાંક, એઆઈસીસી અનુસંધાન વિભાગ).
વર્તમાન બૃહદ આર્થિક સ્થિતિ માટે નીતીશ કુમારની સરકાર જવાબદાર છે. બિહારમાં ભારતની નવ ટકા વસતી રહે છે, પણ ભારતના કુલ ઘરેલુ ઉત્પાદમાં તેનું યોગદાન માત્ર ૩.૦૭ ટકા છે. ૨૦૨૩-૨૪માં પ્રતિ વ્યક્તિ આવક ૩૨,૧૭૪ રૂપિયા હતી, જે રાષ્ટ્રીય સરેરાશ રૂા. ૧,૦૬,૭૪૪ રૂપિયાનો ત્રીજો હિસ્સો છે. એનાથી પણ વધુ ચિંતાજનક બાબત છે કે બિહારની પ્રતિ વ્યક્તિ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછા દરે વધી રહી છે અને આ અંતર સતત વધતુ રહ્યું છે. ૨૦૨૪-૨૫માં રાજ્યની ખાધ કુલ ઘરેલુ ઉત્પાદના ૯.૨ ટકા હતી પણ પૂંજીગત વ્યય કુલ ઘરેલુ ઉત્પાદનના માત્ર ચાર ટકા હતો જેનાથી સ્પષ્ટ થાય છે કે ઉધાર મેળવાયેલા સંસાધનોનો મોટો હિસ્સો વ્યય અને ઉપભોગમાં ઉપયોગમાં લેવાયો હતો. (સ્રોતઃ આરબીઆઈ, પીઆરએસ ઈન્ડિયા બજેટ વિશ્લેષણ, એઆઈસીસી અનુસંધાન વિભાગ)
છટકું : ધર્મ અને જાતિ
મારા મતે પોતાની ક્ષમતા છતાં બિહાર પોતાની રાજનીતિને કારણે ગરીબ રહ્યું છે. તેની સરકાર અને તેની સંસ્થાઓ ધર્મ અને જાતિની સ્વનિર્મિત જાળમાં ફસાયેલી છે. બિહારમાં ધર્મ એક મોટી વિભાજક દિવાર છે. સરકારમાં ભાજપની ઉપસ્થિતિએ શાસનના તમામ પાસામાં ધર્મનો પ્રવેશ કરાવી દીધો છે. ગિરિરાજ સિંહની નમકહરામ વાળી ટિપ્પણી જોઈ લ્યો કે મુસલમાન કૃતઘ્ન છે અને તેથી તેમના મત નથી જોઈતા. આ એવા રાજ્યની વાત છે જ્યાં મુસ્લિમોની સંખ્યા કુલ વસતીના ૧૭ ટકા છે (હિંદુઓના ૮૨ ટકાની સરખામણીએ).
લોકો વચ્ચે પ્રત્યેક વાતચીત, ત્યાં સુધી કે રાજનૈતિક વિમર્શ પર પણ જાતિવાદ હાવી હોય છે. ઉપરાંત બહુસંખ્યક હિંદુ સમુદાયને ઓબીસી, એમબીસી અને ઈબીસી જેવા વર્ગીકરણોનો ઉપયોગ કરીને વિભાજિત કરાયો છે. ઈબીસીની ૧૧૨ જાતિઓમાંથી ચારને અધિક મહત્વપૂર્ણ અને તેથી વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે. ધર્મ અને જાતિ વાસ્તવમાં ભારતીય સમાજનું પ્રતીક છે, પણ ધર્મ અને જાતિ પર અત્યાધિક જોર બિહાર અને તેના નાગરિકોની ક્ષમતાને નબળી કરી રહ્યું છે. સામૂહિક ઈચ્છાશક્તિ અને સહયોગના સ્થાને આ વાતાવરણ શંકા, દ્વેષ, સંઘર્ષ અને કટુતાને જન્મ આપી રહ્યું છે.
પરિવર્તનનો અભાવઃ નીતીશ કુમાર
બિહારની રાજનીતિમાં પરિવર્તન થવું જોઈએ. પણ કોણ બદલશે? જવાબ અલગ-અલગ હોઈ શકે છે, પણ સ્વાભાવિક છે કે નીતીશ કુમાર એ વ્યક્તિ નથી જે પરિવર્તનની આગેવાની કરે. તેઓ પોતાની વીસ વર્ષ જૂની આદતોમાં જકડાયેલા છે. ઉપરાંત તેમના સ્વાસ્થ્ય અને તેમના અસાધારણ વ્યવહાર વિશે પણ ચિંતા છે. આથી નીતીશ કુમાર પોતાને બદલશે અથવા બિહારના શાસનમાં કોઈ આમૂલ-પરિવર્તન લાવશે તેવું વિચારવું જ મૂર્ખામી છે. નીતીશ કુમારને પણ પંજાબ, હરિયાણા, ઓડિશા અને મહારાષ્ટ્રની જેમ ભાજપ બલિના બકરા બનાવશે. ભાજપે જે પણ પ્રાદેશિક પક્ષનો સહયોગ લીધો છે, તેનું પતન અથવા અંત થયો છે. જેડીયુનું ભાગ્ય પણ કદાચિત તેનાથી વિપરીત નહિ હોય.
જાતિને ઘર સુધી જ સીમિત રાખવી જોઈએ. ધર્મનું પાલન પૂજા સ્થળો પર જ થવું જોઈએ. બંનમાંથી કોઈને પણ રાજનીતિ અથવા શાસનમાં સામેલ ન કરવા જોઈએ. જ્યારે બિહારના નાગરિકોને આ સત્યનો અહેસાસ થશે, ત્યારે જ તેઓ પોતાના સ્વરચિત જાળામાંથી બહાર નીકળવાનો સંઘર્ષ કરી શકશે.


