Get The App

ભારતીય મસાલા વિદેશીઓને દાઢે વળગતાં નિકાસમાં વિક્રમી વૃદ્ધિ

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
ભારતીય મસાલા વિદેશીઓને દાઢે વળગતાં નિકાસમાં વિક્રમી વૃદ્ધિ 1 - image


- કોમોડિટી કરંટ

- વાઘા-અટારી બોર્ડર બંધ થવાને કારણે સૂકામેવાની ટ્રકો પાકિસ્તાનમાં અટવાઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાંથી પસાર થઈને સડકના માર્ગે ભારત આવતી સૂકામેવાની આયાત હાલમાં ભારે પ્રભાવિત થઈ છે. વાઘા-અટારી બોર્ડર ઉપર પાકિસ્તાનની સીમામાં લગભગ ત્રીસેક ઉપરાંત સૂકામેવા ભરેલી ટ્રકો અટકી ગઈ છે. જો કે ભારતમાં આગામી મહિનાઓ સુધી સુકામેવાનો સ્ટોક પર્યાપ્ત માત્રામાં હોવાથી લગ્નસરા જેવી સિઝનમાં સૂકામેવાઓની અછત નહિ પડવાની વેપારીઓની અપેક્ષા છે. જો કે દુબઈ તરફના દેશોમાંથી પણ આયાત ચાલુ હોવાથી દેશમાં મોટી અસર પડવાની સંભાવના નહિવત છે. પરંતુ આ પ્રકારની સ્થિતિ સતત રહે તો ઓગસ્ટ માસથી ચાલુ થતા ધાર્મિક તહેવારો સમયે સૂકામેવાની ચીજોમાં તેજીથી ગરમી પકડાઈ શકે છે. સડક માર્ગે અફઘાનિસ્તાનથી સૂકોમેવો ભારત આવે તો લગભગ ત્રણ થી ચાર દિસનો સમય લાગે છે. જ્યારે દરિયાઈ માર્ગે ભારત આવતાં લગભગ એક મહિના જેટલો સમય થાય છે. કેમ કે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન, દુબઈ થઈને માલ ભારતમાં આવતો હોવાથી સમયની સાથે પડતર પણ ઉંચી જતી હોવાથી સરવાળે માલ મોંઘો પડે છે. સાથે સાથે લાંબો સમય ડ્રાયફ્રુટ બોરીઓ પેક સીલબંધ રહેવાને કારણે ક્વોલીટી ઉપર પણ અસર પડવાની ભીતિ રહે છે. અફઘાનિસ્તાનથી વર્ષે દહાડે લગભગ બે હજાર ટન સૂકામેવાની આયાત થાય છે. જેમાં બદામ, પિસ્તા, અખરોટ, અંજીર જેવી ચીજો મોટી માત્રામાં ભારત આવે છે.

દરમ્યાન મસાલા બજારનો કારોબાર પણ દિનપ્રતિ દિન કુદકે ને ભુસકે વધી રહ્યો છે. અહેવાલો અનુસાર વર્ષ ૨૦૨૪માં ભારતીય મસાલા બજારે લગભગ બે લાખ કરોડની સપાટી કુદાવી છે. સરેરાશ ૧૦ થી ૧૧ ટકાનો વધારો વર્ષે દહાડે થઈ રહ્યો હોવાથી આગામી દસેક વર્ષમાં ૨૦૩૩ સુધીમાં પાંચેક લાખ કરોડને પાર જશે તેવી ગણત્રી છે. નવ થી દશ ટકા દરથી નિકાસમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. વિદેશીઓને ભારતીય મસાલાનો સ્વાદ દાઢે વળગ્યો છે. કુલ ભારતીય મસાલા ચીજો પૈકી મરચુ, હળદર તથા જીરાની નિકાસ ૭૫ ટકા રહેતી હોય છે. જો કે ધાણાની નિકાસ પણ નોંધપાત્ર રહેતી હોય છે. સ્વાદ તથા આરોગ્યની દ્રષ્ટિએ પણ વિશેષ લાભકારક હોવાથી તેની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને ઓર્ગેનિક તથા સસ્ટેનેબલ મસાલાની ડિમાન્ડ વધુ રહે છે. મસાલા બજારમાં હાલ જીરૂ, હળદર, ધાણા જેવી ચીજોની સીઝન હવે છેલ્લા સ્ટેજમાં આવી છે. જીરા બજારમાં ડિમાન્ડને અનુરૂપ માલનો આવરો પર્યાપ્ત માત્રામાં આવી રહ્યો હોવાથી ભાવો મર્યાદિત રેન્જમાં ઉપર-નીચે થઈ રહ્યા છે. એપ્રિલ-૨૦૨૪ થી જાન્યુઆરી ૨૦૨૫ દરમ્યાન જીરાની નિકાસમાં ૬૦ થી ૬૫ ટકાનો નોંધપાત્ર ઉછાળો થતાં નિકાસ ૧.૮૨ લાખ ટનની સપાટી પાર કરી છે. જો કે જાન્યુઆરી બાદ વિદેશી ડિમાન્ડ તુટતાં નિકાસમાં પાંચેક ટકાનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ચીનની લેવાલી ઉપર હાલમાં જીરા બજારનો આધાર રહ્યો છે. મહિના અગાઉ જીરા હાજરમાં એક હજાર રૂપિયાની તેજી થયા બાદ ડિમાન્ડ તુટતાં ભાવો પણ ૭૦૦ થી ૮૦૦ રૂપિયા તુટી ગયા છે. ધાણામાં પણ નબળી ઘરાકી તથા આવકો વચ્ચે રેન્જ બાઉન્ડ બજાર પ્રવર્તી રહી છે. મસાલા કંપનીઓની ખરીદી તેમજ રિટેઈલ ખરીદી પણ લગભગ પૂર્ણ થઈ હોવાથી હાલમાં ધાણા બજારમાં સુસ્તીનો માહોલ પ્રવર્તી રહ્યો હોવાનું જયવદનભાઈ ગાંધીએ જણાવ્યું હતું.

હળદર બજારમાં ઉંચા ભાવો મળવાની અપેક્ષા ખેડૂત વેચવાલી અટકી જતાં ભાવોમાં તેજીનો થોડો ચમકારો જોવા મળી રહ્યો છે. માવઠાઓને કારણે હળદર ઉત્પાદનમાં ૧૦ થી ૧૫ ટકાનો ઘટાડો રહેતાં ખેડૂત વર્ગને તેજીની અપેક્ષા છે. એપ્રિલ થી જાન્યુઆરી ૨૦૨૫ દરમ્યાન હળદર નિકાસમાં પણ ૧૨ થી ૧૩ ટકાનો ઉછાળા સાથે દોઢેક લાખ ટનની નિકાસ થઈ છે.બીજી તરફ તેલીબીયાંમાં હાલમાં એરંડાની કાપણી સીઝન એક મહિનો પહેલા આટોપાઈ ગઈ છે. આ વર્ષે પાક ઉત્પાદનમાં ૨૫ થી ૩૦ ટકાનો કાપ હોવાનું અનુમાન છે.

Tags :