Get The App

દેશમાં AI ટેકનોલોજીના જાણકાર નિષ્ણાતોની માગ સામે પૂરવઠાનો અભાવ

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
દેશમાં AI ટેકનોલોજીના જાણકાર નિષ્ણાતોની માગ સામે પૂરવઠાનો અભાવ 1 - image


- AI કોર્નર

- એ દિવસો દૂર નથી  જ્યારે માનવની અનેક કામગીરી એઆઈ દ્વારા  પાર પડાતી થશે

દેશમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ઉપયોગમાં વધારા સાથે આ ક્ષેત્રના નિષ્ણાતો માટેની માગ વધી રહી છે પરંતુ માગ પ્રમાણે એઆઈ નિષ્ણાતોની ઉપલબ્ધતા જોવા મળતી નથી. તાજેતરમાં આવેલા એક રિપોર્ટમાં દેશનું ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) ક્ષેત્ર ૫૦ લાખથી વધુ કર્મચારીઓ ધરાવે છે અને એઆઈ તથા મસીન લર્નિંગમાં નિષ્ણાત હોય તેવા સ્કીલ કર્મચારીઓની માગમાં દર વર્ષે વધારો થતો જાય છે.

  સ્કીલ સાથેના કર્મચારીઓની ઉપલબ્ધતા આઈટી કંપનીઓને તેમને તાલીમ પૂરી પાડવાના ખર્ચમાંથી બચાવે છે. દેશમાં એઆઈ સ્કીલ સાથેના કર્મચારીઓ માટે વ્યાપક જગાઓ ખાલી પડેલી હોવાનું નોકરીઓ ઓફર કરતી વેબસાઈટસ પર નજર નાખતા જણાય છે. આમ ટેકનોલોજી ક્ષેત્રમાં ખાસ કરીને  માગ-પૂરવઠાનું વ્યાપક અંતર જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોની વાત માનીએ તો, એઆઈના વિકાસ પર છેલ્લા એક દાયકાથી કંપનીઓ ખાસ ધ્યાન આપી રહી છે, પરંતુ આ ટેકનોલોજી માટેની ટેલેન્ટની ઉપલબ્ધતા તબક્કાવાર વધી રહી છે, જેને કારણે એઆઈનો વિકાસ ધીમી ગતિએ થઈ રહ્યો છે. 

એઆઈ સ્કીલ સાથેના કર્મચારીઓ મેળવવા કંપનીઓ જંગી પગાર ઓફર કરી રહી હોવાનું પણ ચિત્ર છે આમ છતાં, આવશ્યક ટેલેન્ટ મળી નહીં રહેતી હોવાની પણ એક સત્ય હકીકત છે. એક સ્ટાફિંગ કંપની દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, સાઈબરસિક્યુરિટી, જનએઆઈ જેવા ખાસ પ્રકારની કામગીરી માટે અનુભવી એન્જિનિયરોને આકર્ષક ઓફર કરતા કંપનીઓ ખચકાતી નથી. એઆઈ તથા એમએલ સોલ્યુશન્સ પૂરા પાડતા એન્જિનિયરોની માગમાં તાજેતરના સમયમાં નોંધપાત્ર વધારો થયો છે. નોકરી માટેની અરજીઓમાં ઉમેદવાર પોતાનામાં રહેલી સ્કીલ્સની માહિતી પૂરી પાડતા હોય છે, પરંતુ જ્યારે પ્રત્યક્ષ ધોરણે કામ કરવાનું આવે છે ત્યારે તેમની મર્યાદાઓ છતી થાય છે અને કંપનીઓએ આવા કર્મચારીઓને તાલીમ પૂરી પાડવા જંગી નાણાં ખર્ચવાનો વારો આવી શકે છે. દેશમાં એઆઈ ક્ષેત્રના સ્કીલ્ડ એન્જિનિયરો નહીં મળી રહેવાનું એક કારણ ભારતમાં આ ક્ષેત્રના નિષ્ણાતોને કારકિર્દી બનાવવા માટે રહેલી મર્યાદિત તકો રહેલું છે. ભારતમાં ટેલેન્ટ એ મોટી સમશ્યા નથી. 

ભારતમાં એઆઈ ક્ષેત્રના અનુભવી અને નિષ્ણાત એન્જિનિયરોની યાદી તૈયાર કરવામાં આવે તો આ યાદી ભાગ્યેજ પાંચ અંકની ઉપર જઈ શકે એમ હોવાનું ટેકનોલોજી ક્ષેત્રના આગેવાને જણાવ્યું હતું. દેશમાં હાલમાં અનુભવી એઆઈ ટેલેન્ટની નીચી સંખ્યા માગ-પૂરવઠા વચ્ચેના અંતરને હજુ લાંબો સમય સુધી ચાલુ રાખશે એમ કહીશુ તો ખોટું નહીં ગણાય. 

તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેમાં દેશમાં  વ્યક્તિગત પડકારોના ઉકેલ માટે એઆઈની સલાહ લેવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આમછતાં ભારતમાં એઆઈનો સ્વીકાર હજુ પ્રારંભિક તબક્કામાં છે. સદર સર્વેમાં ભાગ લેનારાઓમાંથી ૬૦ ટકા હિસ્સેદારોએ પોતે એઆઈથી ખાસ માહિતગાર નહીં હોવાનું જણાવ્યું હતું અને માત્ર ૩૧ ટકા લોકોએ કોઈ જનરેટિવ એઆઈ ટુલ્સનો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું. જે લોકો આવા પ્રકારના ટુલ્સનો વપરાશ કરે છે તેમનામાં એઆઈ ટેકનોલોજી માટેના વિશ્વાસમાં વધારો થઈ રહ્યાનું પણ સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

આવતા વર્ષના  અંત સુધીમાં  દેશમાં એઆઈ ક્ષેત્રના નિષ્ણાતોની માગ સામે માત્ર ૪૫ ટકા જ સ્કીલ્ડ વર્કફોર્સ ઉપલબ્ધ બની શકશે તેવો  તાજેતરમાં અન્ય એક  રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો. સ્પર્ધા સામે ટકી રહેવા કંપનીઓ પોતાની આવકમાંથી ચોક્કસ રકમ  વર્કફોર્સની ટ્રેનિંગ પાછળ ખર્ચી રહી છે. મોટાભાગની રકમ  કર્મચારીઓમાં સ્કીલ વધારવા પાછળ ખર્ચવામાં આવે છે. ભારત પાસે ટેકનોલોજીના જાણકારોની   સંખ્યા  મોટી છે પરંતુ એઆઈ નિષ્ણાતો મેળવવાનું આપણી માટે હજુુપણ મુશકેલ બની રહ્યું છે. 

એ દિવસો દૂર નથી  જ્યારે માનવની દરેક કામગીરી એઆઈ દ્વારા પણ શકય બનવા લાગશે પછી તે વ્યક્તિગત હોય કે વ્યવસાયીક  કામગીરી. આમ દરેક પ્રકારના કામમાં  એઆઈ સ્કીલિંગની જરૂરી બની રહેશે. 

 વેપારમાં એઆઈના  ઉપયોગ માટે  દેશની ટોચની પ૦૦ લિસ્ટેડ કંપનીઓએ મધ્યમ તથા સીનિયર સ્તરના કર્મચારીઓને તાલીમ પૂરી પાડવા દસ લાખ કલાક ફાળવવાની આવશ્યકતા હોવાનો અન્ય એક રિપોર્ટમાં અંદાજ મુકાયો  હતો. 

આકાર પામી રહેલી તકોને ધ્યાનમાં રાખી દેશનું શિક્ષણ ક્ષેત્ર એઆઈ ટેકનોલોજીથી વાકેફ એવું તાલીમબદ્ધ કર્મચારીબળ ઉદ્યોગોને પૂરુ પાડવા સજ્જ થઈ રહ્યું છે. શિક્ષણ સંસ્થાઓમાં એઆઈ અભ્યાસક્રમની સૌથી વધુ માગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

તાજેતરમાં આવેલા એક સર્વે રિપોર્ટમાં  ભારતના વ્યવસાયીકો એઆઈની સ્વીકૃતિમાં સૌથી વધુ ઉત્સાહી હોવાનું જણાવાયું હતું. સર્વેમાં ભાગ લેનારા એકંદર વ્યવસાયીકોમાંથી ૯૫ ટકાએ પોતે એઆઈથી વાકેફ અને તાલીમબદ્ધ  બનવા માગતા હોવાનું  જણાવ્યું હતું. દેશમાં એઆઈ ટેકનોલોજીના જાણકારોની માગ પ્રમાણે ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખતા તેના પૂરવઠામાં વધારો થાય તેવા સરકાર તથા ખાનગી સ્તરે વેળાસર આયોજનની તાતી જરૂર છે એમ કહીશુ તો ખોટું નહીં ગણાય. 

Tags :